તસવીરો થઈ વાયરલ
IPLમાં રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે મેચ રમી રહી હતી. આ મેચમાં જ્યારે રિદ્ધિમાન સાહા વિકેટકીપિંગ માટે ઉતર્યો ત્યારે તેણે બધાને ચોંકાવી દીધા હતા. ગુજરાત ટાઇટન્સના વિકેટ-કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા જ્યારે વિકેટકીપિંગ માટે ઊલટું ટ્રાઉઝર પહેરીને મેદાન પર ઉતર્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
આ મેચમાં 81 રનની ધમાકેદાર ઇનિંગ રમનાર સાહા રમતના બીજા હાફમાં વિકેટકીપિંગ માટે તૈયાર નહોતો. અનુભવી ભારતીય વિકેટકીપર-બેટર સાહાને તેની બેટિંગ ઇનિંગ્સ દરમિયાન ઈજા થઈ હોવાથી ગુજરાતે તેના બીજા વિકેટકીપર ખેલાડી કેએસ ભરતને કીપિંગ માટે તૈયાર કર્યો હતો, પરંતુ અમ્પાયરે ભરતને મેદાનમાં ઉતારવાની મંજૂરી આપી ન હતી, કારણ કે ગુજરાતની ટીમે શુભમન ગિલના સ્થાને અલઝારી જોસેફને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો.
Wriddhiman Saha came on the ground wearing the pants the other way around. pic.twitter.com/UHGDOQCUJf
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 7, 2023
અમ્પાયરે ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને સમજાવ્યું કે તે એક જ સમયે બે ખેલાડીઓને બદલી શકે નહીં. ક્યાં તો રિદ્ધિમાન સાહાને વિકેટકીપર તરીકે અથવા સાહાને બદલે કેએસ ભરતને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમાડે. પરંતુ ગુજરાતની યોજના શુભમન ગિલના સ્થાને અલઝારી જોસેફનો ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરવાની હતી. તેથી સાહાને સંદેશ આપવામાં આવ્યો હતો કે તે ઝડપથી મેદાન પર આવીને કીપિંગ કરે. સાહાએ ઉતાવળમાં ડ્રેસ પહેર્યો અને મેદાનમાં આવ્યો હતો, પરંતુ ઘાઇમાંને ઘાઇમાં તેણે ટ્રાઉઝર ઉલટું પહેરી લીધું હતું. તેના ટ્રાઉઝરની આગળની બાજુ પાછળ હતી. સાથી પ્લેયરો તેને જોઇને હસવા માંડ્યા હતા. જોકે, સાહા માટે મેદાનમાંથી પાછા જઇને ટ્રાઉઝર સીધુ કરવાનું શક્ય નહોતું તેથી તેણે ઉલ્ટા ટ્રાઉઝર સાથે જ વિકેટકીપીંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.
— IPLT20 Fan (@FanIplt20) May 7, 2023
સોશિયલ મીડિયા પર લોકો રિદ્ધિમાન સાહાની આ ભૂલની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો તેને લખનૌ સામે જીતવાની ઉતાવળ ગણાવી રહ્યા છે તો કેટલાક તેને અત્યાર સુધીની સૌથી હાસ્યજનક ક્ષણ ગણાવી રહ્યા છે. રિદ્ધિમાન સાહા 43 બોલમાં 81 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સાહાએ પોતાની ઇનિંગમાં 10 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. તેણે શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. IPLની વર્તમાન સિઝનમાં પ્રથમ વિકેટ માટે આ બીજી સૌથી મોટી ભાગીદારી છે.