કેતકી જાની
સવાલ – મારી અજીબ કહેવાય તેવી મૂંઝવણ છે. મારાં પાંત્રીસ વયે લગ્ન થયાં. પિયરમાં માતા-પિતાને મેં કદી એકસાથે રૂમ બંધ કરી સૂતા હોય એવું નથી જોયું. અહીં મારા જેઠાણી જે પંચાવનના છે. તેઓ જેઠ સાથે હંમેશાં અલગ રૂમમાં સૂવાનો આગ્રહ જ રાખે છે, જ્યારે પણ અમારાં ઘરે આવે. મારા મમ્મી હંમેશાં કહે કે સેક્સ બેક્સ બધું ચાલીસ સુધી હોય, છોકરા થયાં એટલે પત્યું. જ્યારે સાસરામાં જુદું જ જોઉં છું. ઘર નાનું છે અમારું. તેથી સાસુ-સસરા તો બેઠકરૂમમાં જ સૂએ પણ જેઠ-જેઠાણી આવે ત્યારે અમારે કચવાટ સાથે તેમને અમારો રૂમ આપવો પડે અથવા બીજી વ્યવસ્થા કરી કોઇ ગોઠવણ કરવી પડે. ખરેખર વસ્તુસ્થિતિ શું છે? સેક્સ ખરેખર બિનજરૂરી છે, સંતાનપ્રાપ્તિ પછી મારાં જેઠ-જેઠાણીની જેમ જીવાય? કે મારા માતા-પિતાની જેમ?
જવાબ- સમાજમાં સામાન્યત: જોવા મળે કે અમુકતમુક ઉંમર થઇ એટલે સેક્સ સહિતવાળુ સહજીવન લગભગ કે સદંતર પતી જાય. એ પછી માત્ર સમાજમાં વ્યતીત કરવાનું સહજીવન જ હોય. એક વાત જ સાચી કે ચાળીસ-પિસ્તાળીસ પછી સ્ત્રી-પુરુષને સેક્સમાં જે પહેલાં હતું તેવું આકર્ષણ નથી રહેતું. તે ખરેખર મોટી ગેરસમજ છે. કામજીવન/સેક્સસહ લગ્નજીવન માત્ર સંતાનપ્રાપ્તિ માટે જ હોય. બાળકો થાય એટલે તે ખતમ કે માત્ર નવયુવાન દંપતી માટે જ હોય તે પણ આપણાં વચ્ચે બહુતાંશ લોકોની ગેરસમજ જ માની શકાય. ખરેખર સત્ય હકીકત તો એ છે કે સેક્સ જીવનનાં અંતિમ પડાવ સુધી સાથ/મઝા/સંતૃપ્તિ આપનારું કુદરતી તત્ત્વ છે. મનભાવતી વસ્તુ જોઇ મોમાં લાળ છૂટે તેમ શ્રૃંગાર/પ્રેમ અનુભવતા જ શરીરમાં સહજ સેક્સભૂખ જાગૃત થાય કોઇપણ ઉંમરે. કુદરતી ગોઠવણને અનુસરી તેને તૃપ્ત કરવી કે જે-તે ગેરસમજને માની તેનું દમન કરવું તે નિર્ણય પ્રત્યેક વ્યક્તિ-વ્યક્તિએ અલગ હોય છે. કામજીવન એક ભૂખ-તરસ જેવી સહજ પ્રવૃતિ છે, પરંતુ મુખ્ય વાત એ કે તેનું દમન કરવાથી માણસ મરતો નથી. ભૂખ-તરસ માણસનાં આધીન નથી, પણ સેક્સની ઇચ્છા માણસાધીન છે. વયાનુસાર સેક્સ જીવન નિશ્ર્ચિતપણે બદલાય, પરંતુ તે નામશેષ ના થાય. કોઇપણ બે માણસ વચ્ચે એકસરખુ કામજીવન ના હોય. દરેક વ્યક્તિની વૃત્તિ, સમજ અનુસાર તેમાંય ફરક હોય તેમ જ સ્ત્રી-પુરુષ વચ્ચેના કામજીવનમાં પણ ફરક હોય છે. જે પુરુષ યુવાની ફૂટતા વિચાર માત્રથી સ્ખલિત થઇ જતો હોય તે અવસ્થા ક્રમશ: વયાનુરૂપ મન હોય તો પણ ટેસ્ટોસ્ટેર્શન ઘટતાં શિશ્ર્નોત્થાન થતા વાર લાગે, સેક્સની ઇચ્છા ઘટી જાય તે તરફ ગતિ કરે છે. તેવું જ સ્ત્રીઓમાં નવયુવા હોય ત્યારે જે સેક્સની ઇચ્છા હોય તે ક્રમશ: વધીને પછી એસ્ટ્રોજન ઘટતાં જનનાંગોમાં આવતાં ફેરફાર સેક્સપ્રક્રિયા દુ:ખદ તે અને વૃદ્ધ થયેલ પુરુષ સુધ્ધાં જીવનનાં અંતિમ પડાવ સુધી સેક્સ કરવા માટે યોગ્ય/કાબેલ હોય જ છે. આગળ કહ્યું તેમ દરેકની સેક્સની ઇચ્છા અલગ છે, તે હિસાબે તમારાં માતા-પિતા મનથી તે અન્ય કોઇ કારણે એકમેક સાથે ભલે ના સૂવે પણ તમારાં જેઠ-જેઠાણી જો એક રૂમમાં જ સૂવાનો આગ્રહ રાખે તો તમારે કચવાટને બદલે ખુશીખુશી તેમના માટે યથાયોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. આ ઉંમરે સેક્સ થાય કે ના થાય એકમેકનો નિકટતાયુક્ત સહવાસ, સ્પર્શ વગેરે પણ સેક્સ જેટલો જ સંતોષ આપે છે. માટે તમે તેમના માટે મનમાં કોઇ દ્ધિધા ના રાખો. જો તેઓ તમારાં જીવનમાં ખોટો ચંચુપાત ના કરતાં હોય તો તમે નિશ્ર્ચિંત રહી જીવો. આ ઉપરાંત આપના સાસુ-સસરા માટે પણ તમારે વિચારવું જ રહ્યું. તેઓને શક્ય હોય ત્યારે એકાંત આપવું તમારી જવાબદારી છે. તમારાં મમ્મીની માન્યતા બધે જ બંધબેસતી હોય તે જરૂરી નથી તે તમારે સમજવું જ રહ્યું. બાળકો થઇ ગયાં, બાળકો મોટાં થયાં, પરણ્યાં, ઘરમાં વહુ આવી, મૅનોપોઝ/એન્ડ્રોપૉઝ આવ્યું, ગર્ભાશય કાઢી નાંખ્યું સહિત અનેક કારણો કામ/સેક્સને જીવનથી બાદ કરવા માટે વપરાય છે, છતાં સનાતન સત્ય એ છે કે સ્ત્રી-પુરુષ વચ્ચેનું સખ્ય/બંધન મજબૂત કરતું તત્ત્વ સેક્સથી મળતી શાતા છે. ખૂણામાં પડેલી લોખંડની વસ્તુ કાટ ખાઇ જાય તેવું સ્ત્રી-પુરુષના સેક્સાંગો માટે બને છે. તેનો ઉપયોગ ના થાય તો ક્રમશ: તેની ગતિશીલતા નષ્ટ થતાં તે ખતમ થઇ જાય. તેથી સેક્સ માટે મનમાં કોઇ છોછ રાખ્યા વગર જીવો. અસ્તુ…