પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ્સની ઓછી જાણીતી પણ મજેદાર વોટિંગ પ્રોસેસ
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
ઓસ્કર્સમાં ફિલ્મ્સના નોમિનેશન્સ અને એવોર્ડ્સ પાછળના લોબિંગની આપણે ગયા સપ્તાહે વાત કરી રહ્યા હતા. સ્ટુડિયોઝ વોટિંગ મેમ્બર્સને ઈમ્પ્રેસ કરવા ખાસ માર્કેટિંગ કરતા હોય છે. ઓસ્કર પર કાળી ટીલી સમાન આ લોબિંગના વધુ કિસ્સાઓ જોઈએ.
લોબિંગમાં હદ વટાવી દઈને અમુક પ્રોડ્યુસર્સ કુખ્યાત પણ થયા છે. હાર્વી વાઇનસ્ટીન એટલે એ યાદીમાં મૂકી શકાય એવું ટોચનું નામ. તેણે લોબિંગને પોતાનો ધંધો જ બનાવી દીધેલો. ૨૦૧૭માં હોલીવૂડમાં મી ટુ મુવમેન્ટ પણ આ હાર્વી પર સેક્સ્યુઅલ આરોપો લાગવાથી જ શરૂ થયેલી. હાર્વીને ૯૦ના દાયકામાં પોતાની નાની ઈન્ડી ફિલ્મ્સને ઓસ્કર જીતાડવાનો ખૂબ મોટો ચસ્કો લાગ્યો હતો. તેણે પોતાની ફિલ્મ્સને જીતાડવા અવનવા હથકંડાઓનો પ્રયોગ કર્યો છે. મનાઈ હોવા છતાં કંઈ કેટલાય કોલ્સ કરીને તે વોટર્સ માટે જાહોજલાલીવાળા વેકેશન સ્પોર્ટસ પર સ્ક્રીનિંગ્સ ગોઠવતો, અને એડ્સનો તો મહિનાઓ સુધી રીતસર મારો જ ચલાવતો. વોટર્સ અને દર્શકોના મગજમાં સતત તેની જ ફિલ્મ રહેવી જોઈએ, બસ.
૧૯૯૨ની ‘ધ ક્રાયિંગ ગેમ’ અને ૧૯૯૫ની ‘ઇલ પોસ્ટીનો’ માટે હાર્વી માર્કેટિંગની તરકીબોના જોરે જ બેસ્ટ પિક્ચર નોમિનેશન લઈ આવેલો. તેના માટે એ સમયે એવું કહેવાતું કે તે ગમે તેવી અને ગમે તેટલી નાની ફિલ્મને પણ ઓસ્કરની રેસમાં ઊભી કરી શકે ને તેને નોમિનેશન્સ કે એવોર્ડ્સ અપાવી શકે. અને એ માટે તે ગમે તેવી ગેરમાન્ય અને અનૈતિક રીતોનો સહારો પણ લેતો. પોતાની ફિલ્મ ‘શેક્સપિયર ઇન લવ’ સમયે તેણે પ્રતિસ્પર્ધી ફિલ્મ ‘સેવિંગ પ્રાઇવેટ રાયન’ ફિલ્મની ખૂલીને બુરાઈ કરી હતી. હાર્વીએ કહ્યું કે એ ફિલ્મ ખાલી શરૂઆતની અમુક મિનિટ્સમાં જ સારી છે જ્યારે પોતાની ફિલ્મ તેની સરખામણીએ એક લેવીશ રોમેન્ટિક ફિલ્મ છે. બંને ફિલ્મની લડાઈમાં આખરે ’શેક્સપિયર ઇન લવ’ બેસ્ટ પિક્ચરનો એવોર્ડ તાણી ગઈ હતી. જો કે એકેડમીએ આ વિશે આજ સુધી જવાબો આપવા પડે છે. એ જ રીતે ૨૦૦૨ની ‘ગેંગ્સ ઓફ ન્યુયોર્ક’ અને ‘શિકાગો’ના લોબિંગ વખતે હરીફ ફિલ્મ ‘ધ પિયાનીસ્ટ’ના દિગ્દર્શક રોમન પોલન્સકીના ભૂતકાળના પોલીસ અરેસ્ટ વિશેની ઘટનાને યાદ કરાવી અને ખૂબ ચર્ચામાં રાખી. આજની જેમ સારી કે ખરાબ કોઈ પણ ઘટના હોય, જે-તે વ્યક્તિ કે ચીજને એનાથી પબ્લિસિટી તો મળે જ છે. એ જ આઈડિયા સાથે હાર્વી પોતાની ફિલ્મ્સનું માર્કેટિંગ કરતો અને તે જ ઓસ્કર માટેની સ્પર્ધાને આ લેવલ પર લઈ આવેલો. અને આજે પણ સ્ટુડિયોઝ એ જ અગ્રેસીવ ટેમ્પ્લેટનો ઉપયોગ કરે છે.
ઓસ્કર્સના માર્કેટિંગમાં આજના સમયે બીજા એવોર્ડ્સ અને અનેક ઇવેન્ટ્સ પણ ફાયદાકારક બને છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ, પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ, ગોલ્ડન લાયન એવોર્ડ્સ જીતેલી ફિલ્મ્સના ચાન્સ ઓસ્કરમાં પણ ઘણા વધી જાય છે. એક્ટર્સ પોતે પણ ઇવેન્ટ્સ, સ્ક્રીનિંગ્સ, રેડ કાર્પેટ ફેશન વગેરેથી સમાચારોમાં રહીને ફિલ્મના માર્કેટિંગમાં મદદ કરતા હોય છે. એડી રેડમેયન ૨૦૧૫માં ‘ધ થિયરી ઓફ એવરીથિંગ’ માટે અને લિયોનાર્દો ડી કેપ્રિયો ૨૦૧૬માં ‘ધ રેવનન્ટ’ માટે ખૂબ પ્રમોશનમાં વ્યસ્ત રહ્યા હતા અને તેઓ બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યા પણ હતા.
ફિલ્મ માટે ઓસ્કર બેઇટ નેરેટિવ ઊભું કરવા માટે ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરવામાં આવતું હોય છે. ફિલ્મના કોન્ટેન્ટના આધાર પર અમુક મુદ્દાઓ નક્કી કરવામાં આવતા હોય છે કે જેનો ઉપયોગ કરીને તેની આસપાસ માર્કેટિંગ તૈયાર કરીને ફિલ્મને એટલા મહિનાઓ સુધી વેચી શકાય. પોતાની ફિલ્મ કયા સામાજિક વિષયની વાત કરે છે કે પછી એક્ટર્સ કે ડિરેક્ટરે કયા લેવલ સુધી જઈને મહેનત કરી તેવી દરેક પ્લેટફોર્મ પર વાત કરવામાં આવે છે. વોટર્સ સુધી સતત એ મેસેજ પહોંચાડવામાં આવે છે કે તેમની ફિલ્મ જ ગયા વર્ષની ઉત્કૃષ્ટ કલાત્મક ફિલ્મ છે.
જેઓ પૈસા ખર્ચીને કેમ્પેઈન થકી પોતાની ફિલ્મનું નેરેટિવ ઊભું નથી કરી શકતા કે ચર્ચામાં નથી રહી શકતા તેમની ફિલ્મ્સને ચોક્કસ જ બહેતર સિનેમેટિક કોન્ટેન્ટ છતાં યોગ્ય સ્પર્ધાનો મોકો નથી મળતો. પણ જે કેમ્પેઈન પાછળ મિલિયન્સ ઓફ ડોલર્સ ખર્ચાતા હોય છે એ કેમ્પેઈનના કેન્દ્રમાં રહેલા વોટિંગ મેમ્બર્સ એટલે કોણ? અને ઓસ્કરની વોટિંગ પ્રોસેસ કેવી હોય છે?
ઓસ્કર ૧૭ કેટેગરીમાં આપવામાં આવે છે. અને દરેક કેટેગરી માટે અલગ બ્રાન્ચ બનાવવામાં આવે છે. જે તે કેટેગરી એ બ્રાન્ચમાં એ જ વિભાગના મેમ્બર્સ. મતલબ કે સિનેમેટોગ્રાફી કેટેગરીમાં સિનેમેટોગ્રાફર્સ, એડિટિંગ કેટેગરીમાં એડિટર્સ એ રીતે. મોટાભાગની કેટેગરીમાં એ જ બ્રાન્ચના જ મેમ્બર્સ વોટ આપે. એક્ટર્સ, એક્ટર્સને આપે, ડિરેક્ટર ડિરેક્ટરને આપે. ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ અને એનિમેટેડ ફીચર ફિલ્મ કેટેગરીમાં નિયમો થોડા અલગ છે. અને બેસ્ટ પિક્ચર કેટેગરીમાં દરેક બ્રાન્ચના મેમ્બર્સ વોટ આપી શકે. આ વોટિંગ ઓનલાઇન બેલટ દ્વારા થતું હોય છે. વોટિંગ મેમ્બર્સની સંખ્યામાં પણ છેલ્લા અમુક વર્ષોમાં ઘણો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ સ્ત્રી-પુરુષ અને રંગની ડાયવર્સિટી ન જાળવી શકવાનો વિવાદ.
વોટિંગ મેમ્બર બનવા માટે ફીચર ફિલ્મની ક્રેડિટ ધરાવતા કોઈ પણ અરજી કરી શકે છે. મેમ્બર્સની સંખ્યા નક્કી થાય એ પછી શરૂ થાય નોમિનેશનની પ્રક્રિયા. પ્રાઇસવોટરહાઉસકૂપર્સ નામની ઓડિટિંગ એજન્સી એ માટે કામે લાગે છે. તેની જટિલ ગણતરીથી દરેક કેટેગરીમાં ૫ નોમિનેશન પસંદ કરવામાં આવે છે. ફક્ત બેસ્ટ પિક્ચર કેટેગરીમાં ૧૦ ફિલ્મ્સને મોકો આપી વધુ અને સાથે જ ચોખ્ખી સ્પર્ધાનો મોકો આપવામાં આવે છે. નોમિનેશન્સ પૂરા થાય એટલે તેમાંથી સૌથી વધુ વોટ્સ જે એન્ટ્રીને એ વિજેતા એ સાદી પદ્ધતિ અપનાવી પસંદગી કરવામાં આવે છે. ફક્ત એક ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ્સની કેટેગરીમાં સાથે એ નિયમ રાખવામાં આવે છે કે દરેક મેમ્બરે બધી જ ફિલ્મ જોવી જરૂરી છે.
બેસ્ટ પિક્ચર કેટેગરીના વિજેતા પસંદગીની પ્રકિયા થોડી ગૂંચવાડાવાળી છે. અખઙઅજ (એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ) પોપ્યુલર બેલેટના બદલે અહીં પ્રિફરેન્શિયલ બેલેટ વાપરે છે. આની જરૂર એટલા માટે કેમ કે જો કોઈ એક નોમિનીને માત્ર ૧૦-૨૦% વોટ્સ મળ્યા હોય ને બાકીનાને એથીય ઓછા, તો ૧૦-૨૦ વોટવાળી ફિલ્મ વિજેતા
બને એ યોગ્ય ન કહેવાય. એટલે પ્રિફરેન્શિયલ બેલેટમાં પ્રાઇસવોટરહાઉસકૂપર્સ દરેક મેમ્બર્સને એક નહીં પણ દસે ફિલ્મને વોટ આપવાનું કહે છે પણ પસંદના ક્રમમાં. એમાંથી જો કોઈ ફિલ્મને પ્રથમ ક્રમ માટે ૫૦%થી વધુ વોટ મળે તો એ જીતી જાય, પણ જો એમ ન બને તો દરેક ક્રમની ફિલ્મ્સ પર નજર કરવાની રહે. માનો કે કોઈ ફિલ્મને પ્રથમ ક્રમ માટે ૩૦% વોટ મળ્યા હોય, પણ બીજી ફિલ્મને પ્રથમ ક્રમ માટે ૨૦% હોય ને બીજા ક્રમ માટે ૪૦% હોય તો પણ તેનો જીતવાનો ચાન્સ વધે. એ માટે એજન્સી સૌથી ઓછા પ્રથમ ક્રમ ધરાવતી ફિલ્મને એલિમિનેટ કરી નાખે અને એ વોટ્સને વોટર્સની બીજા ક્રમની ફિલ્મમાં ઉમેરી દે. અને એમ ગણતરી ચાલતી રહે જ્યાં સુધી કોઈ ફિલ્મ ૫૦% વોટ્સ ન મેળવી લે.
તો આમ હોય છે ઓસ્કર જીતવા પાછળની સ્ટુડિયોઝની માયાજાળ અને એવોર્ડ આપવા પાછળની ઓછી જાણીતી વોટિંગ પ્રોસેસ!
લાસ્ટ શોટ
‘અમારી પાસે મની મશીન નથી, અમે માત્ર ફિલ્મની તાકાત પર આધાર રાખીએ છીએ.’ – પાન નલિન (‘છેલ્લો શો’ ફિલ્મના દિગ્દર્શક.)