નવી દિલ્હીઃ ભારતના સ્ટાર પહેલવાન બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને કેન્દ્રીય રમતગમત મંત્રાલયની વચ્ચેની બેઠક પૂરી થઈ છે અને બેઠક પછી બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકારોને સંબોધતા પુનિયાએ કહ્યું હતું કે સરકાર સાથે બેઠક પૂરી થઈ છે અને અમે સ્પષ્ટ કર્યું છે કે અમે ફક્ત ડબલ્યુએફઆઈના પ્રમુખ બ્રિજભૂષણનું રાજીનામું ઈચ્છતા નથી, પરંતુ ફેડરેશનને ભંગ કરવામાં આવે અને જો રાજીનામું આપવામાં આવશે તો ફરી પાછા એમની કોઈ વ્યક્તિ આવશે. ભારતના પહેલવાનો અને રમતગમત ખાતાના અધિકારીઓની વચ્ચે થયેલી બેઠક પૂરી થઈ છે. પહેલવાનો તરફથી ચાર લોકોએ બેઠકમાં ભાગ લીધો હતો અને બેઠક પછી કોન્ફરનન્સમાં બજરંગ પુનિયાએ કહ્યું હતું કે અમારી પાસે રેસ્લિંગનું પૂરું હબ બેઠું છે અને અમારા ભવિષ્ય માટે બધા લડી રહ્યા છે. અમારી પાસે સાબિતી માટે પાંચથી છ છોકરી છે અને તેમના આરોપ છે. અમારી માગણીઓનું સમાધાન કરવામાં આવશે નહીં તો અમે પોલીસનો આશરો લઈશું અને કેસ પણ નોંધાવીશું. અમે ફક્ત તેમનું રાજીનામું ઈચ્છતા નથી, પરંતુ ફેડરેશનને ભંગ કરો નહીં તો ફરીથી તેમના માણસોને બેસાડવામાં આવશે. દરમિયાન વિનેશ ફોગાટે કહ્યું હતું કે અમારી કમનસીબી છે કે અત્યાર સુધીમાં કોઈ સંતોષજનક જવાબ મળ્યો નથી. તેમણે કહ્યું હતું કે અમે બ્રિજભૂષણનું રાજીનામું તો લઈશું પણ તેમને જેલમાં પણ મોકલીશું.