એક કલાકના સર્ચ ઑપરેશન પછી મહિલાના મૃતદેહને બહાર કઢાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રાની પૉશ સોસાયટીમાં ફોન પર વાત કરતાં કરતાં મૅનહૉલમાંથી ડ્રેનેજ લાઈનમાં પડી ગયેલી ૪૧ વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડ અને પોલીસના એક કલાકના સર્ચ ઑપરેશન પછી મહિલાના મૃતદેહને ડ્રેનેજ લાઈનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પ્રકરણે ખેરવાડી પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મહિલાની ઓળખ નિપુર્ણ શ્રીવાસ્તવ તરીકે થઈ હતી. બાન્દ્રા પૂર્વમાં એમઆઈજી ક્લબ નજીકની સોસાયટીમાંના ફ્લૅટમાં મહિલા નવ વર્ષની પુત્રી સાથે રહેતી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની સાંજે સાડાછ વાગ્યાની આસપાસ બની હતી. સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતાં ચાલતાં મહિલા ફોન પર વાત કરી રહી હતી. થોડી વાર પછી તે બાઈક પાર્ક કરવાના સ્થળે ડ્રેનેજ લાઈન નજીકના એકાદ ફૂટ ઊંચા બાંધકામ પર બેઠી હતી. મહિલા જ્યાં બેસી હતી ત્યાં પાછળ મૅનહૉલનું ઢાંકણ તૂટેલું હતું, જેની તેને જાણ નહોતી.
દરમિયાન ફોન પર વાત કરતાં કરતાં તે થોડી પાછળની બાજુ સરકી હતી અને મૅનહૉલમાંથી ડ્રેનેજ લાઈનમાં પડી ગઈ હતી. ઘટનાને જોનારો એક શ્રમિક મદદ માટે દોડ્યો હતો, પણ મહિલા નજરે પડી નહોતી. તેણે તાત્કાલિક સિક્યોરિટી ગાર્ડ અને સોસાયટીના સભ્યોને આ અંગે જાણ કરી હતી.
બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક કલાકના સર્ચ ઑપરેશન પછી મહિલાને બહાર કાઢવામાં આવી હતી. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલી મહિલાને તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સોસાયટીમાંની ડ્રેનેજ લાઈન લગભગ ૧૫ ફૂટ ઊંડી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહિલા બૅન્કમાં નોકરી કરતી હતી. આ ઘટના પાછળ કોની બેદરકારી કારણભૂત છે તેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસ સોસાયટીના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પણ તપાસી રહી છે.