મુંબઈઃ વધતી વસ્તી એ દેશના વિકાસ માટે અવરોધરુપ છે, ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના વિપક્ષ નેતા અજિત પવારે દેશહિતમાં સ્ફોટક નિવેદન કરીને કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જે લોકોના બેથી વધારે બાળક હોય તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવી જોઈએ નહીં. વિધાનસભ્ય અને સાંસદોને પણ ચૂંટણી માટે અયોગ્ય ઠેરવવા જોઈએ, એવું પણ તેમણે જણાવ્યું હતું.
દેશની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ચીને પણ ભારતને પાછું પાડી દીધું છે, ત્યારે દેશહિતમાં આપણે પણ એક અથવા બે બાળક પછી અટકી જવું જોઈએ. વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું હતું કે મને મારા દાદાજીએ મને કહ્યા કરતા હતા કે દેશ આઝાદ થયો ત્યારે આપણી 35 કરોડની વસ્તી હતી, જે હવે વધીને 142 કરોડની થઈ છે. એના માટે આપણે બધા જવાબદાર છીએ.
બે દિવસ પહેલા પણ પવારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તમામ રાજકીય પક્ષોએ પણ આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. આ મુદ્દાની નોંધ લઈને તેમણે કહ્યું હતું કે આપણા દેશ, રાજ્ય, જિલ્લા અને પ્રદેશના ભલા માટે એક અથવા બે બાળક પછી આપણે અટકવું જોઈએ. તેમણે કહ્યું હતું કે જે લોકોને બેથી વધારે બાળક હોય તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવી જોઈએ નહીં.
મહારાષ્ટ્રમાં વિલાસરાવ દેશમુખ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે એક જોરદાર નિર્ણય લીધો હતો કે ગ્રામ પંચાયત, જિલ્લા પરિષદ અને તાલુકા પંચાયતની સ્થાનિક ચૂંટણી લડવા માગતા ઉમેદવારના જો ત્રણથી વધારે બાળક હોય તો તેમને અયોગ્ય ઠેરવવા. અમે આ નિર્ણય બહુ સાવધાનીપૂર્વક લીધો હતો, પરંતુ લોકો કહી રહ્યા છે કે તમે વિધાનસભ્ય અને સાંસદો માટે આ નિર્ણય કેમ લેતા નથી? તો હું લોકોને કહેવા માગુ છું કે આ અમારા હાથમાં નથી પણ અમારી માગ છે કે કેન્દ્ર સરકારે આવું કરવું જોઈએ. બેથી વધારે બાળકવાળા લોકોને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવે નહીં તો લોકો આ મુદ્દે વધારે જાગૃત બનશે, એવું તેમણે જણાવ્યું હતું.