Homeઈન્ટરવલવીથ લવ ફ્રોમ રશિયા હવે રશિયા ઠાલવશે ભારતીય શૅરબજારમાં નાણાંનો ધોધ!

વીથ લવ ફ્રોમ રશિયા હવે રશિયા ઠાલવશે ભારતીય શૅરબજારમાં નાણાંનો ધોધ!

રશિયન ઇન્વેસ્ટર્સ પહેલી જ વખત એફડીઆઇને સ્થાને અપનાવશે એફપીઆઇનો માર્ગ!

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

આપણે આ સ્થળે પાછલા અંકમાં જ વાત શરૂ કરી હતી કે, ભારત અને રશિયા વચ્ચે ફરી સુમેળભર્યા સંબંધોની મોસમ ખીલી રહી છે અને રશિયા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હવે આપણે આ ચતુષ્કોણની બીજી બાજુ જોઇએ તો એવું લાગે છે કે આ મોસમ સોળે કળાએ ખીલશે અને આગળ જતાં ભારતીય અર્થતંત્રમાં રશિયાની ભૂમિકા ઉત્તરોત્તર વધુ બળવત્તર બનતી જશે.
આપણે પાછલા લેખમાં જોયું કે ભારતીય વાણિજ્ય વિભાગ રશિયા સાથેના વ્યાપારી સંબંધોને મજબૂતી બનાવવા માટે કેવાં પગલાં લઇ રહી છે, હવે એ જાણીએ કે નવી ઘટનામાં રશિયા તરફથી શું થઇ રહ્યું છે. હવે રશિયા ઠાલવશે ભારતીય શૅરબજારમાં નાણાંનો ધોધ! આની પાછળનાં આર્થિક અને તાર્કિક કારણો પણ છે, છતાં આપણે રશિયા સાથે દાયકાઓથી લાગણીના તાંતણે પણ જોડાયેલા છીએ.
ખાસ કરીને શૅરબજારમાં હિત અને રસ ધરાવનાર વર્ગ માટે સારા સમાચાર એ છે કે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ત્રણ રશિયન કંપનીઓને એફપીઆઇ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) તરીકે લાઇસન્સ મળ્યું છે.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીઝના તાજા ડેટા અનુસાર, સેબી પાસેથી એફપીઆઈ લાઇસન્સ મેળવનાર ત્રણેય રોકાણકારો મોસ્કો સ્થિત છે. જેમાં, આલ્ફા કેપિટલ મેનેજમેન્ટ કંપની કેટેગરી-વન અને કેટેગરી – ટુ બન્નેમાં રજિસ્ટર થઇ છે. ઉપરાંત, એક વ્યક્તિ વ્સેવોલોદ રોઝાનોવની નોંધણી કેટેગરી-અંતર્ગત થઇ છે. તેમને આપવામાં આવેલ લાઇસન્સની અવધિ ૨૦૨૬ની શરૂઆત સુધી ત્રણ વર્ષ માટે માન્ય છે.
એ વાતની ખાસ નોંધવી રહી કે, રશિયાના રોકાણકારોએ ભારતમાં રોકાણ કરવા માટે એફપીઆઈનો માર્ગ પસંદ કર્યો હોય તેવું આ પ્રથમ ઉદાહરણ હોઈ શકે છે. આ પહેલા તેઓ મોટાભાગે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)નો માર્ગ અપનાવતા હતા.
અલબત્ત વાત જ્યારે ટ્રેડિંગની આવે ત્યારે આર્થિક કારણો પણ હોવાના જ! નિષ્ણાતો માને છે કે ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી યુએસ અને યુરોપિયન યુનિયન દ્વારા દેશ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને પગલે રશિયન રોકાણકારો ભારતીય બજારો પર નજર માંડી રહ્યા છે.
રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે અનામત ચલણ તરીકે ડૉલરના વિકલ્પો પર ગંભીર ચર્ચા થઈ રહી છે. રશિયન રોકાણકારો અને અન્ય એન્ટિટી, જે ભારતીય મૂડી બજારમાં રોકાણ કરવા માગે છે તેમના સંદર્ભમાં આ બાબત સમજાઇ શકે છે. જોકે એ પણ નોંધવું કે, ભૌગોલિક વૈવિધ્યતા ભારત માટે પણ સારી અને લાભદાયી છે.
આપણે વિગતોની વધુ ઊંડે ઉતરીએ તો સમજાય છે કે, રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં તીવ્ર વધારા સાથે, ભારત સાથે રશિયાના દ્વિપક્ષીય વેપાર સરપ્લસમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સંતુલનનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે રશિયા પાસે ભારતીય માલસામાન અને સેવાઓની આયાત વધારવાની બહુ ઓછી તક છે. ઉપરાંત મોટાભાગની પુરાંત રૂપિયા આધારિત છે, જે ફંડનો અન્ય હેતુઓ માટે ઉપયોગ થવાની સંભાવનાને ઘટાડે છે. આ જોતાં રશિયા સરપ્લસનો ઉપયોગ મુખ્યત્વે ભારતમાં રોકાણ માટે કરી શકે છે.
આ રીતે જોઇએ તોે ઇક્વિટી, ડેટ અને સંભવત: કોમોડિટીઝમાં ટૂંકા ગાળાના પોર્ટફોલિયો રોકાણો તેથી સંતુલનનો ઉપયોગ કરવાનો સૌથી સરળ રસ્તો છે. આ પરિસ્થિતિ ભારતીય રોકાણકારો માટે ચોક્કસ લાભદાયી નિવડશે, એમ માની શકાય. એક અંદાજ અનુસાર રશિયા અને ભારત વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય ટ્રેડ સરપ્લસ ત્રીસેક અબજ ડૉલરની રેન્જમાં હોઈ શકે છે જે સૂચવે છે કે ભારતમાં રશિયન પોર્ટફોલિયો રોકાણ નજીકના ભવિષ્યમાં નોંધપાત્ર હોઈ શકે છે.
ભારતમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો તરીકે સેબીની ત્રણ રશિયન એન્ટિટીની નોંધણી એ જ કારણસર અત્યંત મહત્ત્વની છે કે, આનાથી ભારતમાં ખૂબ જ નોંધપાત્ર મૂડીપ્રવાહ શરૂ થઇ શકે છે અને ભારતીય ઇક્વિટી અને ડેટ માર્કેટ પર તેની નોંધપાત્ર હકારાત્મક અસર કરી શકે છે.
આપણને ખટકે અથવા તો નાપસંદ આવે એવી બાબતમાં રશિયા ઉપરાંત, ઓછામાં ઓછી ૧૬ ચાઇનીઝ સંસ્થાઓને ભારતમાં એફપીઆઇ તરીકે કાયમી નોંધણી મળી છે. ભારત સરકાર અને નિયમનકારોએ અમેરિકન શૅરબજારમાં ‘ચાઇનીઝ ઇન્વેઝન’ના દુષ્પરિણામોનો ગંભીરતાથી સત્વરે અભ્યાસ કરવાની આવશ્યકતા છે. આ ઉપરાંત, ભારતમાં એફપીઆઈ તરીકે ૨૧૭હોંગકોંગ સ્થિત અને ૧૨૪ તાઈવાનની એન્ટિટી નોંધાયેલી છે.
બજાર નિયામક સેબીએ ૨૦૨૦માં, એફપીઆઇ નિયમનોમાં ફેરફાર કર્યા હતા અને ‘સુનિયંત્રિત’ એફપીઆઇ શ્રેણી હેઠળ નોંધણી મેળવવા માગતા ઑફશોર ફંડ્સ માટે નિયમો હળવા બનાવ્યાં હતાં. ફેરફાર અન્વયે, જો કેન્દ્ર સરકાર પરવાનગી આપે તો ‘નોન-એફએટીએફ કમ્પ્લાયન્ટ’ દેશોમાંથી આવનારા ફંડો પણ એફપીઆઇ લાઇસન્સ મેળવી શકે છે.
એફએટીએફ, એ આંતર-સરકારી નીતિ બનાવતી સંસ્થા છે જે મની લોન્ડરિંગ વિરોધી ધારાધોરણો નક્કી કરે છે. સંખ્યાની દ્રષ્ટિએ, સૌથી વધુ રજિસ્ટર્ડ એફપીઆઈ અમેરિકા (૩,૪૮૫) પાસે છે, ત્યારબાદ લક્ઝમબર્ગ (૧,૩૫૩), કેનેડા (૮૨૫), આયર્લેન્ડ (૭૩૮), યુકે (૬૮૪), મોરેશિયસ (૫૮૯) અને સિંગાપોર (૫૬૭)નો ક્રમ છે.
જ્યારે ભંડોળના પ્રવાહની વાત આવે છે, એફપીઆઇની કસ્ટડી હેઠળની સંપત્તિની દ્રષ્ટિએ દસ સૌથી મોટા દેશોમાં અમેરિકા, સિંગાપોર, લક્ઝમબર્ગ, મોરિશિયસ, યુકે, આયર્લેન્ડ, કેનેડા, નોર્વે, જાપાન અને ફ્રાન્સ છે. એનએસડીએલના ડેટા અનુસાર આ દસ દેશો મળીને રૂ. ૫૦.૮૫ લાખ કરોડની એફપીઆઇની કસ્ટડી હેઠળની કુલ સંપત્તિના ૮૩ ટકા હિસ્સો ધરાવે છે.
સંક્ષિપ્તમાં યુદ્ધથી કદી કોઇનું કલ્યાણ થતું નથી, પરંતુ આપણે આપણા જૂના મિત્ર રાષ્ટ્ર સાથેના આર્થિક સંબંધો વધુ ગાઢ બનાવવાની તક મળી ગઇ છે. એક તરફ રશિયાના સસ્તા ખનીજ તેલના કારણે અર્થતંત્રને ટેકો મળી રહ્યો છે, તો બીજી તરફ રશિયન ઇન્વેસ્ટર્સના આગમનને કારણે રોકાણકારોને પણ લાભ થવાની સંભાવના ઊભી થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -