ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસ(NPC)ની વાર્ષિક બેઠકમાં શી જિનપિંગને ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી તેમની શક્તિમાં વધુ વધારો થશે. શુક્રવારે (10 માર્ચ) તેમને રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી ટર્મ આપવામાં આવી છે. બેઠકમાં જિનપિંગે ચીનની સરકાર અને અર્થવ્યવસ્થા પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે.
ગત રવિવાર 5 માર્ચથી ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસની વાર્ષિક બેઠકની શરૂઆત થઇ હતી. જેમાં 69 વર્ષીય શી જિનપિંગને કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. શૂન્ય-કોવિડ પોલિસીને લઈને પણ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. જોકે પડકારો છતાં તેમણે કોંગ્રેસનું સમર્થન મેળવ્યું હતું. કોંગ્રેસે ચીનના વિજ્ઞાન મંત્રાલય અને તકનીકી ક્ષમતાઓના વ્યાપક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
મીડિયા અહેવાલો અનુસાર આ બેઠકમાં શી જિનપિંગનો કાર્યકાળ ત્રીજી વખત વધારવામાં આવ્યો છે. જેના કારણે ચીનમાં તેમની શક્તિ વધુ મજબૂત થશે. તેમનો ત્રીજો કાર્યકાળ એવા સમયે શરૂ થાય છે જ્યારે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન ધીમી ગતિએ વધી રહી છે. જો કે, આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે ચીન વર્ષ 2023માં તેના સંરક્ષણ પર 18 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. જે ભારતના સંરક્ષણ બજેટ કરતાં લગભગ 3 ગણું વધારે છે. તે જ સમયે, 2023 માટે ચીનની આર્થિક વૃદ્ધિનો લક્ષ્યાંક 5 ટકા રાખવામાં આવ્યો છે.