Homeલાડકીયહાં બદલા વફા કા, બેવફાઈ કે સિવા ક્યા હૈ

યહાં બદલા વફા કા, બેવફાઈ કે સિવા ક્યા હૈ

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૩)
નામ: આલ્લાહ રખ્ખી-અલ્લાહ વસાઈ (નૂરજહાં)
સ્થળ: કરાચી, પાકિસ્તાન
સમય: ૨૧ ડિસેમ્બર, ૨૦૦૦
ઉંમર: ૭૪ વર્ષ
શૌકત હુસૈન રિઝવી સાથેના લગ્ન પછી અમારી જોડી સફળ હતી. એમના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મોએ મને લોકપ્રિયતા આપી અને રિઝવીને સફળતા! આ એ સમય હતો જ્યારે મુંબઈની ફિલ્મ નગરીમાં પૃથ્વીરાજ કપૂરની ફિલ્મો રાજ નર્તકી, સિકંદર, એક રાત, ઈશારા, મહારથી કર્ણ સફળ થઈ રહી હતી. અશોકકુમાર, મોતીલાલ, બલરાજ સહાની જેવા અભિનેતાઓ અને શોભના સમર્થ, સાધના બોઝ, નલિની જયવંત, મુમતાઝ શાંતિની બોલબાલા હતી. ૧૯૪૩માં અભિનેત્રી જદ્દનબાઈની દીકરી નરગીસની ‘તકદીર’ રજૂ થઈ. એક જમાનામાં સિનેમામાં કામ કરવું એ બહુ સારી વાત ગણાતી નહીં, પરંતુ દેવિકા રાણી અને હિમાંશુ રોયની બોમ્બે ટોકિઝે આ વિચારોને તોડીને એક નવી પરંપરા કાયમ કરી હતી. હિમાંશુ રોયની પત્ની દેવિકા રાણી એની કંપની બોમ્બે ટોકિઝની મુખ્ય અભિનેત્રી હતી… એટલે, ૧૯૩૫ પછી નવી નવી છોકરીઓ સિનેમા તરફ આગળ વધી રહી હતી. આવા સમયમાં હરીફાઈ વધી. નવા છોકરાઓ નવા વિચારો સાથે દિગ્દર્શક બનવા માટે મુંબઈ આવી રહ્યા હતા. એક તરફ સામાજિક વાર્તાઓ અને પ્રેમકથાઓ હતી તો બીજી તરફ, ફિયરલેસ નાદિયા અને જોન કાવસની ફાઈટ ફિલ્મોનો જમાનો હતો. હરીફાઈ વધી રહી હતી, શૌકતને ફિલ્મો મળવાની તકલીફ પડવા લાગી.
શૌકતને પૈસાની બહુ ઘેલછા હતી. હું પ્રમાણમાં નાની હતી, મને બહુ સમજાતું નહોતું, પરંતુ શૌકત જેમ કહેતા એમ હું કરતી. અમે વી.એમ. વ્યાસની ફિલ્મ શૂટ કરી રહ્યા હતા. એ વખતે શૌકતના કહેવાથી છેલ્લા ત્રણ દિવસનું શૂટિંગ અમે રખડાવી દીધું. વી.એમ. વ્યાસ પાસેથી નક્કી કરેલી રકમ કરતાં વધારે પૈસા પડાવવાનો શૌકતનો પ્લાન હતો. ફિલ્મ લંબાઈ ગઈ. ખર્ચ વધી ગયો અને નક્કી કરેલા મહેનતાણા કરતાં ઘણા વધુ પૈસા શૌકતે વી.એમ. વ્યાસ પાસે પડાવ્યા.
એ વખતે તો વી.એમ. વ્યાસે પથ્થર નીચે હાથ છે એમ માનીને અમે જેમ કીધું એમ કર્યું, પરંતુ બીજા જ અઠવાડિયે એમણે મુંબઈના મશહૂર વકીલ છેલશંકર પાસે અમારી ઉપર કેસ કરાવ્યો. અમે શૂટિંગની પ્રોપર્ટી ઉઠાવી ગયા છીએ એવો આરોપ અમારી ઉપર મૂકીને બ્રિટિશ સરકારની પોલીસના ૧૧ માણસ અમારે ત્યાં ધસી આવ્યા. અમારા ઘરને ઝડતી લેવામાં આવી. સોફા, પલંગ, ટેબલ, ખુરશી, કબાટ, ટિપાઈ બધું જ ‘સનરાઈઝ’ (વી.એમ. વ્યાસની કંપની)નું છે એમ કહીને ઉઠાવી ગયા. અમને બન્નેને પગે ચાલીને પોલીસ સ્ટેશન લઈ ગયા. સળિયાવાળી લોક-અપમાં એક રાત વિતાવી. મેં હાથ જોડીને વ્યાસ સાહેબની માફી માગી ત્યારે એમણે જ કોઈકને ફોન કરીને અમારા જામીન માટે મદદ કરી. અમારા ઘરમાંથી જે કંઈ લઈ ગયા એ બધી જ વસ્તુઓ ઉપર સનરાઈઝ પિક્ચર્સના સિક્કા મારીને જપ્ત કરવામાં આવી.
ત્યાંથી છૂટવા માટે શૌકતે ફરી એકવાર મારો ઉપયોગ કર્યો. વકીલના ક્લાર્ક ઉપર મને આંખ મારવાનો, બીભત્સ ઈશારા કરવાનો આરોપ મૂકવાનું કહ્યું. હું એટલી નાની હતી કે મને આ બધા દાવપેચ સમજાતા નહોતા. બહુ ભણી નહોતી એટલે દુનિયાદારીની સમજ પણ નહોતી. છેલશંકર વ્યાસના ક્લાર્ક રસિકલાલ સામે મેં જઈને કહ્યું, ‘આંખ મારતા હૈ? બદતમીઝ…’ મારું વાક્ય પૂરું થાય એ પહેલાં રસિકલાલ નામના એ માણસે મને એક થપ્પડ મારી દીધી. આટલા બધા લોકોની વચ્ચે થપ્પડ પડ્યા પછી શૌકત હુસૈને મારો હાથ પકડીને કહ્યું, ‘ક્યા કરતી હો?’ નવાઈની વાત તો એ છે કે, એણે જ મને આવું કરવાનું કહ્યું હતું!
આટલું બધું થયા પછી મુંબઈમાં કોઈ જાણીતી કંપની અમારી સાથે કામ કરવા તૈયાર નહોતી. વી.એમ. વ્યાસનો દબદબો એવો હતો કે, એમની સાથે બગાડવાનું સાહસ કોઈ કરે એમ નહોતું. પ્લેબેક સિંગિંગનો સમય શરૂ થઈ ગયો હતો એટલે ગાયક હોય એવા જ કલાકાર સિનેમા માટે જરૂરી નહોતા રહ્યા. અંતે, ૧૯૪૬માં અમે શૌકત આર્ટ પ્રોડક્શન નામની કંપની શરૂ કરી અને મુંબઈમાં અમારી પોતાની ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. ૨૪ વર્ષનો એક નવો છોકરો યુસુફ ખાન મારા પતિને હીરો તરીકે ખૂબ ગમ્યો. અમે ‘જુગનુ’ નામની ફિલ્મ બનાવી. ફિલ્મ સુપરહિટ થઈ અને એનું ગીત ‘યહાં બદલા વફા કા, બેવફાઈ કે સિવા ક્યા હૈ’ ખૂબ સફળ થયું.
એ જ સમયમાં મધુબાલા નામની એક અત્યંત સુંદર અભિનેત્રી પણ ‘બસંત’ નામની ફિલ્મથી હિન્દી સિનેમાના પડદે રજૂ થઈ. ૧૯૪૭માં એની ફિલ્મ ‘નીલકમલ’ પણ ખૂબ સફળ થઈ. આ એવો સમય હતો જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડશે એવા ભણકારા વાગવા લાગ્યા હતા. આઝાદી નિકટમાં હતી, પરંતુ એ આઝાદી ખૂબ મોંઘી પડવાની છે એવી આવામને ખબર નહોતી. હિન્દી સિનેમાનો બિઝનેસ લાહોર અને મુંબઈ વચ્ચે વહેંચાયેલો હતો, પરંતુ લાહોર પાકિસ્તાનમાં જશે એવું સમજીને કેટલાક લોકોએ સમયસર પોતાનો ધંધો આટોપી મુંબઈ તરફ આવવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. જેવી રીતે લાહોરના પ્રતિષ્ઠિત કલાકારો મુંબઈ આવવા લાગ્યા, એવી જ રીતે મુંબઈથી અનેક કલાકારોએ પાકિસ્તાન તરફ દ્રષ્ટિ માંડી. સઆદતહસન મન્ટો, અમારો સારો મિત્ર હતો. એણે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. દલસુખ પંચોલી પણ પોતાનો લાહોરનો ધિકતો ધંધો અને એમનો સ્ટુડિયો મૂકીને મુંબઈ આવી ગયા. અમે, મેં અને શૌકત હુસૈને નક્કી કર્યું કે, અમારે મુંબઈ છોડીને પાકિસ્તાન જવું છે ત્યારે યુસુફે અને બીજા અનેક મિત્રોએ મને ખૂબ સમજાવી, પરંતુ એ વખતે મન્ટોએ પાકિસ્તાન જવાનું નક્કી કર્યું, એની સાથે અમે પણ મુંબઈ છોડીને પાકિસ્તાન આવી ગયા. શૌકત આર્ટ પ્રોડક્શનને મુંબઈ જ મૂકીને અમે લાહોરમાં સ્થાયી થઈ ગયા. દલસુખ પંચોલી શેઠનો અપર માલ રોડ પરનો આલિશાન સ્ટુડિયો એક કલાકાર તરીકે અમને આપી દેવામાં આવ્યો.
અમે એવું માનતા હતા કે, અમે મુંબઈ છોડીને પાકિસ્તાન આવવાનો નિર્ણય કર્યો એ વાતને પાકિસ્તાન સરકાર ખૂબ સન્માન સાથે સમજવાનો પ્રયત્ન કરશે, પરંતુ એવું થયું નહીં. પાકિસ્તાનમાં મારી કારકિર્દી અને લગ્નજીવન બન્ને કોઈ મજધારમાં અટવાતી નૈયાની જેમ ઠોકર ખાતી રહી. પાકિસ્તાન પહોંચ્યા પછી ચાર વર્ષ અમને કોઈ કામ મળ્યું નહીં. અમે બે બાળકોનાં માતા-પિતા બન્યા. ચાર વર્ષ સુધી સ્ટુડિયો અમારી પાસે રહ્યો તેમ છતાં અમે ફિલ્મ બનાવી નહીં, અને ખર્ચા એટલા બધા વધી ગયા કે અંતે અમારે પંચોલીનો સ્ટુડિયો પંચોલી આર્ટ પિક્ચર મલ્લિકા પુખરાજ અને મેનેજર દીવાન સરદારીલાલની ભાગીદારીમાં ગિરવે મૂકવો પડ્યો. અમે લાહોરથી કરાચી શિફ્ટ થવાનું નક્કી કર્યું. એ સમયમાં કરાચી રાજકીય ખટપટોથી ધમધમતું શહેર હતું. એ સમયે કરાચી પાકિસ્તાનની રાજધાની હતી.
પાકિસ્તાન પાછા ગયા પછી અમારી જોડીએ ત્રણ જ ફિલ્મો બનાવી. ‘આશિક’, ‘દુલ્હન રાની’ અને ‘જાને બહાર’, પરંતુ ત્રણમાંથી એક પણ ફિલ્મ ચાલી નહીં. એક પંજાબી ફિલ્મ ‘ચન્વે’ પણ બનાવી, પરંતુ ફિલ્મ ચાલી નહીં. નવાઈની વાત એ છે કે, ફિલ્મનાં ગીતો ખૂબ સફળ થયા, પરંતુ ફિલ્મો તદ્દન નિષ્ફળ થઈ. અમે જ્યારે પાકિસ્તાન આવવાના હતા ત્યારે કવિ જોશ મલિહાબાદી પણ પાકિસ્તાન આવવાનો નિર્ણય કરી ચૂક્યા હતા. પંડિત જવાહરલાલ નેહરુએ એમને ખૂબ સમજાવ્યા, પરંતુ જોશ ન માન્યા. થોડાક જ મહિનામાં એમને એટલી ઘૂટન મહેસૂસ થઈ. એમણે એમના એક લેખમાં લખ્યું હતું કે, ભારત છોડવું એ એમની મોટામાં મોટી ભૂલ હતી. એવી જ રીતે બડે ગુલામઅલી ખાં સાહેબ પણ પાકિસ્તાન ચાલી ગયા હતા, પરંતુ એક દિવસ સરસ્વતીનું ભજન રજૂ કરતા હતા ત્યારે એક સામાન્ય હવાલદારે એમને અટકાવીને કહ્યું, ‘તારું હિન્દુપણું અહીંયા નહીં ચાલે’. બડે ગુલામઅલી ખાં સાહેબે એને તો કંઈ જવાબ ના આપ્યો, પરંતુ પાકિસ્તાન છોડીને પાછા ભારત આવ્યા. આ વાતની જાણ થઈ ત્યારે પંડિત જવાહરલાલ નેહરુ સ્વયં એમને લેવા વિમાન મથકે ગયા હતા…
મારી સ્થિતિ પણ કંઈ જુદી નહોતી. પાકિસ્તાન આવ્યા પછી મને સમજાયું હતું કે, મારાથી ભૂલ થઈ ગઈ હતી. શૌકત હુસૈનની વાતમાં આવીને મેં મુંબઈ છોડ્યું, એની સાથે મારી કારકિર્દી પણ ગૂંચવાઈ ગઈ હતી. સંતાનોને ઉછેરવામાં હું વ્યસ્ત થઈ ગઈ. નિષ્ફળતાએ શૌકત સાહેબને શરાબ તરફ ધકેલ્યા. એમનો અહંકાર એમને એવું સ્વીકારવા દેતો નહોતો કે, એમની ફિલ્મો નિષ્ફળ થઈ છે… એ મારા પર હાથ ઉપાડતા, એમની નિષ્ફળતા માટે મને જવાબદાર ઠેરવતા. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -