વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી શરૂ થઈ ગઈ છે. WPLની પ્રથમ સિઝન એટલે કે મહિલા IPLની હરાજી મુંબઈમાં શરૂ થઈ ગઈ છે. આ વખતે WPLમાં 5 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં દિલ્હી કેપિટલ્સ વુમન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વુમન, મુંબઈ ઈન્ડિયન્સ વુમન, યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સનો સમાવેશ થાય છે. આ તમામ ટીમો મુંબઈમાં આયોજિત હરાજીમાં પોતાના ખેલાડીઓને લેવા માટે આવી છે.
તમામ ટીમ પાસે 12 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે, જેમાંથી તેમણે ખેલાડીઓને ખરીદવાના છે. હરાજીમાં સ્મૃતિ મંધાનાનું નામ પ્રથમ આવ્યું હતું, જેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 3 કરોડ 40 લાખ રૂપિયાની કિંમત ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કરી છે. 26 વર્ષની સ્મૃતિ મંધાના ડાબા હાથનો ઓપનિંગ બેટ્સમેન છે. તેણે અત્યાર સુધીમાં 112 T20 મેચોમાં 27.32ની એવરેજ અને 123.13ની સ્ટ્રાઈક રેટથી 2,651 રન બનાવ્યા છે. તેને ફ્રેન્ચાઇઝી કેપ્ટન પણ બનાવી શકે છે.
આ ઉપરાંત દીપ્તિ શર્માને યુપી વોરિયર્સે 2.60 કરોડ રૂપિયામાં ખરીદી છે. હરમનપ્રીત કૌરને મુંબઇ ઇન્ડિયન્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદી છે. તેની ખરીદી બાદ લાગે છે કે મુંબઇની ટીમને કેપ્ટન મળી ગઇ છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને ગુજરાત જાયન્ટ્સે 3.20 કરોડ રૂપિયામાં ખરીદી છે. ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયામાં ખરીદી છે.ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એલિસ પેરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રૂ. 1.70 કરોડમાં ખરીદી છે.