દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોનો વિરોધ ચાલી રહ્યો છે. વિરોધ વચ્ચે રેસલર બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા પર બજરંગ દળના સમર્થનમાં પોસ્ટ કરી હતી. કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન ચાલી રહેલા બજરંગદળ વિવાદને લઈને તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, પરંતુ થોડા સમય પછી તેમણે સ્ટોરી ડિલીટ કરી નાખી હતી.
રેસલર બજરંગ પૂનિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિન્દુત્વવાદી સંગઠન બજરંગ દળના સમર્થનમાં એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તેમણે એક ફોટો મૂક્યો હતો જેમાં લખ્યું હતું કે, “હું બજરંગી છું અને બજરંગ દળને સમર્થન આપું છું.” આ ફોટાના કેપ્શનમાં લોકોને વોટ્સએપ સ્ટેટસ અને ડિસ્પ્લે પિક્ચર પર મૂકવાની અપીલ કરવામાં આવી હતી.
ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સના એક વર્ગ દ્વારા તેની પોસ્ટની ટીકા કરવામાં આવી હતી. આ પછી જ તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી. તેમની પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં પાર્ટીએ સત્તામાં આવ્યા બાદ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે.
બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત અનેક ટોચના કુસ્તીબાજો બ્રીજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો પર કાર્યવાહીની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન કુસ્તીબાજોને ખેડૂતોનું સમર્થન પણ મળી રહ્યું છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની સાથે ખાપ પંચાયતના નેતાઓએ ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારને 15 દિવસની સમયમર્યાદા આપી છે.