હત્યાનો કેસ ઉકેલી નવી મુંબઈ પોલીસે પત્ની સહિત પંજાબના બે કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈમાં વારંવાર થતા ઝઘડાથી કંટાળી પત્નીએ જ પતિની હત્યા માટે 20 લાખ રૂપિયાની સુપારી આપી હોવાનું સામે આવ્યું હતું. કળંબોલીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકની હત્યા કરવાના કેસમાં નવી મુંબઈ પોલીસે પત્ની સહિત પંજાબના બે કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ પકડી પાડેલા બન્ને કોન્ટ્રાક્ટ કિલરની ઓળખ સુખનીન્દર સોમરાજ સિંહ (23) અને એકમ ઓનકાર સિંહ (29) તરીકે થઈ હતી. પંજાબમાં રહેતા બન્ને આરોપીને કુર્લા વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. વધુ તપાસ માટે આરોપીઓને કળંબોલી પોલીસના તાબામાં સોંપાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ કળંબોલીમાં સિડકો ગાર્ડન સેક્ટર-6 ખાતે 8 મેની સવારે પાંચ વાગ્યાની આસપાસ જયપાલ નિસ્તર સિંહ ખોસા ઉર્ફે પાલાસિંહ (48)ની હત્યા કરવામાં આવી હતી. મૉર્નિંગ વૉક માટે નીકળેલા પાલાસિંહ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આરોપી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે કળંબોલી પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
તપાસ માટે પોલીસ અધિકારીઓની ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને આરોપીઓના મોબાઈલ લોકેશનને આધારે આરોપી દિલ્હી જઈ રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ ફ્લાઈટમાં દિલ્હી પહોંચી હતી, પરંતુ ટ્રેનમાં શોધ ચલાવ્યા છતાં આરોપી હાથ લાગ્યા નહોતા. તેમના મોબાઈલ ફોન પણ સ્વિચ ઑફ્ફ આવતા હતા.
દરમિયાન ઘટનાના ચારેક દિવસ પછી આરોપીના મોબાઈલ ઑન થતાં તેમનું લોકેશન કુર્લા સ્ટેશન હોવાનું જણાયું હતું. તાબામાં લેવાયેલા આરોપીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે મૃતકનો તેની પત્ની દલજિત કૌર સાથે વારંવાર ઝઘડો થતો હતો. પરિણામે દલજિતે પતિની હત્યા માટે 20 લાખ રૂપિયાની સુપારી આપી હતી. પોલીસે મૃતકની પત્નીની પણ ધરપકડ કરી હતી.