હજી તો Go Firstની નાદારીનો મામલો થાળે પડ્યો નથી અને એની વચ્ચે જ એક અન્ય એરલાઇન્સ પર પણ તલવાર તોળાઈ રહ્યું હોવાના સમાચાર આવી રહ્યા છે. સસ્તી હવાઈ મુસાફરી પૂરી પાડતી કંપની Go Firstની હાલત એટલી ખરાબ હતી કે તેણે પોતાને નાદાર જાહેર કરવા માટે NCLTનો સંપર્ક કર્યો હતો. એનસીએલટીએ આ અંગે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. પરંતુ નાદારીની આ તલવાર હવે અન્ય બજેટ એરલાઈન્સ ગણાતી સ્પાઈસ જેટ પર પણ તોળાઈ રહી છે. હવે આ અંગે 8મી મેના રોજ સુનાવણી કરવામાં આવનાર છે.
સ્પાઈસ જેટની આર્થિક સ્થિતિ અત્યારે સારી નથી અને હવે એરક્રાફ્ટ રેન્ટલ કંપનીએ તેની સામે નાદારી પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી કરી છે. NCLTએ આ માટે 8મી મેની તારીખ નક્કી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પાઈસ જેટની હરીફ કંપની ગો ફર્સ્ટ સામેની બે નાદારી અરજીઓ પર પણ એ જ દિવસે સુનાવણી કરવામાં આવશે. પોતે નાદારી પ્રક્રિયા માટે અરજી કર્યા પછી, તમામ GoFirst ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને 12મી મે સુધી તે રદ રહેશે.
આઇરિશ કંપની એરકેસલ (આયરલેન્ડ) લિમિટેડે સ્પાઇસજેટ સામે નાદારી પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. કંપની સ્પાઇસજેટને ભાડા પર એરક્રાફ્ટ આપે છે. કંપનીએ 28 એપ્રિલે NCLTમાં આ અરજી દાખલ કરી હતી. હવે 8મી મેના રોજ સુનાવણી બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે કે સ્પાઈસ જેટ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ કે નહીં.
દરમિયાન, સ્પાઈસ જેટ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે તેણે એરકેસલ (આયરલેન્ડ) લિમિટેડના તમામ એરક્રાફ્ટ પહેલાથી જ પરત કરી દીધા છે. કંપનીના કાફલામાં આઇરિશ કંપનીનું કોઇ વિમાન નથી.
એટલું જ નહીં પણ સ્પાઈસ જેટે એવું સ્પષ્ટ કર્યું છે કે આ અરજીના કારણે તેની ફ્લાઇટ સેવા પર કોઈ પણ અસર નહીં જોવા મળે. તે પહેલાની જેમ જ સામાન્ય રહેશે. કંપની તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મામલાને કોર્ટની બહાર ઉકેલવામાં આવશે.
જોકે, NCLT અનુસાર, અન્ય બે કંપનીઓએ પણ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે સ્પાઈસ જેટ સામે અરજી કરી છે. આમાં વિલિસ લીઝ ફાઇનાન્સ કોર્પોરેશને 12મી એપ્રિલે અને એકર્સ બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડે 4થી ફેબ્રુઆરીએ અરજી કરી હતી. સ્પાઈસ જેટે આ બંને અરજીઓ પર હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.