આજે વિશ્વ માતૃભાષા દિવસ (World Mothertounge Language Day) છે. દર વર્ષે 21મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવામાં આવે છે અને માતૃભાષાનું ઉદગમ સ્થાન આપણું ઘર-પરિવાર જ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જેથી આપણું ઘર-પરિવાર જ ખરા અર્થમાં માતૃભાષાનો જીર્ણોદ્ધાર કરી શકવા માટેનું સક્ષમ માધ્યમ છે. વિશ્વ માતૃભાષાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપીને તેની જાળવી રાખવાનો છે.
યુનેસ્કોએ વિવિધ દેશોમાં 7000થી વધુ ભાષાઓને શોધી કાઢી છે અને આ બધી ભાષાઓનો ઉપયોગવાંચવા, લખવા અને બોલવા માટે થાય છે. યુનેસ્કોએ નવેમ્બર, 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા ઊજવવાનો નિર્ણય કર્યો અને ત્યારથી લઈને દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે. 21 ફેબ્રુઆરીએ દેશની ભાષાકીય વિવિધતાને ઉજાગર કરવા માટે આજના આ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
હવે તમને થશે કે આખરે 21 ફેબ્રુઆરીનો જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો વિશ્વ માતૃભાષા દિવસની ઊજવણી માટે તો આ રહ્યો તમારા સવાલનો જવાબ- ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યકર્તાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન પોતાની માતૃભાષાને બચાવી તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું હતું. પ્રદર્શનકારીઓ દ્વારા બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગણી કરવામાં આવી હતી. પ્રદર્શકારીઓને ડામી દેવા માટે પાકિસ્તાનની પોલીસ દ્વારા તેમના પર ગોળીઓ વરસાવવામાં આવી. પ્રદર્શનકારીઓ ગભરાઈ જવાને બદલે ઔર વધુ રોષે ભરાયા અને તેમણે આંદોલન એટલું ઉગ્ર કરી દીધું કે આખરે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવો જ પડ્યો.
આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999એ જનરલ કોન્ફરન્સમાં 21મી ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો અને ત્યાર બાદથી આખી દુનિયામાં 21મી ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસ ઊજવણી થવા લાગી.
વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22મા સંસ્કરણ ઇથોનોલોજ અનુસાર વિશ્વભરની 20 સૌથી બોલાતી ભાષાઓમાં છ ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે અને જેમાં હિન્દી ત્રીજા સ્થાને છે. વિશ્વભરમાં 61.5 કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે અને હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે. વિશ્વભરમાં 26.5 કરોડ લોકો બંગાળી ભાષાનો ઉપયોગ કરે છે. 17 કરોડ લોકોની સાથે ઉર્દૂ 11મા ક્રમે છે. 9.5 કરોડ લોકોની સાથે 15મા સ્થાને મરાઠી છે. 9.3 કરોડની સાથે 16મા ક્રમે તેલુગુ અને 8.1 કરોડ લોકોની સાથે 19મા ક્રમે તમિળ ભાષા આવે છે.
21 ફેબ્રુઆરી વિશ્વભરમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. પણ એક કડવું સત્ય એ પણ છે કે, માતૃભાષાનું ચલણ નામશેષ થઈ રહ્યું છે અને એ માટે કોઈ બીજું નહીં પણ આપણું જ ઘર અને પરિવાર જવાબદાર છે. જો આપણે એવો આગ્રહ રાખીએ કે આપણું સંતાન માતૃભાષા શીખે તો દુનિયાની કોઈ તાકાત તમને એમ કરતાં રોકી શકે એમ નથી અને આપણો ભારત દેશ તો એ બધી જ ભાષા માટે ખરા અર્થમાં મુક્ત છે પણ આપણે જ એને કોઈ એક કહેવાતી વિદેશી ભાષાઓના મોહમાં આપણી માતૃભાષાને તરછોડી દીધી છે.
સાત સમંદર પાર વાગે છે આપણી ગુજરાતી ભ।ષાનો ડંકો
ગુજરાતી ભાષાના ઈતિહાસ વિશે વાત કરીએ તો આપણી ભાષા ગુજરાતી ૭૦૦ વર્ષ કરતા પણ વધુ જૂની ભાષા છે. ગુજરાત બહાર, ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં, ભારતના અન્ય રાજ્યો, ખાસ કરીને મુંબઈ શહેર તથા પડોશી દેશ પાકિસ્તાનમાં ગુજરાતી બોલાય છે. ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર પણ વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી બોલાય છે. ઉત્તર અમેરિકામાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી અને અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે, અને યુ.કે.ના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકા, ખાસ કરીને કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝામ્બિયા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશોમાં પણ બોલાય છે.