કાર કે બાઈક લવર્સમાં વીઆઈપી નંબર અથવા ફેન્સી નંબરનો એક અલગ જ ક્રેઝ જોવા મળે છે અને દિવસે દિવસે આ ક્રેઝ વધતો જ જઈ રહ્યો છે. વાહનચાલક તેના વાહન માટે આ નંબર પ્લેટ માટે મોં માંગી કિંમત ચૂકવવાથી જરાય અચકાતા નથી. પરંતુ અત્યારે અમે અહીં જે વીઆઈપી નંબર વિશે જે વાત કરવાના છીએ એ માટે ચૂકવવામાં આવેલી રકમ વિશે તમે સાંભળશો તો તમારા પગ નીચેથી ધરતી ખસી જશે.
વીઆઈપી કાર નંબર પ્લેટ પી-7 મોસ્ટ નોબેલ નંબર્સ ચેરિટી ઓક્શનમાં આ રેકોર્ડ 55 મિલિયન દિરહામ એટલે કે આશરે રૂ. 122.6 કરોડમાં વેચાઈ હતી. આટલી મોટી રકમ સાથે દુનિયામાં સૌથી મોંઘા ભાવે વેચાયેલી નંબર પ્લેટનો રેકોર્ડ આ નંબર પ્લેટના નામે નોંધાયો છે. હજી સુધી આ નંબર પ્લેટ ખરીદનારના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ “1 બિલિયન માઇલ એન્ડોવમેન્ટ” અભિયાનને ટેકો આપવા માટે કરવામાં આવશે.
વૈશ્વિક ભૂખ સામે લડવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ હરાજીનું આયોજન અમીરાત હરાજી મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઓક્શનમાં અનેક નંબર પ્લેટ લીલામી માટે મૂકવામાં આવી હતી, જેમાં AA19, AA22, AA80, O71, X36, W78, H31, Z37, J57 અને N41 જેવા 10 બે-અંકીય નંબરો સહિત અન્ય કેટલીક નંબર પ્લેટ્સનો સમાવેશ થતો હતો.. અન્ય વીઆઈપી નંબર પ્લેટ્સમાં Y900, Q22222 અને Y6666નો સમાવેશ થાય છે. નંબર પ્લેટ AA19 4.9 મિલિયન દિરહામ એટલે કે લગભગ રૂ. 10.93 કરોડમાં વેચાઈ હતી, જ્યારે O 71 15 મિલિયન દિરહામમાં અને Q22222 9,75,000 દિરહામમાં વેચાઈ હતી.
‘P 7’ નંબર માટે સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી, કારણ કે ઘણા લોકો 2008માં સેટ કરેલા રેકોર્ડને તોડવા માંગતા હતા. જ્યારે અબુ ધાબી કાર નંબર 1 પ્લેટ 52.2 મિલિયન દિરહામ એટલે કે આશરે રૂ. 116.3 કરોડમાં વેચાઈ હતી. નંબર પ્લેટ માટેની બિડ 15 મિલિયન દિરહામ (આશરે રૂ. 33 કરોડ)થી શરૂ થઈ હતી, જેમાં ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવ પણ ભાગ લીધો હતો.
મોસ્ટ નોબલ નંબર્સ ચેરિટી હરાજી પણ દુબઈમાં ખાસ મોબાઈલ નંબર માટે થઈ હતી અને એમાંથી કુલ 53 મિલિયન દિરહામ (આશરે રૂ. 118 કરોડ) એકઠા થયા હતા. DUનો પ્લેટિનમ મોબાઈલ નંબર AED2 મિલિયન (અંદાજે રૂ. 4.46 કરોડ)માં વેચાયો હતો…