વિમેન્સ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ ચોથી માર્ચથી શરૂ થઇ રહી છે. વિમેન્સ પ્રીમિયર લીગની તમામ મેચો મુંબઇમાં જ રમાશે. મહિલા IPLની પહેલી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં માટેની પ્રથમ મેચ સહિતની 22 મેચ માટેની ટિકિટોનું વેચાણ BookMyShow પર શરૂ થઇ ગયું છે.
ક્રિકેટના સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાનો લહાવો કંઇ ઓર જ છે. વિમેન્સ પ્રીમિયર લીગની મેચો જોવા માટે મહિલાઓ અને છોકરીઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે, જે મુજબ આ ટૂર્નામેન્ટની તમામ 22 મેચ માટે મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે, જ્યારે આ સ્પર્ધા જોવા માટે પુરૂષોએ મેચ દીઠ 100થી 400 રૂપિયા ચૂકવવા પડશે.
ઉલ્લેખનીય છે કે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા T20 શ્રેણી દરમિયાન મહિલાઓને મફત પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પુરૂષોને નજીવા દરની ટિકિટ આપવામાં આવી હતી. હાલમાં મહિલા પ્રિમીયર લીગ માટે મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ પર પ્રેષકોની હાજરી વધારવા અને મહિલા ક્રિકેટ અંગે લોકોમાં વધુ રસ પેદા કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલા આઇપીએલનો ચોથી માર્ચથી ધમાકેદાર આરંભ થવા જઇ રહ્યો છે, જેમા ંબોલિવૂડ કલાકારો પણ ઉપસ્થિત રહેશે. મેચ પહેલા કિયારા અડવાણી અને કૃતિ સેનોન પરફોર્મ કરતા જોવા મળશે.
દર્શકો Jio સિનેમા એપ પર વિમેન્સ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ ફ્રીમાં જોઈ શકશે. તે સિવાય સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર પણ મેચ જોઈ શકાશે. આ ટુર્નામેન્ટનું ટાઈટલ સ્પોન્સર ટાટા ગ્રુપ છે, એમ બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું હતું.