કૅપટાઉન: મહિલાઓની ટી-૨૦ વર્લ્ડ કપની બુધવારની મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવ્યું હતું. ભારત વતી શેફાલી વર્મા ૨૮, હરમનપ્રીત કૌર (૩૩ રન), રિચા ઘોષ (અણનમ ૪૪ રન)એ કર્યા હતા. ભારતે ૧૮.૧ ઑવરમાં ચાર વિકેટે ૧૧૯ રન બનાવી આ વિજય મેળવ્યો હતો. અગાઉ વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે ૧૧૯ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ૨૦ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ૧૧૮ રન બનાવ્યા હતા. દીપ્તિ શર્માએ ભારત માટે ઈતિહાસ રચ્યો હતો. તેણે મેચમાં ચાર ઓવરમાં ૧૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ત્રણ વિકેટ લીધા પછી તે ટી-૨૦માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ. આ મામલામાં તેણે પૂનમ યાદવ (૯૮ વિકેટ)ને પાછળ છોડી દીધી છે. આ સિવાય દીપ્તિએ ટી-૨૦ ઈન્ટરનેશનલમાં
૧૦૦ વિકેટ પણ પૂરી કરી હતી.
આ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ તરફથી ટેલરે ૪૦ બોલમાં ૪૨ રન બનાવ્યા હતા. કેમ્પબેલે ૩૬ બોલમાં ૩૦ રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે ૪ ઓવરમાં ૧૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકરે ૪ ઓવરમાં ૨૧ રન આપીને એક વિકેટ લીધી હતી. રેણુકા સિંહે ૪ ઓવરમાં ૨૨ રન આપીને એક વિકેટ ઝડપી હતી.
૪ રનમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝે ધીમી શરૂઆત કરી હતી. પાવર પ્લેમાં સ્ટેફની ટેલર અને શેમેન કેમ્પબેલ માત્ર ૨૯ રન બનાવી શક્યા હતા. કેપ્ટન હેલી મેથ્યુસના વહેલા આઉટ થયા બાદ સ્ટેફની ટેલર અને શેમેન કેમ્પબેલે બીજી વિકેટ માટે ૭૪ બોલમાં ૭૩ રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારી તૂટતાની સાથે જ એક પછી એક બે વિકેટો પડી ગઈ હતી. ટેલર ૪૨ અને કેમ્પબેલ ૩૦ રને આઉટ થયા હતા.