તમે અત્યાર સુધી દુનિયાની સૌથી લાંબી ફલાઈટ વિશે સાંભળ્યું હશે. ભારતથી અમેરિકા કે યુરોપ જતી વખતે કલાકો સુધી ફ્લાઈટથી પ્રવાસ કરવો પડે છે, અરે સાવ સીધી વાત કરીએ તો જો મુંબઈથી તમારે દિલ્હી જવું હોય તો પણ દોઢથી બે કલાકની ફ્લાઈટ લેવી પડે છે. પરંતુ આજે આપણે અહીં વાત કરવાના છીએ દુનિયાની સૌથી ઓછા સમયની ફ્લાઈટ વિશે. આ ફ્લાઈટ વિશે સાંભળીને તમે ખુદ ચોંકી જશો. ટેક ઓફ અને લેન્ડ કર્યા બાદ નિર્ધારિત સ્થળે પહોંચવા માટે માત્ર 53 સેકન્ડનો સમય લાગે છે…
જી હા, અહીં લખવામાં કોઈ લોચા નથી પડ્યા કે ના તો તમારી વાંચવામાં કોઈ ભૂલ થઈ છે. 53 સેકન્ડની જ છે આ દુનિયાની સૌથી નાની ફ્લાઈટ અને મજાની વાત એ છે કે આ કમર્શિયલ ફ્લાઈટ છે. દરરોજ અનેક પ્રવાસીઓ આ ફ્લાઈટની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે.
આ જોય રાઈડનો આનંદ ઉઠાવવા માટે તમારે પહોંચી જવું પડશે સ્કોટલેન્ડ. બે ટાપુ વચ્ચે આ 53 સેકન્ડની ફ્લાઈટ ચાલે છે. બંને ટાપુને જોડનારો બ્રિજ ના હોવાને કારણે અહીંના લોકો હવાઈ મુસાફરી કરે છે. હવે તમે કહેશો કે ભાઈસાબ જો બ્રિજ નથી તો સમુદ્રમાં બોટ સર્વિસ ચાલુ કરી શકાય. તો તમારી જાણ માટે કે અહીં સમુદ્ર એટલો ખડકાળ છે કે અહીં બોટ સર્વિસ ચલાવવાનું શક્ય નથી. પરિણામે લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર જવા માટે ફ્લાઈટની મદદ લે છે. લોગાન એરલાઈન દ્વારા આ સર્વિસ છેલ્લાં 50 વર્ષથી આપવામાં આવે છે.
53 સેકન્ડની આ ફ્લાઈટ માટે 14 પાઉન્ડનો ખર્ચ આવે છે અને ઈન્ડિયન કરન્સીમાં જણાવવાનું થાય તો 1815 રુપિયા થાય છે. સ્કોટલેન્ડની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આ ભાડુ ખૂબ જ ઓછું છે. સરકાર દ્વારા આ બે ટાપુ પર રહેનારા લોકોને એર ફેયરમાં સબ્સિડી આપવામાં આવે છેસ તેથી લોકોને ઓછું ભાડુ ચૂકવવું પડે છે.
બંને ટાપુના વસતીની વાત કરીએ તો બંને ટાપુ પર મળીને કુલ 690 લોકો જ રહે છે. આ બે ટાપુમાંથી એક ટાપુનું નામ વેસ્ટ્રે અને બીજા ટાપુનું નામ પાપા વેસ્ટ્રે છે. વેસ્ટ્રેમાં 600 લોકો રહે છે તો પાપા વેસ્ટ્રેમાં 90 લોકો જ રહે છે. જે ફ્લાઈટથી આ પ્રવાસીઓ પ્રવાસ કરે છે એ ફ્લાઈટ ખૂબ જ નાની છે અને એક સમયે આ ફ્લાઈટમાં 8 લોકો જ મુસાફરી કરી શકે છે.
સ્થાનિક લોકો પર્યટનથી જ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને આ દુનિયાની સૌથી નાની ફ્લાઈટની જોય રાઈડનો આનંદ ઉઠાવવા માટે દુનિયાભરમાંથી પર્યટકો આવે છે…. તો તમે પણ જ્યારે સ્કોટલેન્ડ જાવ તો આ 53 સેકન્ડની ફ્લાઈટની મજા માણવાનું ભૂલશો નહીં.