સામાન્ય રીતે લોકોમાં એવી છાપ હોય છે કે ફ્લાઇટમાં મુસાફરી કરનારા લોકો ખૂબ જ સંસ્કારી અને શિક્ષિત હોય છે. પણ સંસ્કારી હોવું અને શિક્ષિત હોવું એમાં ફરક છે. એ જરૂરી નથી કે શિક્ષિત વ્યક્તિ સંસ્કારી જ હોય. લોકોની આવી સામાન્ય માન્યતા ભંગ કરતા કિસ્સાઓ આજકાલ ફ્લાઇટમાં બની રહ્યા છે.
થોડા દિવસો પહેલા ડોમેસ્ટિક ફ્લાઈટમાં કેટલાક લોકોએ ગેરવર્તણૂક કરી હતી અને હવે વિસ્તારાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સાથે ઈટાલિયન મહિલાએ કંઈક આવું જ કર્યું છે. મહિલા અબુ ધાબીથી મુંબઈ આવી રહેલી વિસ્તારા એરલાઈનની ફ્લાઈટ (UK 256)માં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન તેણે ખૂબ દારૂ પીધો હતો. નશામાં ધૂત મહિલાએ કેબિન ક્રૂના સભ્યને મુક્કો માર્યો હતો અને અન્ય ક્રૂ મેમ્બર પર થૂંક્યું હતું. અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. તેણે ક્રૂ મેમ્બર્સ સાથે દલીલ કરી અને તેમની મારપીટ પણ કરી હતી અને પછી તેના કપડા ફાડી નાખ્યા હતા.
એરલાઇન કર્મચારીની ફરિયાદ પર કેસ નોંધનાર સહાર પોલીસના જણાવ્યા અનુસાર, આ અપમાનજનક મહિલા પેસેન્જર ઇટાલીની છે અને તેનું નામ પાઓલા પેરુચિયો છે. મહિલા ભારે નશામાં હતી, જેના કારણે પહેલા તેની ધરપકડ કરવામાં આવી અને પછી 25,000 રૂપિયાના દંડ પર જામીન આપવામાં આવ્યા હતા. વિસ્તારા એરલાઈનના જણાવ્યા અનુસાર મહિલા નશામાં હતી. જ્યારે તે પોતાની સીટ પરથી ઉભી થઈ અને બિઝનેસ ક્લાસ સીટ પર બેસવા લાગી તો ક્રૂ મેમ્બરોએ તેનો વિરોધ કર્યો હતો અને તેને સીટ પરથી ઉઠવા કહ્યું હતું. આના પર મહિલાએ ગુસ્સામાં આવીને ક્રૂ મેમ્બરના મોઢા પર મુક્કો માર્યો હતો. તે જ સમયે, જ્યારે અન્ય ક્રૂ મેમ્બરે મહિલાને રોકવાની કોશિશ કરી તો મહિલાએ પણ તેના પર થૂંક્યું હતું. મહિલા આટલેથી જ ન અટકી, તેણે તેના કપડાં ફાડી નાખ્યા હતા અને ફ્લાઈટમાં ફરવા લાગી હતી અને અન્ય મુસાફરોને પણ હેરાન કરવા લાગી હતી.