સુપ્રિમ કોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરતી કુસ્તીબાજોની અરજી પર દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે. 7 મહિલા રેસલર્સે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂધ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી. પરંતુ દિલ્હી પોલીસે હજુ સુધી કોઈ FIR દાખલ કરી નથી જેને લઈને મહિલા રેસલર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આજે મંગળવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. તેમણે આ મુદ્દાને ગંભીર મામલો ગણાવતા એફઆઈઆર નોંધવાની ખેલાડીઓની માંગ અંગે દિલ્હી પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 28 એપ્રિલે થશે.
રેસલર્સે આ વર્ષે જાન્યુઆરીમાં રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલ્યો હતો. તે સમયે કુસ્તીબાજો સાથે ચર્ચા કર્યા બાદ ખેલકૂદ મંત્રાલયે મેરી કોમની અધ્યક્ષતામાં એક મોનિટરિંગ કમિટીની રચના કરી હતી. આરોપોની તપાસની સાથે સાથે આ સમિતિએ કુસ્તી સંઘના રોજિંદા કામકાજનું પણ ધ્યાન રાખવાનું હતું.
ત્યાર બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ખેલાડીઓએ ચાર દિવસ પહેલા, 21 એપ્રિલેના રોજ ફરીથી પ્રદર્શન શરુ કર્યું હતું. તે જ દિવસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા દિલ્હી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. ખેલાડીઓનો આરોપ છે કે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી, 23 એપ્રિલે ખેલાડીઓ ફરી એકવાર વિરોધ કરવા જંતર-મંતર પહોંચ્યા હતા.