ગેરકાયદે સંબંધો જાળવવામાં પતિ અડચણરૂપ બની રહ્યો હતો. પત્ની આ સહન ન કરી શકી. પત્નીએ પોતાના માર્ગનો કાંટો કાઢવા માટે તાંત્રિકને સોપારી આપી અને પતિની હત્યા કરાવી. આ ઘટના મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના વસઈ સ્થિત નાયગાંવ વિસ્તારની છે . નાયગાંવમાં હત્યા કર્યા બાદ ફેંકી દેવાયેલી લાશની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી હતી અને ત્યારબાદ તપાસ આગળ ધપાવવામાં આવતા 48 કલાકમાં જ હત્યાનું સમગ્ર સત્ય સામે આવ્યું હતું. આરોપી પત્નીનું નામ આશિયા અંસારી છે.
આશિયા અંસારી ઉપરાંત પોલીસે આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં કમરૂદ્દીન મોહમ્મદ ઉસ્માન અંસારી, બિલાલ ઉર્ફે મુલ્લા નિઝામ પઠાણ અને સોફિયા બિલ્લા પઠાણનો સમાવેશ થાય છે. વસઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
27 જાન્યુઆરીના રોજ પોલીસને રસ્તાના કિનારે એક અજાણી લાશ મળી આવી હતી. આ કેસમાં વાલીવ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃતકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ પછી, પોલીસે નજીકના પોલીસ સ્ટેશનોમાં પૂછપરછ કરી કે શું કોઈ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે કે નહીં. તપાસ દરમિયાન પોલીસને મુંબઈના બાંગુરનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદ મળી હતી.
વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે મળી આવેલ લાશ ગુમ થયેલ વ્યક્તિની છે. પોલીસે બાંગુર નગર વિસ્તારમાં પૂછપરછ અને તપાસ આગળ ધપાવી હતી. આ તપાસમાં અંસારીના પાડોશમાં રહેતું દંપતી પણ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તે જોડીની શોધખોળ શરૂ કરી હતી. આ જોડી ટૂંક સમયમાં પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. તેમની પૂછપરછ કરતાં જ આ હત્યા કેસને લગતી તમામ ગૂંચ ઉકેલાઇ ગઇ હતી.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતકની પત્ની આશિયા જે કંપનીમાં કામ કરે છે તે કંપનીમાં તેની સાથે કામ કરતી વ્યક્તિ સાથે તેના ગેરકાયદેસર સંબંધ હતા. આ સંબંધમાં પતિ અવરોધ બની રહ્યો હતો. તેથી આશિયા અન્સારીએ તેના પડોશમાં રહેતા કપલ- બિલાલ ઉર્ફે મુલ્લા નિઝામ પઠાણ અને સોફિયા બિલ્લા પઠાણને તેની હત્યા કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.