મુંબઈઃ ચલણી નોટ પર હિસાબ કે પછી મોબાઈલ નંબર લખવાની તમને પણ આદત હોય તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. નોટ પર કંઈ પણ લખેલું હોય કે પછી તે મોબાઈલ નંબર હોય કે યાદ રાખવા માટેનો હિસાબ આવી લખેલી ચલણી નોટો ચલણમાંથી બાદ કરવામાં આવશે, એવા સમાચાર છેલ્લાં કેટલાક સમયથી વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, પણ હકીકત શું છે આવો જાણીએ-
ભારતીય નોટ પર હિસાબ લખે છે કે પછી હિસાબ યાદ રાખવા માટે પણ આ નોટની મદદ લેવામાં આવે છે. નોટનું બંડલ ગણી લીધા બાદ તે કેટલી રકમ છે તેની નોંધ આ ચલણી નોટ પર જ કરવામાં આવે છે. આ જ સંદર્ભે વોટ્સએપ પર એક મેસેજ ફરી રહ્યો હતો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આવી 2000, 500, 200,100 કે 50ની નોટ પર કંઈ પણ લખેલું જોવા મળશે તો તેને ચલણમાંથી બાદ કરવામાં આવશે. પણ સરકારે હવે નાગરિકોમાં ફેલાઈ રહેલી ગેરસમજને દૂર કરવાનો નિર્ણય લીધો છે.
રિર્ઝવ બેંક ઓફ ઈન્ડિયાએ આ બાબતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે આ રીતે નોટ પર લખવાથી તે અવૈદ્ય નથી થઈ જતી, કે ન તો તેને ચલણમાંથી બાદ કરવામાં આવશે. પણ આ રીતે નોટ પર લખવું એ અયોગ્ય છે. આને કારણે નોટ તો ખરાબ દેખાય જ છે, પણ તેની સાથે સાથે નોટની લાઈફ પણ ઘટી જાય છે. નોટ પર ન લખવું એ સારા અને જવાબદાર નાગરિકનું કર્તવ્ય છે, એવી સ્પષ્ટતા સરકારે કરી છે.