મુંબઈઃ લોકલ ટ્રેનમાં 27 વર્ષની મહિલાના વિનયભંગનો કિસ્સો તાજેતરમાં નોંધાયો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ લોકલ ટ્રેનમાં મહિલાનો વિનયભંગના કિસ્સાને કારણે ફરી લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે, એમ સંગઠને જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં દાદર-વિરાર લોકલ ટ્રેનમાં સોમવારે રાતના આ બનાવ બન્યો હતો. દાદરથી વિરાર લોકલ ટ્રેનના સેકન્ડ ક્લાસના કોચમાં 27 વર્ષની મહિલા મુસાફરી કરી રહી હતી ત્યારે તેના કોચમાં એક શખસ પણ આવ્યો હતો. વિરાર તરફ જતી ટ્રેન જ્યારે નાલાસોપારા સ્ટેશનમાં પ્રવેશી ત્યારે એક શખસ મહિલાના કોચમાં ચઢ્યો હતો, ત્યાર બાદ એ શખસ મહિલાની નજીક જઈને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત્યાર બાદ મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા ટ્રેનમાં અન્ય પ્રવાસીઓ આવીને એ શખસને પકડીને પોલીસને સોંપ્યો હતો. ધરપકડ કરવામાં આવેલા આરોપીની ઓળખ રફીક મહોમ્મદ ઈશક શેખ તરીકે કરવામાં આવી છે. આઈપીસી 354 અને 354એ અન્વયે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.