કવર સ્ટોરી -વર્ષા અડાલજા
થોડાં વર્ષો પહેલાં દુબઈનાં એક પોશ થિયેટરમાં મેં મારી દીકરીઓ સાથે મૂવી જોવા ટિકિટો ખરીદી અને હજી સમય હોવાથી અમે ફોયરનાં કાફેમાં કોફી પીતા હતા. ત્યાં ત્રણ મહિલા પગથી માથા સુધી સંપૂર્ણ કાળા બુરખામાં ઢંકાયેલી મૂવી જોવા આવી. એમની સાથેનાં પુરુષે ટિકિટો ખરીદી. ત્રણેય મહિલાઓ કાફેની દીવાલ પરનાં સુંદર પેઈન્ટિંગ નીચેના સોફા પર ગોઠવાઈ અને પુરુષે સંપૂર્ણ કાળા વસ્ત્રોમાં ઢંકાયેલી મહિલાઓનાં ફોટા લીધા – આસપાસના લોકો પણ નવાઈ પામી જોઈ રહ્યા હતા. એ ફોટામાં કાફેનાં સુંદર પેઈન્ટિંગ સિવાય શું ફ્રેમમાં આવ્યું હશે જેની આઈડેન્ટીટી હોય!
એ કાળા વસ્ત્રો નીચે તેમનું જીવન પણ ઢંકાઈ ગયું હશે ને!
બીજો દેશ-બીજું દૃશ્ય
૨૦૦૦માં લંડનમાં પપ્પાની જન્મશતાબ્દી ઉજવી જોર્ડન થઈ અમે બે બહેનો તેલઅવીવ-ઈઝરાયલ ગયા હતા. અમે વેઇલિંગ વોલ જોવા ગયા, વિલાપ કરતી દીવાલ. યુદ્ધમાં આખું મંદિર તોડી નખાયું. આ એક દીવાલ બચી ગઈ હતી, વિધ્વંસ અને હત્યાકાંડની સાક્ષી. ત્યાં પુરુષો નમાઝ પઢી શકે, સ્ત્રીઓ નમાઝ પઢે તો પુરુષો ગાળોનાં વરસાદ સાથે પથ્થરમારો કરે. મહિલાઓએ માર ખાઈને પણ વર્ષો સુધી વળતી લડત આપી, કોર્ટે ગઈ અને અમારે માટે હરખની વાત એ કે અમે દિવાલ પાસે હતા ત્યારે જ કોર્ટનો ચુકાદો મહિલાઓને પક્ષે આવ્યો. જાતજાતનાં અધિકારો માટે દુનિયાભરમાં મહિલાઓએ ખૂબ લડવું પડે છે. જીવનના મૂળભૂત અધિકાર માટે પણ લડવું પડયું છે, લડે છે, ઈશ્ર્વરને પ્રાર્થના કરવાનાં અધિકાર માટે પણ! જુદા જુદા રૂપે મહિલાઓને એ માટે રંજાડવાનું નિરંતર ચાલતું જ રહે છે.
ગઈ સપ્ટેમ્બર અધવચ મ્હાસા જીના અમીની, બાવીસ વર્ષની સ્વપ્નીલ આંખોવાળી સુંદર કુર્દિશ ઈરાની યુવતી. એની મોરાલિટી પોલીસે ક્રૂર હત્યા કરી. નિર્દોષ ગભરુ યુવતીનો એવડો તે મોટો કયો અપરાધ હતો! તેણે માથે સ્કાર્ફ બાંધી માથું પૂરેપૂરું ઢાંક્યું નહોતું. એ ભયાનક અપરાધ માટે એને એટલી મારવામાં આવી કે એ બેભાનીમાં હૉસ્પિટલમાં જ મૃત્યુ પામી પછી તો આપણે સહુ જાણીએ છીએ રોષનો, વિદ્રોહનો દાવાનળ ભભૂકી ઉઠયો, જે હજીયે ધખધખતો સળગી રહ્યો છે.
એમના બુલંદ સ્વરનું સૂત્ર છે ‘વીમેન, લાઈફ, ફ્રીડમ.’ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય બધી જ રીતે સ્ત્રીઓ પર રાજ્યનાં સખત પ્રતિબંધો સામે સ્ત્રીઓ રસ્તા પર ઊતરી આવી છે. અભૂતપૂર્વ દૃશ્યો ટી.વી. પર લાઈવ સહુએ જોયા. જેમાં સ્ત્રીઓ તેમનાં વાળ બાંધવાના સ્કાર્ફને ભરરસ્તે આગ ચાંપી રહી છે. તેમનાં વાળને ફટાફટ કાપી રહી છે અને ખુલ્લેઆમ શેરીઓમાં નાચતી ગાતી લહેરાઈ રહી છે. રાજ્યની રૂઢિચુસ્ત નેતાગીરી, સડેલી પિતૃૃસત્તાક પરંપરાને સીધો પડકાર આપી રહી છે, ડર્યા વિના. એમાં કેટલાક યુવાનોને પણ એ દૃશ્યોમાં સાથ આપતાં જોયા એ યુવતીઓ માટે તો હરખની ઘટના.
ખરી રીતે તો એક આશાભરી યુવતી અમીનીની હત્યા તો ટ્રીગર પોઈન્ટ હતું. વધતી જતી અસમાનતા, ગરીબી, રાજ્યની રૂઢિચુસ્ત દમનકારી પોલિસીને લીધે દુનિયાથી વિખૂટા પડી જવાની પીડા ઘણાં વખતથી લોકોમાં લબકારા લેતી હતી, પણ સરકારે દમનનો એવો કોરડો વીંઝયો કે ચારસોએક લોકોનાં મૃત્યુ થયાં અને નવેમ્બર સુધીમાં તો પંદરેક હજાર લોકોની ધરપકડથી જેલ ઠાંસોઠાંસ ભરાઈ ગઈ છે.
હિજાબ (એક પણ વાળ ન દેખાય એવો માથા અને છાતીને ઢાંકી દેતો હેડસ્કાર્ફ) આમ જુઓ તો કપડાનો ટુકડો નથી પણ એક રાજનૈતિક શસ્ત્ર છે. એક દમનકારી રાજ્ય માટે આમ તો હિજાબની ગણતરી જ શું! પણ, ના હિજાબ રાજ્યની ધાર્મિક સર્વોપરિતાનું પ્રતીક છે, એને ફગાવી દેવો એટલે સ્ત્રીઓનાં અધિકારોનું સમર્થન કરવું.
વીસમી સદીના આરંભમાં ચાદ રઝાં પહેલવીએ સમાજને આધુનિક ઓપ આપવા ૧૯૩૬માં સ્ત્રીઓને બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકયો. ૧૯૬૩માં તેનાં પુત્રે સ્ત્રીઓને મતાધિકાર આપ્યો એટલું જ નહીં ફેમિલી પ્રોટેકશન લો નીચે સ્ત્રીઓને છૂટાછેડા અને સંતાનોને કબજા માટે સમાનધિકાર આપ્યો હતો.
પછી શું થયું! ચકડોળનું ખાનું ઘૂમતું ઘૂમતું ઉપર પહોંચ્યું હતું તે નીચે પછડાયું. ૧૯૭૯માં આયાતોલ્લા ખોમેની જે સર્વોચ્ચ સત્તાસ્થાને ધાર્મિક નેતા બન્યો હતો એણે આ બધા અધિકારો છીનવી લીધા, પણ સ્ત્રીઓનો આ મૂવમેન્ટને ટેકો છે એ બતાવવા તેમનો મતાધિકાર રહેવા દીધો હતો અને રાજકારણમાં ભાગ લેવાના અધિકારને પણ.
ફરી ચક્ર ઊંધું ફરવા લાગ્યું હતું. ૧૯૭૯માં બરાબર મહિલા વર્ષને દિવસે જ ક્રાંતિનાં એક જ મહિના પછી સ્ત્રીઓ તહેરાનની શેરીઓમાં ઊતરી આવી, ફરજિયાત બુરખો પહેરવાનાં કાયદાને પડકારતી, પણ બહેરા કાને ઢોલ વાગે તો પણ કોને સંભળાય? ૧૯૮૦માં સરકારી ઑફિસોમાં સ્ત્રીઓએ ચાદર ઓઢવી પડતી અને થોડા સમયમાં તો હેડસ્કાર્ફ, ઘૂંટણ સુધીનો શરીર ન દેખાય એવો કોટ પહેરવાનો કાયદો જ બની ગયો. સ્ત્રીઓને તો હતા ત્યાં ને ત્યાં. મેઇકઅપ નેઈલપોલિશ જે સ્ત્રીઓ લગાડે તેને ૭૪ કોરડા ફટકારવાની સજા અને જેલમાં પણ પૂરાવું પડતું.
એટલું જ નહીં ઈસ્લામિક રીપબ્લિકે લગ્નની વય નક્કી કરી, કેટલી? નવ વર્ષ. છૂટાછેડા, બાળકોનાં કબજાનાં અધિકારો બધું જ એક ઝાટકે લઈ લીધું. એટલું જ નહીં, એડલ્ટરી – વ્યભિચાર માટે તો જાહેરમાં પથ્થર મારવાની સજા જાહેર કરી. બીજા એટલા બધા પ્રતિબંધો કે યાદી લાંબી ને લાંબી થતી જાય. જાણે સ્ત્રીઓને સખત જાપ્તામાં, આખી જિંદગી સખત કેદમાં જ રહેવાનું છે.
તોય સ્ત્રીઓ ચાર દાયકાથી આ જુલમ અને પ્રતિબંધો સામે લડત આપી રહી છે. એને પરિણામે થોડા ઉપરછલ્લા ફેરફારો થયા પણ એ ઉપરછલ્લા જ રહ્યા. દેખાવકારોની ધરપકડ અને મૃત્યુ થતાં રહ્યાં, છતાં યુવાવર્ગનો સ્પિરિટ અકબંધ રહ્યો છે. ટીકટોક પર શેરીઓમાં નાચતા ગાતા, પોસ્ટ થતા રહ્યા છે, હેડસ્કાર્ફ હવે ઘણી યુવતી ફેશન માટે ગળે લપેટે છે. સ્ત્રીઓનો રોષ આ જવાળામુખીમાંથી સતત લાવા બનીને વહેતો રહે છે.
કેવો સંયોગ છે! આ નાનો લેખ લખી રહી હતી ત્યાં અચાનક મારા મોબાઈલ પર કોઈએ વીડિયો મોકલ્યો. એક જર્મન કલાકાર જર્મનીમાં છપાયેલા આ ક્રાંતિ માટેનાં સુંદર કાવ્યને અંગ્રેજીમાં ઉતારી પિયાનો પર ગાઈ રહી હતી. સ્ટેજ પર ટજ્ઞશભય જ્ઞર ૠયળિફક્ષુ લોગો છે, અને ભરચક્ક શ્રોતાગણ. એ ગીત છે, સમાનતાનું, ગૌરવભર્યા અસ્તિત્વનું, સ્વાતંત્ર્યનું. સ્વાતંત્ર્ય સહુ માટે મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ અને ગૌરવભેર જીવવા માટેનું અને છેલ્લે એ ગીત છે, વીમેન, લાઈફ, ફ્રીડમનું. એ ગીત એટલું હૃદયસ્પર્શી છે કે સાંભળતા સ્તબ્ધ બની જવાયું. એણે કહ્યું આ ક્રાંતિનું રાષ્ટ્રગીત છે. પણ ખરી રીતે તો એ નારીનું રાષ્ટ્રગીત પણ છે.
દુનિયાભરમાં હંમેશાં રાષ્ટ્રના રાષ્ટ્રગીત હોય છે. હવે નારીના રાષ્ટ્રગીતનો સમય છે એવું નથી લાગતું.