આદિત્ય ચોપરાની માતા પામેલા ચોપરાનું 85 વર્ષની વયે નિધન થયું છે. પતિ યશ ચોપરાના મૃત્યુના લગભગ 11 વર્ષ બાદ પામેલાએ દુનિયાને અલવિદા કહી દીધું છે, જેને કારણે ચોપરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર બોલિવૂડ સાથએ સંકળાયેલા ઘણા લોકો તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું 20 એપ્રિલે મુંબઇમાં નિધન થયું હતું. પામેલા YRF ચીફ આદિત્ય ચોપરા અને અભિનેતા ઉદય ચોપરાની માતા હતા. એમ જણાવવામાં આવી રહ્યું છે કે તેમને ન્યુમોનિયા થયો હતો, જેના કારણે તેમને છેલ્લા 15 દિવસથી બાન્દ્રાની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પામેલા ચોપરા યશ રાઝ ફિલ્મ્સ સાથે પણ જોડાયેલા હતા. તેમણે તેમના પતિ યશ ચોપરાની ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમના પ્રોડક્શન હાઉસની ઘણી ફિલ્મોમાં પામેલાએ લેખક, કોશ્ચ્યુમ ડિઝાઇનર અને ગાયક તરીકે કામ કર્યું હતું.
તેમના જાણીતા ગીતોમાં ‘ચાંદની’ ફિલ્મનું ‘મેં સસુરાલ નહીં જાઉંગી’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું ‘ઘર આજા પરદેસી’ હતા. યશ ચોપરાની ફિલ્મ કભી કભીની વાર્તા પણ પામેલાએ જ લખી હતી. આ સિવાય તેમણે 1981માં આવેલી ફિલ્મ સિલસિલામાં ડિઝાઇનર તરીકે પણ કામ કર્યું હતું. યશ ચોપરાએ તેમના ઘણા ઇન્ટરવ્યુમાં તેમની પત્ની પામેલાના યોગદાનની વાત કહી હતી. તેઓ પામેલાને યશરાજ ફિલ્મ્સના પાયા તરીકે વર્ણવતા હતા.
85 વર્ષીય પામેલા ચોપરા છેલ્લે યશ રાજની ડોક્યુમેન્ટ્રી સીરિઝ ‘ધ રોમેન્ટિક્સ’માં જોવા મળ્યા હતા. જેમાં, તેમણે તેમના પતિ યશ ચોપરાની સફર અને યશ રાજ ફિલ્મ્સ (YRF) વિશે વાત કરી હતી. પામેલા ચોપરાના મૃત્યુની માહિતી યશ રાજ ફિલ્મ્સના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરવામાં આવી છે.