કોઈપણ સંબંધમાં તિરાડ પડે કે થોડીઘણી કડવાહટ આવી જાય તે સમજી શકાય. સમય જતા એકબીજાના ખરા સ્વભાવ, ગમા-અણગમા કે અન્ય કોઈ બાબતે સમાધાન ન થાય અને મન ખાટું થઈ જાય. ખાસ કરીને પતિ-પત્નીના સંબંધોમાં આમ બને કારણ કે બન્ને અલગ અલગ પરિવાર, માનસિકતા, રહેણીકહેણીમાંથી આવ્યા હોય, એકબીજાના સ્વભાવથી અજાણ હોય, પણ સંબંધો એટલી હદે કેમ બગડે કે એક માણસ બીજાનો જીવ લઈ લે અને જીવ લીધા બાદ તેને અફસોસ પણ ન હોય. શ્રદ્ધા-આફતાબનો કેસ હોય કે નિક્કી-સાહિલનો કેસ હોય, હત્યા કર્યા બાદ પણ હત્યારો આટલો નિષ્ઠુર કઈ રીતે થઈ શકે તે સમજવું મનોવૈજ્ઞાનિકો માટે પણ મુશ્કેલ છે. અમદાવાદમાં પણ એક કેસમાં પતિની હત્યા કરનારી પત્નીને જ્યારે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી ત્યારે તેણે સંબંધી પાસેથી એક-બે નહીં, પણ પંદર આઈસક્રીમ કપ મંગાવ્યા અને બધા ખાઈ ગઈ.
જોકે અહીં પત્ની ત્રસ્ત હતી અને પતિની મારપીટનો ભોગ બનતી હતી. અમદાવાદના કુબેરનગરમાં રહેતી આ મહિલાએ પહેલા તો પતિના મૃત્યુને આકસ્મિક મૃત્યુમાં જ ખપાવવાની કોશિશ કરી હતી,પણ પોસ્ટમોર્ટમે ભાંડો ફોડી નાખ્યો. પોલીસની પૂછપરછમાં પત્ની ભાંગી પડી અને તેણે સ્વીકાર્યું કે દારૂડિયા પતિના રોજના ઝગડા અને મારપીટથી કંટાળી તેણે તેના રામ રમાડી દીધા અને આ માટે દિકરીને પણ સાથે લીધી હતી.
મૃતક કિશોર પત્ની ગીતા અને ચાર સંતાન સાથે રહેતો હતો અને વારંવાર ઘરમાં પત્ની તેમ જ દીકરીઓ સાથે મારપીટ કરતો હતો. 25મી ફેબ્રુઆરીએ પત્ની ગીતાએ કિશોરના ભત્રીજાને ફોન કરી કહ્યું કે કિશોર ખાધાપીધા વિના સૂઈ ગયો છે અને ઉઠતો નથી. ભત્રીજાને કાકા-કાકીના ઝગડા વિશે ખબર હોવાથી તેણે 108ને ફોન કર્યો. 108ની ટીમે તેને મૃત જાહેર કરતા તે કાકાના મૃતદેહને પોસ્ટમોર્ટ્મ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયો જ્યાં તેનું મોત ગુંગળાઈ જવાથી થયું હોવાનું બહાર આવ્યું. તે બાદ પોલીસે પત્ની અને સંતાનોની પૂછપરછ કરી.
આ ઘટના ઘટી ત્યારે ઘરે ગીતાની બે દિકરી જ્યોતિ અને ભાવના હતા. 18 વર્ષીય જ્યોતિએ પોલીસને કહ્યું કે રાત્રે તેને ઘરમાં અવાજ આવ્યો. તેણે જોયું તો પિતા કિશોર સૂતા હતા ત્યારે માતાએ દુપટ્ટાથી તેનું ગળુ દબાવ્યું અને દીકરીએ મોઢા અને નાક પર હાથ મૂકી તેને ગૂંગળાવવાની કોશિશ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગીતા પતિના ત્રાસથી કંટાળી ગઈ હતી. પતિ નાની નાની વાતોમાં મારપીટ કરતો અને બાળકોને પણ હેરાન કરતો હતો. 25મી રાત્રે પણ તેણે ગીતાને માર માર્યો હતો. આથી તેણે ત્યારે જ આ બધાથી છૂટકો મેળવવા આમ કરવાનો વિચાર કર્યો. તેણીએ કિશોરની છાતી પર બેસી દુપટ્ટાથી એક કલાક સુધી તેનું ગળું પકડી રાખ્યું હતું.
પોલીસ સ્ટેશને આવ્યા બાદ પણ તેણે કોઈ અફસોસ વ્યક્ત કર્યો ન હતો અને પંદર આઈકક્રીમ ખાઈ ગઈ હતી. પોલીસે ગીતા અને તેની પુત્રીની ધરપકડ કરી છે.