ફોકસ -રાજેશ યાજ્ઞિક
બળાત્કાર, શારીરિક કે માનસિક સતામણી, ઘરેલુ હિંસા, આત્મહત્યા વગેરેની જયારે વાત આવે ત્યારે તરત લોકોના મનમાં મહિલાઓનો જ વિચાર આવે. આ કિસ્સાઓ જાણે મહિલાઓ સાથે જ બની શકે અને તેઓ જ પીડિત હોય એવી દ્રઢ માન્યતા ન માત્ર સામાજિક સ્તરે, પણ શાસકીય સ્તરે પણ દ્રઢ થઇ ગઈ હોય એવું લાગે છે. તેની સામે નીચે વર્ણવેલા કેટલાક કિસ્સાઓ જુઓ,
૧) વર્ષ ૨૦૧૮માં કાનપુરના પૂર્વ પોલીસ અધિક્ષક આઇપીએસ સુરેન્દ્ર કુમાર દાસનું ઝેરી પદાર્થ ખાવાથી મૃત્યુ થયું હતું. તપાસમાં ઘરેલું વિખવાદના કારણે આપઘાતનો મામલો સામે આવ્યો હતો.
૨) વર્ષ ૨૦૧૭માં બિહારના આઈએએસ ઓફિસર મુકેશ કુમારે પત્ની સાથેના વિવાદને કારણે ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો. સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે પત્ની અને તેનાં માતા-પિતા વચ્ચેના ઝઘડાને કારણે તે ખૂબ જ પરેશાન હતા.
૩) જુલાઈ ૨૦૨૨માં રાજસ્થાનના બિકાનેરમાં પતિને માર મારવાનો મામલો સામે આવ્યો. પત્નીએ તેના પતિને ક્રિકેટ બેટથી એટલી નિર્દયતાથી માર્યો કે તેનું માથું ફાટી ગયું. ડૉક્ટરોએ તેને માથામાં ૧૭ ટાંકા લેવા પડ્યા. આ સિવાય તેને શરીરમાં અનેક ઠેકાણે ઈજા થઈ હતી. યુવકની ચીસો સાંભળીને પહોંચેલા પાડોશીઓએ તેને તેની પત્નીથી બચાવ્યો અને પછી તેને હૉસ્પિટલ લઈ ગયા. દંપતીએ પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ કેસ નોંધાવ્યો. પતિની મારપીટનો વીડિયો પણ સામે આવ્યો છે.
૪) મે ૨૦૨૨માં જ હરિયાણાની ખારકારા સરકારી શાળાના આચાર્ય અજિત યાદવને તેમની પત્ની આખા ઘરમાં પીછો કરીકરીને ક્રિકેટના બેટ, લોખંડની તપેલી અને ઘરમાં રહેલા અન્ય હથિયાર વડે ફટકારે છે તેવો વીડિયો વાયરલ થયો હતો. તેઓએ ૭ વર્ષથી લવ મેરેજ કરેલા. આ દંપતીમાં ઘરેલુ હિંસાના કેસમાં પતિએ પત્ની નહીં, પણ પોતે હિંસાનો શિકાર છે તેના પુરાવા એકત્ર કરવા ઘરમાં છુપા કેમેરા લગાવ્યા હતા. એક વીડિયોમાં તો તેમનું સંતાન પણ માતાના આ હિંસક વર્તાવને થરથર કાંપતો જોઈ રહ્યો હતો. યાદવે આખરે પુરાવાઓ સાથે કોર્ટમાં અરજી કરીને પત્નીથી પોલીસ પ્રોટેક્શન મેળવવું પડ્યું હતું.
ઉપર દર્શાવેલા કિસ્સાઓમાં બે-ત્રણ વાત નોંધનીય છે, પહેલી એ, કે જરૂરી નથી કે ગૃહ કલેશ, ઘરેલુ હિંસા માટે હંમેશાં પુરુષ જવાબદાર હોય છે અને સ્ત્રી જ પીડિત હોય, પુરુષો પણ પીડિત હોય છે. બીજું જો ધ્યાનથી જોવામાં આવે તો આ બધા પીડિત પુરુષો ઉચ્ચ શિક્ષિત અને ઉચ્ચ પદ પર બેઠેલા પુરુષો છે. તેઓ પણ અત્યાચારનો કે સતામણીનો ભોગ બની શકે છે. તેનો અર્થ એ પણ છે કે ભણેલા-ગણેલા પુરુષો પોતાનાથી ઓછું ભણેલી પત્નીઓને હંમેશાં દબાવીને રાખે છે કે અત્યાચાર કરે છે તેવી સાધારણ વ્યાખ્યા કરી દેવી પણ ખોટી સાબિત થઇ શકે છે. ત્રીજું એ કે માત્ર નબળા આર્થિક વર્ગોમાં ઘરેલુ હિંસા થાય, પછી પીડિત સ્ત્રી હોય કે પુરુષ, અને આર્થિક રીતે સધ્ધર કે ઉચ્ચ શિક્ષિત પરિવારોમાં તેવું નથી, તેમ પણ ન કહી શકાય. અહીં વર્ણવેલા કિસ્સાઓ તો એ છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા કે જેમાં પુરુષોએ પોલીસ કે કોર્ટ કેસ કર્યો હોય. પરંતુ આ માત્ર હિમશિલાની ટોચ સમાન છે. ભારતમાં જ નહીં, વિશ્ર્વભરના લાખો પુુરુષો ઘરેલુ હિંસાનો શિકાર બને છે.
એ વાતમાં કોઈ સંદેહ નથી કે મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બને છે, અને સદીઓથી બનતી આવી છે. દહેજ, કે લગ્નબાહ્ય સંબંધો કે સામાજિક-આર્થિક કારણોને લઈને સ્ત્રીઓની સતામણી થાય છે. એ નિંદનીય છે, અપરાધ છે અને એવું કરનાર પુરુષો અને તેમના પરિવારો સજાને પાત્ર છે, પરંતુ માત્ર સ્ત્રીઓ જ શિકાર બને છે તેવી જે માન્યતા રૂઢ થઇ ગઈ છે, તેને બદલવાનો સમય હવે આવી ગયો છે. જે રીતે પુરાતન સમયમાં ગુલામો રાખવાની પ્રથા હતી ત્યારે સ્ત્રીની જેમ પુરુષોને પણ ગુલામ બનાવાયા હતા. તેવી જ રીતે, હિંસાનો શિકાર પણ પુરુષો બનતા આવ્યા છે. પણ તેની નોંધ લેવાઈ નથી.
૧૯૯૯માં ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પુરુષોના એક સર્વેક્ષણમાં પુરુષો કેવા પ્રકારની હિંસાનો ભોગ બને છે તેની વિગતો જાણવા જેવી છે.
હુમલાના સૌથી સામાન્ય સ્વરૂપો થપ્પડ મારવા, હિંસાત્મક રીતે ફેંટ પકડવી અને
ધક્કા મારવા (૬૦.૬% પીડિતો) હતા. આના પછી ગૂંગળામણ, લાત મારવી, બટકા ભરવા અને મુક્કા મારવા (૪૮.૬૬%), અથવા પીડિત પર કોઈ વસ્તુ ફેંકવી (૪૬.૮%) હતી. સાડત્રીસ ટકા કેસમાં હથિયાર સામેલ હતા. સાત ટકા પીડિતોએ સેક્સ માટે ફરજ પાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
પીડિતોમાં ઓગણીસ ટકા લોકોએ પોલીસનો સંપર્ક કર્યો; ૧૪% પુરુષોને તબીબી સહાયની જરૂર પડી.
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં, દર નવમાંથી એક પુરુષ તેમના ઘનિષ્ઠ ભાગીદાર અથવા તેમના જીવનસાથી દ્વારા ઘરેલું હિંસાનો ભોગ બને છે. દર સાતમાંથી એક પુરુષ તેમના જીવનસાથી અથવા ઘનિષ્ઠ ભાગીદારો દ્વારા શારીરિક શોષણનો ભોગ બન્યો છે. યુનાઇટેડ કિંગડમમાં દર પાંચમાંથી બે પુરુષો ઘરેલું દુર્વ્યવહારનો ભોગ બને છે. તો ઑસ્ટ્રેલિયામાં, ૧૫ વર્ષની ઉંમરથી, દર સોળમાંથી એક પુરુષ તેમના જીવનસાથી, ઘનિષ્ઠ ભાગીદારો અથવા સહવાસ ભાગીદારો દ્વારા શારીરિક અથવા જાતીય ત્રાસના સ્વરૂપમાં ઘરેલું શોષણનો ભોગ બને છે.
ભારતમાં અંદાજે ૩ કરોડ પુરુષો ઘરેલુ હિંસાનો ભોગ બને છે. ૨૦૦૪ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, આ હિંસા હંમેશાં સ્ત્રી ભાગીદાર/પત્ની દ્વારા કરવામાં આવતી નથી, તેના બદલે, પત્નીના પુરુષ સંબંધી દ્વારા પુરુષ જીવનસાથી પર નિયમિતપણે હુમલો કરવામાં આવે છે અથવા તેમને ધમકીઓ આપવામાં આવે છે. ૨૦૦૪થી લઈને ૨૦૨૨ સુધીમાં આ આંકડાઓ વધ્યા જ છે, ઘટ્યા નથી, તે પણ એક વરવી હકીકત છે. એક તરફ મહિલા સંરક્ષણ, મહિલા અધિકાર વગેરે માટે અનેક બિનસરકારી અને સેવાભાવી સંગઠનો મોરચાઓ, ચર્ચાઓ અને જાહેર હિતની અરજીઓ કરે છે. શક્ય તે તમામ મંચ ઉપરથી પુરુષ પ્રધાન વ્યવસ્થાની ટીકાઓ થતી હોય છે, તો બીજી બાજુ પુરુષો ઉપર તો જાણે અત્યાચારો થતાં જ ન હોય તેવું સ્મશાનવત મૌન જોવા મળે છે. હા, સ્ત્રીઓ વિરુદ્ધના અત્યાચાર સામે અવાજ ઉઠાવવા જોઈએ, પણ આંધળી રીતે માત્ર પુરુષોને જવાબદાર ગણવાનું કેટલે અંશે યોગ્ય છે તે વિચારવાનો સમય આવી ગયો છે. સમાજમાં આવેલાં પરિવર્તનોમાં એક પરિવર્તન એ પણ છે કે પુરુષો પણ સતત સતામણી અને અત્યાચારનો ભોગ બને છે. હવે એકાંગી અથવા એકતરફી વિચારધારાથી એક જ પક્ષને દોષિત માની લેવાની વૃત્તિ પણ બદલાવી જોઈએ. આ વિશે આપણે આવતે અંકે ચર્ચા આગળ કરીશું.