Homeરોજ બરોજહા, ગાંધીજીની છબી ભારતીય ચલણ પરથી હટાવી દ્યો!

હા, ગાંધીજીની છબી ભારતીય ચલણ પરથી હટાવી દ્યો!

રોજ બરોજ -અભિમન્યુ મોદી

ગુજરાતમાં ચૂંટણી જીતવી હોય તો બેરોજગારી, ગરીબી, શિક્ષણ આ બધા મુદ્દાઓને ભૂલીને ક્રિએટિવ વિચાર સાથે પ્રચાર કરવો પડે તો જ મીડિયા અને સોશિયલ મીડિયામાં નેતાઓ છવાયેલા રહે. આ વર્ષે ગુજરાતની ચૂંટણીમાં ‘હિન્દુત્વ’ પ્રચારનું મહત્ત્વનું પરીબળ બન્યું છે. જે કૉંગ્રેસ સંતો-મહંતોથી વિમુખ થઈ રહ્યો હતો તે કર્મકાંડ અને હોમ-હવન કરતો થઈ ગયો. કેજરીવાલને મંદિરમાં દૂધનો વ્યય થાય તેનાથી તકલીફ હતી તે હવે વારંવાર સોમનાથ આવી મહાદેવનો દુગ્ધાભિષેક કરે છે. ભાજપમાં ઊલટું થવા લાગ્યું ૨૭ વર્ષથી મંદિરની મુલાકાતે જતાં સિનીયર નેતાઓ મસ્જિદના રસ્તે જવા લાગ્યા. આ બધુ તો સમજી શકાય કે ચૂંટણીનો પ્રોપેગેન્ડા છે એટલે નેતાઓ ધાર્મિક સ્થાનકમાં શીશ ઝુકાવવા આવે, પણ ગુજરાતના ગઢને જીતવા ભારતની ચલણી નોટ પર પણ રાજનીતિ શરૂ થઇ ગઈ છે અને તેને ધર્મ સાથે જોડી દેવી-દેવતાઓની છબીને ટાર્ગેટ કરી વોટબેંક એકત્ર કરવાના હીન પ્રયાસ પ્રચારના નિમ્નસ્તરને દર્શાવે છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર સમયે કેજરીવાલે પ્રસ્તાવ મૂકયો કે, નોટ પરથી ગાંધીજીનું મુખારવિંદ હટાવી તેમાં દેવી-દેવતાઓનાં ચિત્રોને સ્થાપિત કરો તેનાથી દેશના અર્થતંત્રને ગતિ મળશે.
હા, ગાંધીજીની છબી ભારતીય ચલણ પરથી હટાવી દ્યો. કારણ કે ગાંધીજી ભારતના કણ-કણમાં વસેલા છે. તેમણે ક્યારેય પ્રસિદ્ધિ કે વ્યક્તિ પૂજાની હિમાયત નથી કરી. ગાંધીજીનાં પૌત્રો-પૌત્રીઓ આશ્રમમાં પહેલી વખત રહેવાં માટે આવ્યાં અને થોડા દિવસ રહીને પાછાં જતાં હતાં, ત્યારે ગાંધીજીએ આશ્રમના ખાતામાં પોતાની અંગત રકમ જમા કરાવી હતી. મહાદેવ દેસાઈએ કુતુહુલ વશ આ રકમ અંગે પૂછ્યું ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે, આ આશ્રમ તો સમાજનો છે. સમાજની પરિશ્રમ રૂપી મૂડીમાંથી તૈયાર થયો છે. તો તેમના સ્વજનો આશ્રમનો ઉપયોગ હોટેલ સ્વરૂપે ન કરી શકે. આવા તો અનેક પ્રસંગ ભારતના નાગરિક પાસેથી સાંભળવા મળે. જેમણે ક્યારેય જમીનના સોઈ જેટલા કણ પર પણ માલિકીપણું નથી દાખવ્યું એવા ગાંધીજીને ભારતીય ચલણ પર અમર થવાના અભરખા હોય?
નોટ પર ગાંધીજીની જે છબી અંકિત છે તે તસવીર ૧૯૪૬માં લેવાઇ હતી, એ સમયે મહાત્મા ગાંધી બ્રિટનના લોર્ડ ફ્રેડરિક પેથીક લોરેન્સના વિકટરી હાઉસમાં આવ્યા હતા. ફ્રેડરિકે બાપુને બ્રિટનમાં હિન્દૂ ધર્મ અંગે લેક્ચર આપવા માટે આમંત્રિત કર્યા હતા પણ બાપુએ તેનો ઇન્કાર કર્યો હતો. ગાંધીજીના મતે દેશમાં અંધાધૂંધી ફેલાયેલી હોય ત્યારે તેઓ વિદ્યાર્થીઓને કઈ બાબત પર ભાષણ આપે? બાપુ ધાર્મિક વાડાઓમાં વિભાજિત ભારતને એક કરવા માંગતા હતા, સરદાર પટેલ તેના અભિયાનનું સુકાન સંભાળી ભારત ભ્રમણ કરી રહ્યા હતા. ગાંધીજીને આવા વિષમકાળમાં ધર્મના નામે થતી રાજનીતિને જડમૂળથી દૂર કરવી હતી. પણ ભારતના નસીબ જુઓ આઝાદીના ૭૫ વર્ષ બાદ બાપુના જ ચહેરાનો ઉપયોગ કરીને ધર્મની રાજનીતિ રચાઈ છે.
કેજરીવાલનો સવાલ છે કે નોટ પર ગાંધીજીની જ છબી કેમ? વિશ્ર્વના ઇતિહાસ પર એક નજર કરો. એવા ક્યા નેતાની વિગત તમને મળી જેને આજે પણ જગત જમાદાર અમેરિકા સ્વીકારે છે. ચીન જેવા તોફાની રાષ્ટ્રો તેમના નામનો આદર કરે છે, રશિયા ભલે યુક્રેનને ઘમરોળે પણ ગાંધીજીનું નામ સાંભળીને તેને પણ વિશ્ર્વશાંતિની વાત આડકતરી રીતે કરે છે. ઇઝરાયેલ, જે પોતાના શસ્ત્રોના નામે વિશ્ર્વને ડરાવે છે તેને પણ ગાંધીજયંતી નિમિતે હથિયાર હેઠાં મૂકીને બાપુને શ્રદ્ધાંજલિ આપે છે. આવા સર્વ સ્વીકૃત ગાંધીજી ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
જો કેજરીવાલનું માનીએ તો આર્થિક સંકટમાં ફસાયેલા બ્રિટેને પાઉન્ડ પર ક્રોસનું નિશાન કરવું જોઇએ, પાકિસ્તાને ધાર્મિક પંકિતઓ લખવી જોઈએ, શ્રીલંકાએ ભગવાન બુદ્ધને ચલણમાં સામેલ કરવા જોઈએ. કેમ તેઓ એવું નથી કરતા? દરેક દેશનું ચલણ તેના રાષ્ટ્રની ઓળખ બને છે. જીન્હા પાકિસ્તાનને, એલાઝબેથ બ્રિટનને અને શ્રીલંકા વાઘના ચિત્રને ચલણ પર ચિત્રિત કરી પોતાના દેશની ઓળખને દર્શાવે છે. એમ ગાંધીજી ભારતની અસ્મિતા અને અસ્તિત્વની ઓળખ છે. કેજરીવાલ પાસે આ મુદ્દે પણ રાજકીય ગણિત છે. તે ઇન્ડોનેશિયાનું દૃષ્ટાંત આપે છે એ પણ અધકચરું અને અર્ધસત્ય છે. ઇન્ડોનેશિયાને કે કેજરીવાલ મુસ્લિમ રાષ્ટ્ર ગણાવે છે જયારે ૮૭.૨ ટકા મુસ્લિમોની વસતિ છતાં ઇન્ડોનેશિયા પાકિસ્તાનની જેમ સંપૂર્ણ મુસ્લિમ રાષ્ટ્ર નથી. જે રીતે ૮૫ ટકા હિન્દુ વસતિ હોવા છતાં ભારત ‘હિન્દુ રાષ્ટ્ર’ નહીં બલ્કે બહુ-ધાર્મિક અથવા તો સેક્યુલર રાષ્ટ્ર છે તેમ ઇન્ડોનેશિયા પણ પોતાને બહુધાર્મિક દેશ ગણાવે છે. મુસ્લિમ ઉપરાંત ઉપરાંત ત્યાં ૬.૯ ટકા રોમન, ૨.૯ ટકા કેથોલિક, ૦.૭ ટકા ચીની અને ૧.૭ હિન્દુઓ વસવાટ કરે છે.
ઇન્ડોનેશિયામાં ગણપતિ બાપ્પા વિજ્ઞાન, કળા અને બુદ્ધિના દેવ તરીકે પૂજાય છે. વર્ષો પહેલા અર્થતંત્રમાં ફુગાવો વધી ગયો હતો. ઇકોનોમિક ડામાડોળ થઈ ગઈ હતી. તે સમયે અર્થશાસ્ત્રીઓ દ્વારા બાપ્પાને ચલણમાં સ્થાન આપવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. તેના પણ ઘણાં કારણો છે. એક સમયે ઇન્ડોનેશિયાના કેટલાક ભાગોમાં ચોલવંશનું શાસન હતું. ભગવાન ગણેશ તેમાં મુખ્ય હતા. તેથી જ ઇન્ડોનેશિયામાં બાપ્પાના મંદિરો પણ મળી આવે છે. દેવાળું ફૂંકતા દેશે દુંદાળા દેવનો સહારો લીધો પછી સંયોગ કહો કે ચમત્કાર ઇન્ડોનેશિયાની જીડીપી ૪.૭ થી વધી ૧૩.૬ ટકા થઇ ગઇ. આ પ્રયોગમાં ગણેશજીને ભગવાન ઓછા ને જ્ઞાન, કળા તેમ જ વિજ્ઞાનની દૃષ્ટિએ ‘લક્કી’ વધુ માનવામાં આવતા હતા. પણ તેના ચલણમાં બાપ્પાની સાથે ઇન્ડોનેશિયાના રાષ્ટ્ર નાયક ‘કી હજર દેવાંતારા’ની છબીને પણ સ્થાન આપવામાં આવ્યું હતું કેમ? ‘કી હજર દેવાંતારા’ને કારણે જ ઇન્ડોનેશિયાનું કંગાળ અર્થતંત્ર રાખમાંથી બેઠું થયું હતું. પણ કેજરીવાલને આવા ઇતિહાસની ખબર જ ન હોય ને!
કેજરીવાલના ભડાકા પછી અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ સુભાષચંદ્ર બોઝની તસવીર બે હજારની નોટ પર છાપવાની હિમાયત કરી. તો કૉંગ્રેસના મનીષ તિવારીએ આંબેડકરની તસ્વીરને યોગ્ય ગણાવી, સંઘના પીઢ નેતા સૌરભ ભારદ્વાજે વીર સાવરકરની માંગ કરી જયારે મહારાષ્ટ્ર ભાજપના નેતાએ રૂ.૨૦૦ની નોટને મોર્ફ કરીને તેમાં છત્રપતિ શિવાજી મહારાજની છબી લગાડી દીધી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. જો કેજરીવાલની ઇચ્છા ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવાની જ હોય તો તેને પોતાની આ માગને રિઝર્વ બેન્ક સમક્ષ રજૂ કરવી જોઈએ નહીં કે જાહેર મંચ પર વૈમનસ્ય ફેલાવવા અને લોકોના મત મેળવવા! તેના નિવેદન પછી હજુ પણ લોકો પોતાના મંતવ્ય પાઠવી રહ્યા છે. તો આવા નિષ્ણાંતો હજુ સુધી કેમ સુષુપ્ત અવસ્થામાં હતા?

કેજરીવાલની છુપી રમત આ એક નિવેદનથી સફળ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ કંઈ દિલ્હીના સેવક કે ભક્ત નથી, એ ખૂનખાર રાજકારણી છે. એનું બાહ્ય આભામંડળ ભલે લોકસેવક જેવું હોય, પરંતુ હકીકતમાં તેઓ ઊંચા ગજાના ખેલાડી છે. ગુજરાતમાં ધીરે ધીરે અરવિંદ કેજરીવાલનો સિક્કો જામતો જાય છે, પરંતુ દિલ્હી સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ અને ગુજરાત આપના નેતા ગોપાલ ઈટાલીયાના હિન્દુ ધર્મ અંગેના બફાટ બાદ કેજરીવાલની છબી અત્યંત ખરડાઈ છે. છબી સ્વચ્છ કરવા શું કરવું?
કેજરીવાલ ગણતરીનાં વર્ષોમાં જ એક પીઢ રાજકારણી બની ગયા છે અને તેઓ કયા રાજ્યમાં કયો મુદ્દો ચાલે છે તે ખૂબ જ સારી રીતે જાણે છે. ગુજરાતમાં ધાર્મિક મુદ્દો જ ચાલે છે એટલે તેમણે તે દિશામાં કામ શરૂ કરી દીધું હોવાનું નોટ અંગેના ભાષણ પરથી જ ફલિત થાય છે. પરંતુ જે ગાંધીજીનો તે છૂપો વિરોધ કરે છે તેમણે તો જીવનભર ધાર્મિક વિવાદનો વિરોધ કર્યો. હવે તેમના જ નામે રાજનીતિ થતા ગાંધીજીની છબીને ભારતના ચલણ પર છાપવાનો ભારતીયોને અધિકાર જ નથી. આ ગાંધીનું જ નહીં પણ ગાંધીવાદી મૂલ્યોનું હનન છે. એટલે તેમની છબીને છાપવાથી કંઈ નહીં થાય! તેમના આદર્શોને માનવી અનુસરશે તો દેશનું અર્થતંત્ર આપોઆપ ઉર્ધ્વદિશામાં વહન કરશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -