ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ
(૩૩)
દઢવાવ હત્યાકાંડ વિશે જાણતા, વાચતા, લખતા અને સંશોધન કરતા એક વાત સતત હૈયામાં ટાંચણીની જેમ ભોંકાય કે આ હત્યાકાંડ જલિયાંવાલા બાગ કાંડથી મોટો છે છતાં કેમ અતીતના પાતાળકૂવામાં લગભગ ધરબાઇ ગયો. ઑફકોર્સ, આમ કરવા પાછળ બ્રિટિશરોની મેલી મથરાવટી હોવા વિશે બેમત નથી. પણ એમાં એ લોકો સફળ કેમ થયા? થોડા તર્ક જોઇએ. (એક) જલિયાંવાળા બાગના હત્યાકાંડ બાદ અંગ્રેજો જગત સમક્ષ દમનકર્તા તરીકે ભૂંડા ચિતરાયા હતા. આથી અત્યાચાર બંધ કરવાને બદલે એને છુપાવવા છાવરવા પર ધ્યાન આપ્યું. (બે) દઢવાવમાં માર્યા ગયેલા લોકો એકદમ ગરીબ, અભણ અને આદિવાસી હતા. (ત્રણ) આ હત્યાકાંડ પર ઢાંકપિછોડો કરવામાં અંગ્રેજો જેટલો જ કે એનાથી વધુ રસ અમુક રજવાડાઓને હતો એટલે એ શક્ય બન્યું. (ચાર) દઢવાવ ખૂબ અંતરિયાળ જગ્યા હોવાથી સમાચાર છુપાવવાનું, લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનું શક્ય બન્યું. (પાંચ) હત્યાકાંડમાં મરનારા અને મારનારાઓમાં સ્થાનિકોની સંખ્યા બહુમતીમાં હતી એટલે ધાર્યા મુજબનો હોબાળો ન થયો. (છ) કમનસીબે આ ઘટના બની હોવાનો કોઇ સત્તાવાર રેકોર્ડ કે સજજડ પુરાવા નથી. કદાચ, આ બાબત જ એના પર ઢાંકપિછોડો કરવાથી બ્રિટિશરોની ચેષ્ટાનો મોટો બહુ બોલકો પુરાવો છે.
અલબત્ત, દઢવાવ હત્યાકાંડના થોડા મહિના અગાઉ તે અંગેના સમાચાર અખબારોમાં પ્રગટ થયા હતા.
સરકારી દાવા મુજબ દઢવાવમાં ૨૨ વ્યક્તિના મોત થયા હતા. આ કબૂલાત પણ ચોંકાવવા માટે નાની નથી પણ એમાં આંકડાકીય જૂઠાણું છે. એ સમયે રાજસ્થાન સેવા સંઘે દઢવાવ હત્યાકાંડની વિગતો મેળવ્યા બાદ તેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. સંઘના પ્રમુખ બી.એસ. પથિકે તો રાજપૂતાનાના ગવર્નર જનરલ પર પત્ર લખીને વિરોધ-વાંધા નોંધાવ્યા હતા. પથિક સાહેબના પત્રના અમુક અંશ ઘણું કહી જાય છે: “…મોતીલાલની ધરપકડ કરવાથી અનેક માનવીઓના જીવ જવાની શકયતા હતી. સાથોસાથ તેજાવતના છટકી જવાનું જોખમે ય હતું. આ કારણસર ગોળીબારનો આદેશ આપવા અગાઉ મજબૂત સલામતી વ્યવસ્થા કરવી જરૂરી હતી, જેથી તેઓ છટકી ન શકે. આ બધું કરવાને બદલે એક વિવાદાસ્પદ મુદ્દાને લીધે સેંકડો માનવીઓને અવિચારી ગોળીબારમાં મારી નખાયા… એક તટસ્થ માણસને ફકત એક જ વિચાર આવે કે સંજોગોની ગંભીરતાની અવગણના કરાઇ હતી, અથવા લશ્કરી પગલાંનો આશય (તેજાવતને) કેદ કરવાનો નહીં પણ લોહી વહેવડાવવાનો હતો. સરકારી સંદેશમાં કહેવાયું કે ગોળીબાર સૈનિકોના સ્વ-બચાવમાં કરાયો હતો કારણ કે મોતીલાલની બાજુથી હુમલા થવાની ભીતિ હતી, પરંતુ મારી જાણ મુજબ ભીલો તરફથી ભાગ્યે જ શસ્ત્રોનો ઉપયોગ કરાયો હતો. સરકારી સંદેશામાંથી સરકારને પક્ષે એકેય મોત થયાનો ઉલ્લેખ નથી પણ ૨૨ ભીલોના મૃત્યુની જાહેરાત છે.
અહીં અંગ્રેજો પોતાના જૂઠાણામાં બરાબરના ભેરવાઇ જાય છે, પરંતુ એમની પાસે સત્તા હતી. દમનકારી સત્તા હતી. રાજસ્થાન સેવા સંઘની લેખિત ફરિયાદ કે ટીકાથી શરમ અનુભવવાને બદલે બ્રિટિશરોએ તો ભળતો જ પ્રતિભાવ આપ્યો. મેજર સટ્ટને બોદા બચાવમાં શું કહ્યું? ‘ગોળીબાર ટાળવા જે કંઇ શકય હતું તે બધું કરાયું હતું અને તેમની કાર્યક્ષમતાને લીધે (સરકારી પક્ષે) કોઇ જાનહાનિ નુકસાન ન થયા. અમલદારો અને તેમના માણસો કાર્યવાહીની સફળતા માટે માનના હકદાર છે.’
કેવી જાડી ચામડી અને ઘૃણાસ્પદ નિંભરતા? પોતે ગોળીબારનો આદેશ આપીને સારું કર્યું એવો દાવો ય કરાયો. રાજપૂતાનાના ગવર્નર જનરલ તરફથી બચાવ કરાયો કે મને અને મારા અફસરોને અફસોસ છે કે ગેરમાર્ગે દોરવાયેલા લોકો પર ગોળીબાર કરવાનું આવશ્યક બની
ગયું, પરંતુ અન્ય બધા ઉપાયો નિષ્ફળ નિવડયા ત્યારે આ સઘન પગલું ન ભર્યું
હોત તો ફળસ્વરૂપે વ્યાપક બળવો થાત, જે આના કરતા વધુ લોહી વહેવડનારો બન્યો હોત. અંગે્રજોના આદેશ પર કેવો ભયંકર ગોળીબાર કરાયો હશે એના અણસાર પુરાવા દાયકા પછી ય મળ્યા હતા. મોતીલાલ તેજાવતે દઢવાવમાં જયાં સભા યોજી હતી ત્યાં આંબાના ઝાડ હતા. હત્યાકાંડ બાદ આ આંબા ગામના સરપંચ ભીમજીભાઇ પટેલે સાચવ્યા હતા. વર્ષો બાદ આ આંબા કપાયા, ત્યારે તેના થડમાંથી બુલેટ નીકળી હતી. આવા બેફામ ગોળીબારમાં માત્ર ૨૨ ભીલ મરે એ કેવી રીતે માની શકાય? અને અંગ્રેજો દ્વારા કૂવામાં ફગાવી દીધેલી લાશો પણ વરસો બાદ બોલી હતી. આ જમીનના માલિક અશ્ર્વિનભાઇ કોદરભાઇના કહેવા મુજબ આ કૂવા બુરાઇ ગયા બાદ ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અંદરથી માનવ-અસ્થિઓ મળ્યા હતાં.
સત્યને ગમે તેટલું દબાવી દો, દફનાવી દો પણ સમયાંતરે એ કોઇને કોઇ પ્રકારે બહાર આવે છે અને છાપરે ચડીને પોકારે જ છે. જુલ્મી શાસક ભ્રમમાં જીવે છે અને મરે છે કે પોતાના કાળા કામ ક્યારેય બહાર નહીં આવે, પરંતુ એવું થતું નથી. (ક્રમશ:)