છેલ્લાં 22 દિવસથી જંતર-મંતર પર ધરણાં આંદોલન કરનારા કુસ્તીબાજોએ કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની સહિત ભાજપના મહિલા સાંસદોને ખૂલ્લો પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા કુસ્તીબાજોએ મહિલા સાંસદ પાસે મદદ માંગી છે. જેથી બ્રિભૂષણ શરણ સિંહ પર કાર્યવાહી થઇ શકે.
‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો નારો આપનાર મહિલા સાંસદોએ અમારા દુ:ખમાં સામેલ થઇ અમારો સાથ આપવો જોઇએ એવી માંગણી કુસ્તીબાજોએ પત્ર દ્વારા કરી છે. એટલું જ નહીં પણ 16મી મે ના રોજ દેશભરના જિલ્લા મુખ્યાલયો પર એક દિવસીય સત્યાગ્રહ કરવાની માંગણી પણ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જંતર-મંતર પર પત્રકારો સાથે વાત કરતાં વિનેશ ફોગટે કહ્યું કે, અમને ઘરણાં પર બેસીને 22 દિવસ થઇ ગયા છે. પરંતુ આજ સુધી ભાજપના એક પણ નેતા અમારા સુધી આવ્યા નથી. એક પણ મહિલા સાંસદ આવ્યા નથી. જે લોકો બેટી બચાઓ, બેટી પઢાઓનું સૂત્ર આપે છે તે લોકો અમારા દુ:ખમાં સામેલ થતાં નથી. તેથી અમે ભાજપના મહિલા સાંસદોને ખૂલ્લો પત્ર લખ્યો છે. અમારા કુસ્તીબાજો તેમના ઘરે જઇને તેમને પત્ર આપશે.
કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે. અમે સમાજના તમામ લોકોનો સહકાર માંગી રહ્યાં છીએ. અમારી લઢાઇમાં સામેલ થાઓ. અમે જે આક્ષેપો કર્યા છે તે સાચા છે. માટે જ તમે બધા અમને સાથ આપી રહ્યાં છો. અમારા સમર્થનમાં જંતર-મંતર પર રોજ લોકો આવવા જોઇએ. ઉપરાંત વિનેશ ફોગટે 16મી મે ના રોજ લોકો તેમના સમર્થનમાં એક દિવસીય સત્યાગ્રહ કરે તેવું આહવાન પણ કર્યું હતું. ઉપરાંત તમે બધા પોતપોતાના જિલ્લા મુખ્યાલયમાં જઇને નિવેદન આપો એવી માંગણી વિનેશે કરી હતી.
પત્રમાં કુસ્તીબાજોએ લખ્યું છે કે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષએ અમારા જેવા ભારતના મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કર્યું છે. ફેડરેશનના અધ્યક્ષ પદ પર રહીને તેમણે ઘણીવાર મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કર્યું છે. અનેક કુસ્તીબાજોએ તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમની સત્તાની તાકાત સામે કોઇનું કંઇ પણ ચાલ્યું નહીં. અનેક કુસ્તીબાજોનું ભવિષ્ય ધૂળભેગું થઇ ગયું છે.
વધુમાં તેમણે પત્રમાં લખ્યું છે કે હવે પાણી માથા ઉપરથી જઇ રહ્યું છે, તેથી મહિલા કુસ્તીબાજોના સન્માન માટે લઢવા સિવાય અમારી પાસે બીજો કોઇ જ પર્યાય બચ્યો નથી. અમે અમારું જીવન અને અમારી રમત બાજુએ મુકીને અમારી પ્રતિષ્ઠા માટે લઢવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં 22 દિવસસથી અમે જંતર-મંતર પર ન્યાય માટે લઢી રહ્યાં છીએ. પણ તેનો કોઇ ફાયદો થઇ રહ્યો નથી.
તેમની શક્તી સામે બધા જ આંધળા થઇ બેઠા છે. તેમણે પત્રમાં નોંધ્યું છે કે સત્તાધારી પક્ષના મહિલા સાંસદ હોવાથી અમને તમારી પાસે ઘણી અપેક્ષાઓ છે. તમે અમને મદદ કરો એવી અમારી વિનંતી છે. ન્યાય માટે અમારો અવાજ અને અમારી પ્રતિષ્ઠા બચાવો. અમારું માર્ગદર્શન કરવા તમે જંતર-મંતર પર આવવા માટે થોડો સમય કાઢો. એવી વિનંતી કુસ્તીબાજોએ પત્ર દ્વારા કરી છે.