દરેક મહિલાને સાડી પહેરવાની અને અલગ અલગ સાડીઓ ખરીદવાનો શોખ હોય છે અને એમાં પણ ગુજરાતી મહિલાઓમાં બાંધણી, પટોળું અને મરાઠીઓમાં પૈઠણી સાડીનો ખૂબ જ ક્રેઝ જોવા મળે છે. એટલું જ નહીં દરેક મરાઠી મહિલાના કલેક્શનમાં તમને પૈઠણી અને ગુજરાતી મહિલાઓના કલેક્શનમાં બાંધણી, પટોળું તો જોવા મળશે જ.
હવે તમને થશે કે આજે અચાનક સાડીની ચર્ચા ક્યાંથી શરું થઈ ગઈ તો તમારી જાણ ખાતર કે આજે એટલે કે 21મી ડિસેમ્બરને ઈન્ટરનેશન સાડી ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં પ્રાચીન કાળથી જ સાડી પહેરવાની પરંપરા છે અને તેની કલ્પના પ્રાચીન કાળના શિલ્પોને પહેરાવવામાં આવેલી સાડીઓની સ્ટાઈલ પરથી જ આવી જાય છે.
ભારતમાં દરેક પ્રાંતની સાડી અને તેને પહેરવાની પદ્ધતિ એકદમ જૂદી જૂદી છે. જેમ કે રાજસ્થાન-ગુજરાતમાં બાંધણી, પટોળું, ઘાઘરા-ચોળી, બંગાળની પલ્લુ લેવાની અનોખી સ્ટાઈલ જામધની, દક્ષિણ ભારતની નારાયણ પેઠી, ઈરકલી, પોચમપલ્લી, કાંજીવરમ, મધ્યપ્રદેશની ચંદેરી, ગુજરાત-કચ્છમાં ગુજરાતી સાડી પહેરવાની પદ્ધતિવાળું પટોળું, કેરળની ધર્માવરમ, ઓરિસ્સાની ઈક્કત, કાશ્મીરની કશીદા કારી વગેરે સાડીઓ ખૂબ જ પ્રખ્યાત છે.