અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
હે જી સમજણ વિના સુખ નહીં જંતને, વસ્તુ ગતિ કેમ રે ઓળખાય,
આપને દીસે રે આપનો આતમા, તેણે કાંઈ જીવપણું નહીં જાય…
(આપ દરશે રે આપમાં, તો તો હું પદ સહેજે જાય… )
સમજણ વિના સુખ નહીં જંતને…૦
હે જી રવિ રવિ કરતાં રે, રજની નહીં મટે રે, અંધારૂં તો ગ્યા પછી જ જાય,
રૂદિયામાં રવિ ગે રે, નિજ ગુરુ જ્ઞાનનો, થાનારું હોય તે સે’જે થાય..
(અંજવાળું તો સહેજે થાય..)
સમજણ વિના સુખ નહીં જંતને…૦
હે જી જળ જળ કરતાં રે, તૃષ્ણા નહીં ટળે, ભોજન કહેતાં ન ભાંગે ભૂખ,
પ્રેમ રસ પીતાં રે, તરસું તરત ટળે, એમ મહા જ્ઞાની બોલે છે મુખ઼.
(બ્રહ્મ રસ પીધે રે, તૃષ્ણા ટળી જશે, થઈ જાય આનંદ મહા સુખ઼.)
સમજણ વિના સુખ નહીં જંતને…૦
હે જી પારસમણિ વિના રે, જે પથરા મળે,તેણે કાંઈ લોઢાં કંચન ન થાય,
સમજ્યા વિનાના રે સાધન જે કરે,એથી કાંઈ અખરાતીત નો થવાય..
(એ થી કાંઈ જીવપણું નો જાય..)
સમજણ વિના સુખ નહીં જંતને…૦
હે જી દસ મણ અગ્નિ રે, લખીએ કાગળ પરે, એને લઈ રૂ માં આલેપાઈ,
એની અગનથી રૂ નથી દાઝતું, એક રતિ અડ્યે સાચો પ્રલય થાય..
સમજણ વિના સુખ નહીં જંતને…૦
હે જી જીવપણું મટે રે, જો અનહદ ચિંતવે, એનો વાણી રહિત છે વિચાર,
જે જે નર સમજ્યા ઈ તો ન્યાં શમ્યા, કહી અખો ઉતર્યા પેલે પાર..
(કહે અખો સમજ્યા તે ખરા, શમીને તરે ભવ પાર…)
સમજણ વિના સુખ નહીં જંતને.
આ ભજન રચના કોઈ કોઈ ભજનિકો મૂળદાસજીના નામાચરણ સાથે પણ ગાય છે. પણ ખરેખર તો જ્ઞાનમાર્ગી કવિ અખા ભગતની આ રચના છે. આમાં કહેવાયું છે કે – જ્યાં સુધી સાચી સમજણ નથી આવતી ત્યાં સુધી કોઈપણ વસ્તુની કે એની ગતિની ઓળખાણ નથી થતી.ક્યારેક હઠયોગથી, આત્મસાક્ષ્ાાત્કાર થઈ જાય,પોતાના આત્માની ઓળખાણ થઈ જાય તો પણ એનું જીવપણું નથી જતું. બીજા એક પાઠાંતરમાં કહેવાયું છે કે જો પોતાની અંદર જ દ્રષ્ટિપાત કરીને, અંતર્યાત્રા કરીને પોતે કોણ છે એ જાણીને પોતાની જાતની ઓળખાણ કરી લે તો સહેજમાં જ એનું હુંપણું, એનો અહંભાવ ટળી જશે.
આ વાતને વધારે સ્પષ્ટ કરવા અખા ભગત કેટલાંક દ્રષ્ટાંતો આપે છે. અને જણાવે છે કે રવિ..રવિ.. એમ બોલ્યા કરીએ એથી રાત્રિનો અંધકાર ટળતો નથી, અંધારૂં તો સૂર્ય ગ્યા પછી જ જાય, એમ મનુષ્યના અંતરમાં નિજગુરુ જ્ઞાનનો સૂર્યોદય થાય તો આત્મજ્ઞાન રૂપી અંજવાળું સહેજે થઈ જાય. અને જે થનારૂં હોય એ સહેજે થયા કરશે એમ સંપૂર્ણ સ્વીકાર અને શરણાગતિની ભૂમિકાએ સાધક પહોંચી જાય છે. એ જ રીતે પાણી.. પાણી… પાણી… એમ સતત રટણ ર્ક્યા કરીએ છતાં આપણી તૃષ્ાા-તરસ છીપાતી નથી, ભોજનનું નામ લીધા કરીએ એથી ભૂખ ભાંગતી નથી, એ માટે તો ખરેખર પાણી કે ભોજન આપણને મળવાં જોઈએ. પ્રેમરસ કે બ્રહ્મરસનું પાન કરતાં તમામ પ્રકારની તૃષ્ણા ટળી જશે અને ખરેખરા આનંદ કે પરમ સુખની પ્રાપ્તિ થઈ જશે. સાચો પારસમણિનો સ્પર્શ જ લોખંડમાંથી કંચન-સોનું બનાવી શકે, એ રીતે કોઈપણ સાધક સાચી સમજણ વિના અનેક પ્રકારની સાધના ર્ક્યા કરે તેથી અક્ષ્ારાતીત થઈ શક્તો નથી, અને એનું જીવપણું દૂર થતું નથી. દસ મણ વજન થાય એટલા કાગળના જથ્થા ઉપર અગ્નિ… અગ્નિ… અગ્નિ… એમ લખ્યા કરીએ અને પછી એ કાગળના જથ્થાને રૂમાં વીંટાળીએ એથી રૂમાં આગ લાગતી નથી, પરંતુ સાચા અગ્નિનો એક જ તણખો રૂમાં પડે તો પ્રજળીને પ્રલય કરી મૂકે. માટે અનહદનું ચિંતન, વાણીરહિત વિચાર, શબ્દ દ્વારા શબ્દાતીત તરફ ગતિ કરનારા સાચા સાધક જ આત્મસાક્ષ્ાાત્કાર કરીને પરમાત્મ સાક્ષ્ાાત્કારની ભૂમિકા સુધી પહોંચે છે અને સંસારસાગરને પેલે પાર પહોંચીને ભવપાર કરી જાય છે. આપણા સંતો વારંવાર અનેક પ્રકારનાં દ્રષ્ટાંતોથી આ વાત સમજાવવા કોશિશ ર્ક્યા કરે છે.
એક રાજાને જંગલમાં તરસ લાગી, એક ગરીબ માણસે પાણી પાયું, રાજા પ્રસન્ન, પોતાના રાજમાં લઈ ગયો અને ચંદનના બગીચાની રખેવાળી સોંપી. અને કહેલું કે તારી જરૂરત પડે એમ બગીચામાં પડેલી સૂકી ડાળી વેચવી. એ અબૂધ માણસ ચંદનનું મૂલ્ય નહોતો જાણતો.
એટલે સૂકી ડાળીઓ ખલાસ થઈ જતાં દરરોજ ચંદનની લીલી ડાળીઓ કાપીને બળતણની ભારીવાળાને વેચવાનું શરૂ ર્ક્યું… એક દિવસ રાજા આવ્યો, એણે જોયું કે આ અબૂધને કશી જ ખબર નથી કે આ ચંદનના ટુકડાનું મૂલ્ય કેટલું હોય. એણે એક નાનકડો ટુકડો આપીને કહ્યું કે જા આને ગાંધીની દુકાને વેચી આવ… એ નાનકડા ટુકડાના પચાસ રૂપિયા આવ્યા. ત્યારે રાજાએ કહ્યું : મૂરખ તેં જોઈ લીધું ને કે હજારો રૂપિયાનો માલ તેં પાંચ-પચીસ રૂપિયામાં વેચી નાખ્યો છે .
આ શરીર પણ ચંદનનું વૃક્ષ્ા છે. પણ આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોથી આપણે ખોટનો જ વેપાર ર્ક્યા કરતા હોઈએ છીએ.