નાગપુરઃ શિયાળુ સત્રના છેલ્લા દિવસે પણ વિરોધ પક્ષનું વલણ આક્રમક રહ્યું હતું અને તેમણે વિધાન પરિષદના પગથિયા પર આંદોલન કર્યું હતું. હાથમાં કાળી ટોપી લઈને મહાવિકાસઆઘાડી (એમવીએ)ના વિધાનસભ્યોએ રાજ્યપાલ ભગતિસંહ કોશિયારી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ તો ચાલુ જ છે અને આ બધા વચ્ચે મહાવિકાસઆઘાડીએ મોટું પગલું લઈને વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સામે અવિશ્વાસાનો પ્રસ્તાવ દાખલ કરતો પત્ર વિધાનસભાના સચિવને સોંપ્યો હતો. આ માગણીને પગલે હવે વિધાનસભા સચિવ રાજેન્દ્ર ભાગવત શું નિર્ણય લે છે એના પર લોકો મીટ માંડીને બેઠા છે. જોકે આ બધા વચ્ચે જોવાની વાત તો એ હતી કે વિધાનસભા અધ્યક્ષના વિરુદ્ધ અવિશ્વાસનો ઠરાવ પસાર કરવા મુદ્દે મહાવિકાસઆઘાડીમાં જ મતભેદ જોવા મળ્યો હતો. આ ઠરાવ ટેક્નિકલ કારણોસર ટકી રહે એ શક્યતા ધૂંધળી હોવાને કારણે અજિત પવારે તેના પર સહી ના કરી હોવાની માહિતી મળી છે, તેથી અવિશ્વાસના ઠરાવ પર હાલમાં તો ત્રણે પક્ષમાં એકમત ના હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.