ઑસ્કર નોમિનેશન અને એવોર્ડ માટે વોટર્સ સામે થતું આયોજનબદ્ધ લોબિંગ
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
થોડા દિવસ અગાઉ ઑસ્કર-૨૦૨૩ (એકેડમી એવોર્ડ્સ)ના નોમિનેશન્સની યાદી જાહેર થઈ. આ વખતે ભારતની ચાર ફિલ્મ્સ ઓસ્કારના શોર્ટલિસ્ટમાં હતી, તેમાંથી ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ ‘ઓલ ધેટ બ્રિધ્સ’, ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ અને ઓરીજનલ સોન્ગ કેટેગરીમાં ‘આરઆરઆર’ના ‘નાટુ નાટુ’ ગીતને નોમિનેશન મળ્યાં.
વિશ્ર્વના આ સૌથી મોટા સિનેમા એવોર્ડ્સ વિશેની જાણકારી માટે સિનેફાઇલ્સ અતિશય ઉત્સુક હોય છે. ઑસ્કરના નોમિનેશન્સનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. નોમિનેશન્સ પહેલાં પણ ફિલ્મ્સની ગુણવત્તાને લઈને સ્વાભાવિકપણે જ સામૂહિક રીતે કેટલાક નામ સૌની પસંદ બની જતાં હોય છે. પણ તમને ખબર છે? દરેક ફિલ્મ માટેનો હાઈપ સંપૂર્ણપણે ઓર્ગેનિક નથી હોતો. મતલબ કે જે-તે ફિલ્મની લોકોમાં ચર્ચા થવા અને નોમિનેશન કે પછી એવોર્ડ મળવા પાછળ એક નેરેટીવ પણ ઊભું કરાતું હોય છે. એ પ્રક્રિયા એટલે ઑસ્કર લોબિંગ.
દર વર્ષે ઓસ્કાર શોર્ટલિસ્ટ, નોમિનેશન્સ અને એવોર્ડનો સમય આવે ત્યારે હોલીવૂડમાં કેમ્પેઈનનો મારો ચાલતો હોય છે. વર્ષના અંતથી લઈને નવા વર્ષની શરૂઆતનો સમયગાળો એટલે સ્પેશ્યલ ઑસ્કર કેમ્પેઈન માટેનો વખત. દાયકાઓથી મુખ્યત્ત્વે વોર, બાયોગ્રાફીઝ, પિરિયડ, સોશિયલ પ્રકારની જે ફિલ્મ્સ ઓસ્કારમાં નોમિનેશન અને એવોર્ડ્સ મેળવતી આવી છે તેવી ફિલ્મ્સના મેકર્સ તથા જેમને લાગે છે કે તેમની ફિલ્મનો વિષય પણ ઑસ્કરમાં આકર્ષણ પેદા કરી શકે તેમ છે તે સૌ આ પ્રક્રિયામાં જોડાઈ જાય છે. ઑસ્કર માટે જરૂરી દરેક મિડિયમ અને ફોર્મેટનો ઉપયોગ કરીને એ માટે માર્કેટિંગ થતું હોય છે.
સામાન્ય માર્કેટિંગ કેમ્પેઈન અને ઓસ્કાર કેમ્પેઈનમાં એક પાયાનો તફાવત રહેલો છે. આ કેમ્પેઈન દર્શકો માટે નહીં, પણ ઑસ્કર વોટિંગ મેમ્બર્સ માટે કરવામાં આવતું હોય છે. ચૂંટણીની જેમ જ અહીં પણ વોટર્સને આકર્ષવાના ખૂબ બધા પ્રયાસ માટે મિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચવામાં આવે છે. પોલિટિકલ કેમ્પેઈનની જેમ જ અહીં પણ ઑસ્કર માટે ક્ધસલ્ટન્ટ્સ રાખવામાં આવે છે. જે સ્ટ્રેટેજી બનાવી આપે અને આખું કેમ્પેઈન અમુક મહિનાઓ સુધી ચલાવી શકે. વોટર્સ સાથે આ લોબિંગ ક્રિટીક્સ અને એનાલિસ્ટ્સ સુધી પણ પહોંચતું હોય છે. તેમના શબ્દો પણ વોટર્સ પર પ્રભાવ પાડી શકે તેની ગણતરી કરવામાં આવે છે. જો કે એકેડમીના કેટલાક નિયમો પણ છે કે તમે વોટર્સને સીધા વોટ માટે ન કહી શકો. વોટર્સ સાથે એડ્સ, ઈવેન્ટ્સ કે મેઈલર્સ દ્વારા જે કંઈ પણ સંવાદ થાય તેમાં તમે શું કહી શકો ને શું ન કહી શકો તેની ગાઈડલાઈનનું પાલન પણ કેમ્પેઈનમાં કરવું પડતું હોય છે. નિયમોમાં રહીને પણ વોટર્સના મગજમાં પોતાની ફિલ્મ માટે અસર ઊભી કરવા માટે તેમના માટે સ્ક્રિનિંગ્સ, સવાલ-જવાબના સેશન્સ અને અલગ-અલગ પ્રકારની ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે. ઓસ્કર લોબિંગ માટે થતા આ કેમ્પેઈન પાછળ ઈરાદાઓ અને તૈયારી એવોર્ડ જીતવા માટેની જ હોય છે, પણ દેખાડો એવો કરવામાં આવતો હોય છે કે અમે તો જીતવા માટે નહીં પણ ફક્ત આર્ટિસ્ટિક ચર્ચા માટે આ કરી રહ્યા છીએ.
બેસ્ટ ફોરેન ફિલ્મની કેટેગરીની રેસમાંથી નીકળી ગયેલી પણ ઓરીજીનલ સોન્ગની કેટેગરીમાં નોમિનેશન પામેલી ‘આરઆરઆર’ના સમાચાર પણ તમારી સામે આવ્યા કરતા હશે. દિગ્દર્શક એસ. એસ. રાજામૌલી સ્ટીવન સ્પીલબર્ગથી માંડીને જેમ્સ કેમરોન સાથે જોવા મળે છે. હોલીવૂડના અનેક ઇન્ટરવ્યૂઝ અને ઇવેન્ટ્સમાં રાજામૌલી અને ‘આરઆરઆર’ના દર્શન થઈ જાય છે. અમુક રિપોર્ટ્સ અનુસાર ચાર મહિના માટે રાજામૌલી લોસ એન્જેલસમાં જ રોકાઈ ગયા છે અને માર્કેટિંગ ક્ધસલ્ટન્ટ્સ હાયર કરીને લોબિંગ માટે લગભગ ૬ મિલિયન ડોલર્સનો ખર્ચ ફિલ્મને ઑસ્કર અપાવવા માટે કરી રહ્યા છે. ઑસ્કર નોમિનેશન અને ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ’ એ જ સફળતાનાં પરિણામો છે. ઑસ્કર અને તેના માટેના કેમ્પેઈનની ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દર્શકો પર શું અસર પડે છે તેની વિશ્ર્વભરના મેકર્સને ખબર છે જ. એમ જ તો કંઈ વર્ષોથી કેમ્પેઈન પાછળ સૌ તનતોડ મહેનત નહીં કરતા હોય ને!
એવોર્ડ જીતવા માટેની સૌથી ફેવરિટ ફિલ્મ્સ માટે ‘ઓસ્કાર બેઈટ’ એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. મેકર્સ પોતાની ફિલ્મની આ માટે સૌથી વધુ દાવેદારી નોંધાવવા માટે તેની રિલીઝ વર્ષના અંતમાં રાખે છે અને જો એમ ન હોય તો પણ જાણે તરોતાજા ફિલ્મ હોય તેમ લોબિંગથી વર્ષના અંતે તેની ચર્ચા જોર પકડે તેવી કોશિશ કેમ્પેઈન દ્વારા ચાલુ થઈ જાય છે. ફિલ્મ્સનું ઑસ્કર લોબિંગ કંઈ આજકાલની વાત નથી. આનો ઈતિહાસ છેક ૧૯૩૦ની ફિલ્મ ‘કોકેટ’, ૧૯૩૩ની ‘કવીન ક્રિસ્ટિના’ જેવી ફિલ્મ્સ સુધી જાય છે.
રિલીઝ થયેલી ફિલ્મને એક ઊંચાઈ અપાવવા માટે ઓસ્કારની મહેચ્છા રાખીને તેના માટે લોબિંગ થાય છે, ફક્ત એવું નથી. ઘણા કિસ્સાઓમાં બનેલી ફિલ્મની રિલીઝ માટે પણ ઓસ્કારના નામનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે ઑસ્કરમાં ફિલ્મની અરજી મોકલવા માટે રિલીઝના નિયમને અનુસરીને લિમિટેડ થિયેટર્સમાં લિમિટેડ સમય માટે બોક્સ ઓફિસ કલેક્શનની ગણતરી વગર ફિલ્મ રિલીઝ કરવામાં આવે છે. એ પછી ભરપૂર લોબિંગ કરીને ઑસ્કરમાં અમુક
એવોર્ડ કે નોમિનેશન મળી જાય પછી તેની પ્રસિદ્ધિનો લાભ લઈને ફિલ્મની ખૂબ પબ્લિસિટી કરીને તેને વ્યવસ્થિત રીતે બધે જ રિલીઝ કરવામાં આવે છે. ૧૯૭૮માં આવેલી ફિલ્મ ‘ધ ડિયર હન્ટર’થી આ ટ્રેન્ડની શરૂઆત થઈ હતી. ભયંકર ખરાબ ટેસ્ટ સ્ક્રીનિંગ (સિલેક્ટેડ ઓડિયન્સ સામે રિલીઝ પહેલાં ફિલ્મ દર્શાવવી) પછી નિર્માતાઓ ડરી ગયા. એટલે એલન કાર નામના અન્ય એક નિર્માતાની મદદ લેવામાં આવી ફિલ્મનું નસીબ સુધારવા માટે. વિયેતનામ યુદ્ધ પર બનેલી ‘ધ ડિયર હન્ટર’ અતિ હતાશાજનક હતી, પણ લોકો તેને ખુશીથી જોવા જાય અને વખાણે એ માટે કારે એક યુક્તિ અજમાવી. ન્યૂ યોર્ક અને લોસ એન્જેલસના માત્ર એક-એક થિયેટરમાં માત્ર બે જ સપ્તાહ માટે તેણે ફિલ્મને પ્રદર્શિત કરી અને એ પણ ક્રિટીક્સ અને એકેડમી મેમ્બર્સ માટે. પછી જયારે ઓસ્કાર નોમિનેશન્સની જાહેરાત થઈ ત્યારે ‘ધ ડિયર હન્ટર’ને ભાગે ૯ નોમિનેશન્સ આવ્યા. આનો લાભ લઈને ફિલ્મને જોરદાર પ્રમોશન સાથે રિલીઝ કરવામાં આવી. ફિલ્મને લોકોએ તો વખાણી જ, સાથે બેસ્ટ પિક્ચર સહિતના ૫ એવોર્ડ પણ લઈ આવી. આજે આ રીતની હવે કોઈ જ નવાઈ રહી નથી.
ઑસ્કર લોબિંગ માટે લોકોમાં ઘણા અલગ વ્યૂ જોવા મળે છે. ઘણાંને લાગે છે કે આ પ્રવૃત્તિ ઑસ્કરનું મહત્ત્વ ઘટાડે છે, જ્યારે ઘણાંને લાગે છે કે કેમ્પેઈન ફિલ્મ સાથે જોડાયેલી એક નેચરલ પ્રોસેસ છે. એકેડમીના પણ વધુ પડતા કેમ્પેઈનિંગ પર નિયંત્રણ મૂકવાના પ્રયાસો ચાલુ જ રહે છે. સામે કેમ્પેઈન પણ એટલા જ જોરશોરથી ચાલતા જ રહે છે. એમાંથી અમુક નોંધવા જેવા સારા અને ખરાબ કિસ્સાઓ પણ દાયકાઓથી બનતા રહે છે. પણ એ કિસ્સાઓ, ઑસ્કરની વોટિંગ પ્રોસેસ અને લોબિંગ વિશે વધુ વાતો આવતા સપ્તાહે!
(ક્રમશ:)
———-
લાસ્ટ શોટ
ફિલ્મ સ્ટુડિયોઝ દ્વારા ઑસ્કર કેમ્પેઈનની એડ્સ સૌથી વધુ ‘વેરાયટી’ અને ‘ધ હોલીવુડ રિપોર્ટર’માં આપવામાં આવે છે!