પિઝ્ઝા… એક એવી ડિશ કે ફાસ્ટ ફૂડ જેનાથી સૌ કોઈ પરિચિત છે અને નામ સાંભળીને પણ આપણા બધાના મોઢામાં પાણી આવી જ જાય છે. એટલું જ નહીં જો પિઝ્ઝા અને બર્ગરમાંથી સૌથી મનપસંદ ફાસ્ટફૂડનું નામ પૂછવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ તરત જ જવાબ આપશે પિઝ્ઝા… હવે તમને થશે કે આજે તો ચોકલેટ ડે છે તો અહીં આ પિઝ્ઝાની રામાયણ કેમ માંડી છે ભાઈસા’બ? તો તમારા આ સવાલનો જવાબ છે કે ભાઈ આજે વર્લ્ડ પિઝ્ઝા ડે પણ છે. દર વર્ષે નવમી ફેબ્રુઆરીના પિઝ્ઝા ડે તરીકે પણ ઊજવવામાં આવે છે.
પિઝ્ઝા એક એવું ફાસ્ટ ફૂડ છે કે જેનો સ્વાદ મોટાભાગે દરેકને ખબર છે અને આજે તો પિઝ્ઝાની અલગ અલગ વેરાયટી બજારમાં મળી રહી છે અને 8 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વૃદ્ધ પણ ખૂબ જ આનંદથી પિઝ્ઝા ખાય છે. આજે દેશના નાનામાં નાના શહેરમાં પણ પિઝ્ઝાના બે-ત્રણ આઉટ લેટ્સ તો સરળતાથી મળી જાય છે. પરંતુ ક્યારેય એવો વિચાર આવ્યો છે ખરો કે ભારતમાં પહેલી વખત પિઝ્ઝા ક્યાં બનાવવામાં આવ્યો અને આખરે તે લોકોમાં આટલો બધો લોકપ્રિય કેમ થયો?
સૌથી પહેલાં તમારા પહેલાં સવાલનો જવાબ આપીએ કે આખરે પિઝ્ઝા ભારતમાં ક્યાંથી આવ્યો તો આપણા બધાનો મનપસંદ પિઝ્ઝા યુનાન, ઈટલી, અમેરિકા થઈને આખરે 1996માં ભારત પહોંચ્યો હતો અને દિવસ હતો 18મી જૂનનો. પિઝ્ઝાની બીજી સૌથી ફેમસ કંપનીને ભારતીયોને પહેલી વખત પિઝ્ઝાના સ્વાદથી રૂબરૂ કરાવવાનો શ્રેય જાય છે. આ કંપનીએ ભારતમાં તેનો પહેલો આઉટલેટ બેંગલુરુમાં શરુ કર્યો હતો.
ખેર આ તો થઈ પિઝ્ઝા ભારતમાં ક્યારે આવ્યો એની વાત પણ પિઝ્ઝાનો જન્મ ક્યાં થયો એની વાત કરીએ તો એ માટે આપણે પહોંચી જવું પડશે 18મી સદીમાં. 18મી સદીમાં પિઝ્ઝાની શોધ ઈટલીમાં થઈ અને એ સમયે પિઝ્ઝા બનાવવા માટે શાકભાજી અને મીટના નાના નાના ટૂકડા એક સપાટ બ્રેડ પર નાખીને માટીની ભઠ્ઠીમાં પકાવવામાં આવતો હતો. જ્યારે ઈટલીના રાજા અંબર્ટો ફર્સ્ટ અને ક્વીન માર્ગારીટા નેપલ્સની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ત્યાંના લોકોને એવું કંઈક બનાવવા જણાવ્યું કે જે એકદમ નવું હોય. ત્યારે રાફેલ એસ્પોઝિટોને બોલાવવામાં આવ્યા. જેઓ એ સમયમાં સૌથી સ્વાદિષ્ટ પિઝ્ઝા બનાવવા માટે ફેમસ હતા. તેમણે ક્વીન માટે ત્રણ પિઝ્ઝા તૈયાર કર્યા અને ત્રણેય પિઝ્ઝામાં ક્વીનને ટામેટાં, ચીઝ અને ઘણી બધી ટોપિંગ્સથી તૈયાર કરવામાં આવેલો પિઝ્ઝા સ્વાદિષ્ટ લાગ્યો. રાફેલે એ પિઝ્ઝાને માર્ગેરિટા પિઝ્ઝા એવું નામ આપી દીધું.
19મી સદીની અંત સુધીમાં પિઝ્ઝા સ્પેનથી લઈને ઈંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા પહોંચી ગયો. 1905માં ન્યૂ યોર્કમાં પિઝ્ઝા સર્વ કરનાર પહેલી રેસ્ટોરાં લંબાર્ડીમાં શરૂ થઈ. 1960મના અંત સુધીમાં ટોમ અને જેમ્સ નામના બે ભાઈઓએ ડોમિનક્સ નામની પિઝ્ઝા ફાસ્ટ હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરી હતી અને 1965માં તેમણે આ સર્વિસનું નામ બદલીને ડોમિનોઝ કરી નાખ્યું. આજે ડોમિનોઝ એક જાણીનું નમ થઈ ગયું છે અને સેલ્સના મામલામાં તે દુનિયાની નંબર વન પિઝ્ઝા ચેન બની ગયું છે, જેના 16000 સ્ટોર્સ છે. હવે પિઝ્ઝાનો આટલો લાં….બો ઈતિહાસ વાંચ્યા બાદ પિઝ્ઝા ખાવાનું મન ના થાય તો જ નવાઈ નહીં?