(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગરમી અને ઉકળાટને કારણે મુંબઈગરા હેરાન પરેશાન થઈ ગયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો ૩૫ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. જોકે સોમવારે મહત્તમ તાપમાનમાં સરેરાશ ત્રણ ડિગ્રીની આસપાસ ઘટાડો જોવા મળ્યો હતો.
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી ગરમી અને બફારો થઈ રહ્યો છે. શિયાળાની મોસમ હોવા છતાં ઉનાળા જેવી આકરી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે.
મુંબઈમાં સતત બે દિવસ ગરમીનો પારો ઊંચો નોંધાયો હતો. પૂરા દેશમાં સૌથી વધુ ગરમી મુંબઈમાં ૧૬ ડિસેમ્બરના ૩૫.૯ ડિગ્રી જેટલી ઊંચી નોંધાઈ હતી. જોકે સોમવારે પારો સરેરાશ ત્રણ ડિગ્રી જેટલો નીચે ઊતર્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૨.૦ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી તો લઘુતમ તાપમાન ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતું. સોમવારે મુંબઈમાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૩૯ જેટલો નોંધાયો હતો.