Homeમેટિનીડહાપણની દાઢ!

ડહાપણની દાઢ!

અક્ષય કુમારે ફિલ્મમાં કામ કરવાની ફીમાં ઘટાડો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે આમિર ખાન ઍક્ટિંગમાં બ્રેક લઈ નિર્માણમાં વ્યસ્ત રહેવા માગે છે

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

રિલીઝ થયેલી હિન્દી ફિલ્મની સફળતા વિશે કેવી ભયંકર અનિશ્ર્ચિતતા પ્રવર્તે છે એનું ઉદાહરણ અમિતાભ બચ્ચનની કેફિયતમાં નજરે પડ્યું. તાજેતરમાં તેમના લોકપ્રિય ગેમ શોમાં અમિતજીએ હાજર લોકોને વિનંતી કરી હતી કે ‘થિયેટરમાં જઈ ટિકિટ ખરીદી પિક્ચર જોવાની મજા જ અલગ છે. કૃપા કરીને મારી તસવીર જોવા (ઊંચાઈ ફિલ્મ તરફ ઈશારો) થિયેટરમાં જરૂર જજો. આજકાલ થિયેટરમાં ફિલ્મ જોવા કોઈ નથી જતું. હાથ જોડીને કહું છું કે ટિકિટ લઈને અમારી ફિલ્મ જોવા થિયેટરમાં જજો.’ પછી એ જ શોમાં હાજર રહેલાં નીના ગુપ્તા અમિતજીને અનુરોધ કરે કે ‘ટિકિટના ભાવ ૩૦૦ – ૪૦૦ રૂપિયાથી ઘટીને ૧૫૦ રૂપિયા કરવામાં આવ્યા છે એ પણ ઓડિયન્સને જણાવો.’ એકંદરે પ્રેક્ષક માઈ- બાપને આજીજી કરવામાં આવી રહી છે, તેમની સમક્ષ ખોળો પાથરવામાં આવી રહ્યો છે કે ‘થિયેટર મોરે પ્રેક્ષકિયા, આવો પધારો પિયા.’ આવી જ એક કોશિશ અક્ષય કુમારે પણ તાજેતરમાં કરી છે. આ વર્ષે ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘રક્ષા બંધન’, ‘કટ પુતલી’ (ઓટીટી પ્લેટફોર્મ) અને ‘રામ સેતુ’ બોક્સ ઓફિસ પર જમીનદોસ્ત થયા પછી અક્ષય કુમાર અચાનક ડાહી ડાહી વાતો કરવા લાગ્યો છે. ડામાડોળ અવસ્થામાંથી ઈન્ડસ્ટ્રીને બહાર લાવવા મિસ્ટર કુમારે કેટલાંક સૂચનો કર્યાં છે. અલબત્ત એના મુદ્દા આવકારદાયક છે, પણ આ વિચાર સળંગ પાંચ ફિલ્મ ફ્લોપ થયા પછી આવ્યો હોવાથી અક્ષયને ડહાપણની દાઢ ફૂટી એવી ગુસપુસ થઈ રહી છે. અલબત્ત તબીબી વિજ્ઞાન અનુસાર સોળેક વર્ષની ઉંમરે ડહાપણની દાઢ ફૂટે ત્યારે બહુ પીડા થાય છે. જોકે, ૩૨ વર્ષની ફિલ્મ કારકિર્દી પછી અક્ષયને ડહાપણની જે દાઢ આવી હોવાની માન્યતા છે એ રાહત આપનારી સાબિત થઈ શકે. ટૂંકમાં એના શબ્દાર્થને સાર્થક કરનારી છે. આ સિવાય ઝપાટાબંધ ફિલ્મ પૂરી કરવાની એની સ્ટાઈલ સામે પણ આંગળી ઉઠાવવામાં આવી રહી છે. એક જાહેર પરિસંવાદમાં અક્ષયની રજૂઆત હતી કે ‘સિનેમા માટેનો દ્રષ્ટિકોણ બદલાયો હોવાનું મારું માનવું છે. દર્શકો કંઈક અલગ, અનોખું પડદા પર જોવા માગે છે. ફિલ્મમેકિંગ સાથે સંકળાયેલા લોકોએ વિચાર વિમર્શ કરી તેમની અપેક્ષા સંતોષવી જોઈએ. એમની અપેક્ષા સમજી એના પર ફેરવિચાર કરવો જરૂરી છે. અત્યાર સુધી જે કર્યું એ બધું ફગાવી નવેસરથી શરૂઆત કરવી જરૂરી છે. મહામારીના સમયમાં દર્શકોની રુચિ બહુ ઝડપથી બદલાઈ ગઈ છે.’ આવી સુફિયાણી વાતો કર્યા પછી મુદ્દાની વાત અભિનેતા કરે છે કે ‘માત્ર એક્ટરોએ જ નહીં, પણ નિર્માતા અને થિયેટર માલિકોએ પણ યોગદાન આપવાની જરૂર છે. મારી વાત કરું તો હું ફિલ્મ કરવા માટે જે પૈસા લઉં છું એમાં ૩૦થી ૪૦ ટકા ઘટાડો કરવા તૈયાર છું. મંદીનો સમય ચાલી રહ્યો છે એ વાત થિયેટર માલિકોએ પણ સમજવી જોઈએ. ઓડિયન્સના ખિસ્સામાં ઝાઝા પૈસા નથી. ફિલ્મ જોવા બહુ પૈસા ખર્ચવાની હવે તેમની તૈયારી નથી. દરેક દિશામાં બદલાવ આવે એ જરૂરી છે. એક્ટર ફી ઘટાડે, થિયેટર માલિક ભાડું ઘટાડે અને નિર્માતા ફિલ્મ બનાવવાના બજેટમાં ઘટાડો કરે એ જરૂરી છે.’ અક્ષય કુમારની વાત સાંભળવામાં તો સારી લાગે છે પણ અન્ય એક્ટરો, ફિલ્મ નિર્માતાઓ અને થિયેટર માલિકો આ મુદ્દા સાથે સહમત થશે કે નહીં એનો જવાબ મળશે ખરો એવો સવાલ ઊભો થાય તો એ સ્વાભાવિક કહેવાય. બીજી એક મહત્ત્વની વાત એ છે કે શું અક્ષય કુમાર ૨૦૨૩માં તેની આવનારી પાંચેક ફિલ્મો માટે લીધેલા પૈસામાંથી ૩૦ – ૪૦ ટકા એ
ફિલ્મો રિલીઝ થાય એ પહેલા પાછા આપી પહેલ કરશે? એનો જવાબ તો અક્ષય જ આપી શકે. એકંદરે આર્થિક વળતરની બાબતે લથડિયાં ખાઈ રહેલી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફી ધમધમતી કરવા એક્ટરની ફીમાં ઘટાડો, બજેટમાં કાપ, થિયેટર માલિકો દ્વારા ભાડામાં રાહત અને ટિકિટના ઓછા દર જેવા પ્રયાસો પર ભાર આપવામાં આવી રહ્યો છે.
ડહાપણની દાઢ માત્ર અક્ષય કુમારને જ ઊગી એવું નથી. ‘લાલસિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતા પછી આમિર ખાનએ દોઢ – બે વર્ષ માટે અભિનયમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. ‘લાલસિંહ ચઢ્ઢા’ સામે દર્શકોએ આંખો લાલ કરી એને જાકારો આપ્યા પછી મિસ્ટર પર્ફેક્શનિસ્ટ ૨૦૧૮ની સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ની રિમેકમાં કામ કરવાનો હતો. જોકે, તાજેતરમાં દિલ્હીમાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં આમિરે ખુલાસો કર્યો હતો કે હવે કેવળ નિર્માતા તરીકે એ આ ફિલ્મ સાથે જોડાશે, અભિનય નહીં કરે. આ નિર્ણય પાછળનું કારણ આપતા તેણે જણાવ્યું હતું કે ‘હું ફિલ્મમાં એક્ટિંગ કરું છું ત્યારે એમાં એ હદે ખોવાઈ જાઉં છું કે જીવનમાં એ ફિલ્મ સિવાય કોઈ પણ અન્ય બાબતને સ્થાન નથી રહેતું. હું ૩૫ વર્ષથી સતત ફિલ્મો કરી રહ્યો છું. મારે હવે બ્રેક લઈ પરિવાર સાથે સમય વિતાવવો છે. ‘ચેમ્પિયન્સ’ની કથા બહુ જ સરસ છે અને સ્પેનિશ ફિલ્મ પણ બહુ જ મજાની છે. પણ મારે એકટિંગમાંથી બ્રેક લેવો છે.’ આમિર ખાન ભલે પરિવાર સાથે રહેવા માટે એક્ટિંગથી દૂર રહેવાની વાત કરતો હોય, પણ એવું કહેવાય છે કે સિને રસિકોને હવે આમિરની ફિલ્મ જોવામાં પહેલા જેવી રુચિ નથી રહી. એટલે અભિનયથી આઘા રહેવાનો આમિરનો નિર્ણય ડહાપણભર્યો ચોક્કસ છે. આમ પણ વિવેક અગ્નિહોત્રીનું માનવું છે કે ‘જ્યાં સુધી કિંગ, બાદશાહ અને સુલતાન બોલીવૂડમાં હશે, હિન્દી સિનેમાની પડતી ચાલુ રહેશે.’ ‘ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટરે નામ નથી આપ્યા પણ તેમનો ઈશારો કોની તરફ છે એ સમજવું જરાય અઘરું નથી, બરોબર ને?
———–
અહંકાર કે આત્મવિશ્ર્વાસ!
શાહરૂખ ખાન ઉમદા અભિનેતા છે એ વિશે બહુમત છે, પણ એક માણસ તરીકે એનો આત્મવિશ્ર્વાસ સરહદ ઓળંગી અહંકારનું સ્વરૂપ ધારણ કરે છે એવી ચર્ચા અનેક વાર થઈ છે. ચાર વર્ષ સુધી ફિલ્મના પડદે ગેરહાજર રહેલો શાહરુખ ખાન (તેની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ પિટાઈ ગઈ હતી અને આ વર્ષની ‘રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં એસઆરકેની હાજરી મહેમાન કલાકાર જેવી હતી) એમ કહે કે ‘મારી બધી ફિલ્મ સુપરહિટ થશે’ તો એ વાતને કિંગ ખાનનો અહંકાર ગણવો કે આત્મવિશ્ર્વાસ માનવો એવો ગણગણાટ ફિલ્મ વર્તુળમાં થઈ રહ્યો હોય તો એની નવાઈ ન લાગવી જોઈએ. આવતા વર્ષના પ્રારંભમાં શાહરુખની ‘પઠાન’ રજૂ થવાની છે જેને એની કમબેક ફિલ્મ ગણાવાઈ રહી છે. ત્યારબાદ ‘જવાન’ અને પછી રાજકુમાર હિરાણીની ‘ડંકી’ રિલીઝ થશે. આ વાતાવરણમાં કિંગ ખાન નર્વસનેસ અનુભવતો હોય એવી માન્યતા પ્રવર્તતી હોય એ સ્વાભાવિક છે. જોકે, શાહરૂખ ખાને એના અંદાજમાં કહ્યું હતું કે ‘હું જરાય કરતા જરાય નર્વસ નથી. આ બધી ફિલ્મ સુપરહિટ થવાની છે. આ મારો અહંકાર નથી, પણ મારો આત્મવિશ્ર્વાસ છે જે ૨૪ કલાક મારી રગેરગમાં ધબકે છે. ૫૭ વર્ષની ઉંમરે હું રોજના ૧૮ કલાક કામ કરું છું અને મારા સ્ટંટ જાતે કરું છું. હું જે ફિલ્મ કરું છું એ મોટાભાગના દર્શકોને પસંદ પડશે એવું જો હું ન માનતો હોઉં તો એ ફિલ્મ હું કરી જ ન શકું. એટલે આત્મવિશ્ર્વાસથી છલકાતા મારા આ નિવેદનને અહંકાર કે ઘમંડ નહીં માનતા. એને મારી શ્રદ્ધા, મારો આત્મવિશ્ર્વાસ ગણજો. સ્કૂલમાં ભણતો બાળક જ્યારે કહે કે ‘મેં પરીક્ષા માટે સખત મહેનત કરી છે અને હું બહુ સારા માર્કથી પાસ થઈશ’, બસ એવી જ લાગણી હું અત્યારે અનુભવી રહ્યો છું. ફિલ્મની સફળતા બાબતે જે અનિશ્ર્ચિતતાનું વાતાવરણ જોવા મળે છે એ સંદર્ભમાં શાહરુખ ખાનનું કહેવું છે કે ‘હા, ક્યારેક ‘ઝીરો’ જેવી કામગીરી થાય છે પણ બીજી તરફ અન્ય કોશિશ રંગ પણ લાવે અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પણ બની જતી હોય છે.’

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -