[ad_1]
મુંબઇ: ભાગદોડથી ભરેલી જિંદગી અને ભવિષ્યની ચિંતા કરતા લોકો જલદીથી માનસિક હતાશાના શિકાર બની શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે આ સિવાય પણ સોશિયલ મીડિયા પર વધારે સમય રહેતા લોકો પણ આનો શિકાર બની શકે છે. સાથે-સાથે લોકોમાં નશો કરવાની આદતમાં પણ વધારો થયો છે, એના કારણે પણ લોકો વધારે માનસિક બીમારીઓના શિકાર બની રહ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ થોડા સમય પહેલા રજૂ કરેલા તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે દુનિયામાં દર આઠમાંથી એક વ્યક્તિ માનસિક સમસ્યાથી પીડાઇ રહી છે. જાણકારોનું કહેવુ છે માનસિક હેલ્થ બગડતા જ ડૉક્ટર અથવા મનોચિકિત્સક પાસે જવું જોઇએ. આજના જમાનામાં શારિરિક સ્વાસ્થ્યની સાથે-સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન રાખવું જરૂરી છે. ડૉક્ટરોનું કહેવુ છે કે માનસિક સ્વાસ્થ્ય બગડવાના કારણે લોકો ડિપ્રેશનમાં સરી પડે છે. કેટલીકવાર એવુ પણ બને છે કે કોઇ વ્યક્તિ કેટલાય મહિનાઓ સુધી ડિપ્રેશનમાં રહે છે પણ એ કોઇને કહેતા નથી અથવા એ લોકોને આ બીમારી વિશે ખબર નથી હોતી.
ડિપ્રેશનના લક્ષણો
એકલા રહેવાનું મન થયા કરે
વધારે પડતી ખોટી ચિંતા કર્યા કરવું
કામ કરવામાં મન ન લાગવું
ઊંઘ ન આવવી
ભૂખ ઓછી લાગવી
હંમેશા નેગેટિવ વિચારો આવવા
ડૉક્ટરનું કહેવું છે કે આ બધા ડિપ્રેશનની શરૂઆતના લક્ષણો છે. જો આની સમયસર સારવાર કરવામાં ન આવે તો વ્યક્તિ ડિપ્રેશનની અંતિમ તબક્કામાં જતો રહે છે. આ સ્થિતિમાં તેને આત્મહત્યા કરવાના વિચારો પણ આવે છે અને કેટલાક કિસ્સામાં વ્યક્તિ આત્મહત્યા કરી પણ લે છે.
આ પાંચ રીતોથી તમે તમારા માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકો છો
૧. બીજા પાસેથી અપેક્ષા ઓછી રાખો અને તમે પોતે આત્મમંથન કરો કે તમે તમારા માટે શું કરી શકો છો.
૨. પોતાની જાતને ખુશ રાખવા માટે કોઇને કોઇ પ્રવૃતિ અથવા પોતાને મનપસંદ કામ કરતા રહો.
૩. તમારા અંદરના વિચારોને એવા વ્યક્તિ સાથે શૅર કરો જેના પર તમને ભરોસો હોય. જે તમને હતાશા અને તાણમાંથી બહાર કાઢી શકે.
૪. રોજ નિયમિત રીતે ધ્યાન અને મેડિટેશન કરો.
૫. તમારા પોતાના પ્રિય પાત્રો સાથે સમય પસાર કરો અને હતાશામાંથી બહાર નીકળવા માટે તેમની સહાયતો માગો
[ad_2]