(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૩થી ૨૮૪નો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૧૩ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. આમ રૂપિયો મજબૂત થવાને કારણે સોનાની આયાત પડતરમાં ઘટાડો થતાં વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૬૮૦નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને લંડનનાં પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૮૦ના સુધારા સાથે ફરી રૂ. ૬૮,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૬૮,૫૨૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે મધ્ય સત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૩ વધીને રૂ. ૫૪,૭૧૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૮૪ વધીને રૂ. ૫૪,૯૩૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી સોનામાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર નબળો પડતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૮૧૮.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ૧૮૨૪.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વર્ષ ૨૦૨૨માં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહેતાં આ વર્ષમાં અત્યાર સુધી સોનાના ભાવમાં વાર્ષિક ધોરણે ૦.૫ ટકા સુધીનો ઘટાડો થયો છે. વધુમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન પણ ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડની વધઘટને ધ્યાનમાં સોનાના ભાવમાં વધઘટ સાથે ચંચળતા જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે જો વર્ષ ૨૦૨૩માં આર્થિક મંદી જોવા મળશે તો ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ જેવી ધાતુના ભાવ વધુ દબાણ હેઠળ આવે તેવી શક્યતા નકારી ન શકાય.