જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પાંચ જવાનને સુરક્ષા અધિકારીઓએ શુક્રવારે પુષ્પાંજલિ આપી હતી, તો ભાજપના કાર્યકર્તાઓએ હુમલાના વિરોધમાં શ્રીનગરમાં પાકિસ્તાનનું પૂતળું બાળ્યું હતું. (એજન્સી)
પૂંછમાં આતંકવાદી હુમલાથી સેના રોષમાં
સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ રમઝાન પાળતા લોકો માટેનો સામાન લઈને જઈ રહેલા સેનાના વાહનને હૅન્ડગ્રેનેડ અને રોકેટની મદદથી ફૂંકી માર્યાની ઘટના બાદ ભારતીય સેના રોષે ભરાઈ છે. સેનાનું માનવું છે કે સાતથી આઠ જેટલા પાકિસ્તાની આતંકવાદીઓના બે જૂથે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા ભારતીય સેનાએ ભટ્ટા દૂરાઈ વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં જવાનો ઉતાર્યા છે. એનઆઈએની ટુકડી ઉપરાંત શ્ર્વાન, ડ્રોન અને લડાકુ હેલિકૉપ્ટર પણ જવાનોની મદદ માટે ત્યાં પહોંચી ગયા છે. આતંકવાદીઓના આ કૃત્યને કારણે જમ્મુ-કાશ્મીરમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અને ઠેર ઠેર પાકિસ્તાન વિરોધી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ઠેકઠેકાણે પાકિસ્તાનના ધ્વજ સળગાવવામાં આવી રહ્યા છે. ભાજપે પાકિસ્તાન અને આતંકવાદનું પૂતળું સળગાવીને વિરોધપ્રદર્શન કર્યું હતું. સુરક્ષા સૂત્રોનું માનવું છે કે આ વિસ્તારમાં છેલ્લાં દોઢ વર્ષથી સક્રિય આતંકવાદી જૂથ જ ગુરુવારે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં પણ સામેલ છે. આતંકવાદીઓની શોધખોળ માટે મોટી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને તેમાં સેંકડોની સંખ્યામાં જવાનો ભાગ લઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાનું પણ જણાવી દેવામાં આવ્યું છે.