એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ધૂરંધર નેતા બી.એસ. યેદુરપ્પાએ રાજકારણમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરીને આશ્ર્ચર્ય અને ગૂંચવાડો બંને સર્જ્યાં છે. એક તરફ તેમણે પોતે બે મહિના પછી યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી નહીં લડે એવું એલાન કર્યું ને બીજી તરફ દાવો કર્યો કે, ભગવાન મને શક્તિ આપશે તો હું પાંચ વર્ષ પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી પણ લડીશ અને હું ભાજપને સત્તામાં લાવવા માટે મારાથી બનતા તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.
ભારતમાં મોટાભાગના રાજકારણીઓને સત્તાના રાજકારણથી દૂર કરવા માટે કાં ધક્કા મારીને કાઢી મૂકવા પડે છે કાં આયખું પતી જાય તેની રાહ જોવી પડે છે. એ સિવાય એ લોકો ખસતા જ નથી ત્યારે યેદુરપ્પાએ વિધાનસભામાં સંબોધન કરતાં પહેલાં નિવૃત્તિની જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધેલો પણ એ પછી લટકામાં તેમણે જે ઉમેર્યું તેના કારણે સૌ ગૂંચવાઈ ગયા છે.
યેદુરપ્પાએ જાહેર કર્યું કે, આ વિધાનસભામાં મારું અંતિમ ભાષણ છે અને હવે હું ફરીથી ચૂંટણી નહીં લડું. તેમણે મોદીનો આભાર પણ માન્યો ને પછી મમરો મૂક્યો કે, ભગવાન મને શક્તિ આપશે તો હું આગામી પાંચ વર્ષ પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી પણ લડીશ. સાથે સાથે ભાજપને સત્તામાં લાવવા માટે મારાથી બનતા તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરીશ.
યેદુરપ્પાની બે મોંઢાની વાતથી ગૂંચવાડો છે પણ એક વાત સ્પષ્ટ છે કે, યેદુરપ્પા સ્વેચ્છાએ તો ખસી નથી રહ્યા ને ચૂંટણી નહીં લડવાની જાહેરાત પણ દિલથી નથી કરી. એ સિવાય પાંચ વર્ષ પછી ફરી ચૂંટણી લડવાની ઈચ્છા શું કરવા વ્યક્ત કરે? ચૂંટણી લડવી જ હોય તો અત્યારે કેમ નહીં? યેદુરપ્પા હજુ કડેઘડે છે ને ચૂંટણી લડી શકે એટલા ખમતીધર છે જ. એ છતાં અત્યારે મેદાન છોડીને પાંચ વર્ષ પછી ચૂંટણી લડવાની તેમની વાત પરથી લાગે જ કે, યેદુરપ્પા સ્વૈચ્છિક રીતે તો ખસી રહ્યા નથી જ.
યેદુરપ્પાએ એવું એલાન પણ કર્યું છે કે, ચૂંટણી નહીં લડવાનો અર્થ એ નથી કે પોતે ઘરે બેસી જશે. વિધાનસભા ચૂંટણીમાં પોતે રાજ્યનો પ્રવાસ કરશે અને ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરશે. યેદુરપ્પાનું કહેવું છે કે, પોતે અંતિમ શ્ર્વાસ સુધી ભાજપને વધુ મોટી અને મજબૂત બનાવવા માટે કામ કરશે.
યેદુરપ્પાએ બીજી પણ વિરોધાભાસી વાતો કરી છે. યેદુરપ્પાએ પોતાના ભાષણમાં કહ્યું કે, વિપક્ષ કહે છે કે મને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યો હતો પણ આ વાત ખોટી છે. જુલાઈ ૨૦૨૧માં યેદુરપ્પાએ પાર્ટી હાઈકમાન્ડના આદેશથી મુખ્યમંત્રીપદ છોડી દીધું હતું અને તેમના સ્થાને બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
યેદુરપ્પાનો દાવો છે કે, મને મુખ્યમંત્રીપદેથી હટાવવામાં આવ્યો ન હતો પણ મેં મારી ઉંમરને કારણે આ નિર્ણય લીધો હતો. સવાલ એ છે કે, યેદુરપ્પાની ઉંમર અત્યારે જ થઈ ગઈ હોય તો પાંચ વર્ષ પછી તો તેમની ઉંમર વધવાની જ છે, ઘટવાની નથી. હવે અત્યારે વધતી ઉંમરને કારણે યેદુરપ્પા મુખ્યમંત્રીપદ છોડી શકતા હોય તો પાંચ વર્ષ પછી ક્યા આધાર પર લડશે?
ખેર, યેદુરપ્પાની વાતો પરથી સ્પષ્ટ છે કે તેમને ઉઠાવીને વખારમાં ફેંકી દેવાયા છે. ભાજપની ભાષામાં કહીએ તો માર્ગદર્શક મંડળમાં સામેલ કરી દેવાયા છે. યેદુરપ્પાની પોતાની ઈચ્છા ખસવાની નથી ને ભવિષ્યમાં હજુ સત્તા ભોગવવાનો ચસકો છે જ પણ અત્યારે બોલી શકાય તેમ નથી એટલે મન મારીને નિવૃત્તિની જાહેરાત કરી નાંખી છે.
યેદુરપ્પાનો ઈતિહાસ ને સ્વભાવ બંને જોતાં એ અત્યારે ભલે બેસી ગયા હોય પણ ભવિષ્યમાં પાછા આવશે જ તેમાં શંકા નથી. કર્ણાટકનાં રાજકીય સમીકરણો અને ભાજપની હાલત જોતાં તો આ વિધાનસભાની ચૂંટણી પછી જ તેમને હાથ-પગ જોડીને પાછા લાવવા પડે એવું બની શકે કેમ કે ભાજપ માટે વિધાનસભાની ચૂંટણીમાં કપરાં ચઢાણ છે. ભાજપ પાસે બીજો કોઈ એવો નેતા નથી કે જે યેદુરપ્પાના પેંગડામાં પગ નાંખી શકે કેમ કે કર્ણાટકમાં ભાજપ જે કંઈ છે તે યેદુરપ્પાના કારણે જ છે.
છેક ૧૯૯૦ના દાયકાના મધ્ય સુધી ભાજપની છાપ ઉત્તર ભારતના હિન્દી પટ્ટા ને પશ્ર્ચિમ ભારતમાં વર્ચસ્વ ધરાવતા પક્ષની હતી. ભાજપ કદી વિંધ્યને પેલે પાર નહીં જાય એવું કહેવાતું. મહારાષ્ટ્ર પછી ભાજપનું વર્ચસ્વ ખતમ થઈ જાય છે ને દક્ષિણનાં રાજ્યોમાં ભાજપ કદી પગપેસારો નહીં કરે શકે એવું મનાતું હતું. યેદુરપ્પાએ એ મહેણું ભાંગીને કર્ણાટકમાં ભાજપનો પગપેસારો જ ના કરાવ્યો પણ સત્તા પણ અપાવી. ભાજપ અત્યારે કર્ણાટકમાં બહુ મજબૂત છે તેનું કારણ એ છે કે, યેદુરપ્પાએ ભાજપને સત્તા લગી પહોંચાડવા જાત ઘસી નાંખી છે.
યેદુરપ્પા ભાજપના પૂર્વાવતાર જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા છે ને છેક ૧૯૮૩થી કર્ણાટક વિધાનસભામાં ચૂંટાય છે. કર્ણાટકમાં ભાજપનો કોઈ ભાવ નહોતું પૂછતું એ વખતે પણ યેદુરપ્પા વિધાનસભામાં જીતતા હતા. તેના પરથી જ યેદુરપ્પાની રાજકીય તાકાતનો પરચો મળી જાય.
યેદુરપ્પાએ પોતાના લિંગાયત સમાજને ધીરે ધીરે ભાજપ તરફ વાળ્યો ને તેના કારણે ભાજપ મજબૂત બન્યો છે. કર્ણાટકમાં ભાજપને ગણતરીમાં જ નહોતો લેવાતો ત્યારો જ્ઞાતિવાદનાં સમીકરણોથી માંડીને પ્રદેશવાદ સુધીના મુદ્દે ભાજપને અનુકૂળ આવે એવી બાજી ધીરે ધીરે ગોઠવીને યેદુરપ્પા રાજકારણના અઠંગ ખેલાડી સાબિત થયા છે.
ભાજપે યેદીને અવગણવાની આકરી કિંમત પહેલાં ચૂકવી છે. ભાજપે ૨૦૧૩માં યેદુરપ્પાને દૂર કર્યા તેથી અકળાયેલા યેદુરપ્પાએ નવો પક્ષ રચ્યો હતો. તેના કારણે ૨૦૧૩ની ચૂંટણીમાં ભાજપ પતી ગયો હતો. કૉંગ્રેસ ફાવી ગયેલી ને સિધ્ધરામૈયા ગાદી પર બેસી ગયા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભાજપને બ્રહ્મજ્ઞાન થયું કે, કર્ણાટકમાં યેદી વિના નહીં ચાલે તેથી તેમને મનાવીને પાછા લઈ આવવા પડેલા. તેના બદલામાં સીબીઆઈએ ૪૦ કરોડ રૂપિયાના લાંચ કૌભાંડમાં યેદી અને તેમના આખા ખાનદાનને દૂધે ધોયેલા જાહેર કર્યા હતા.
યેદુરપ્પા એ રીતે ભાજપ માટે અનિવાર્ય છે. અત્યારે ભાજપ તેમને ભલે અવગણે પણ કાયમ માટે અવગણી ના પણ શકે.