બ્રિટનની મહારાણી એલિઝાબેથના નિધન બાદ હવે તેમના પુત્ર ચાર્લ્સ રાજગાદી પર બિરાજમાન થશે. છઠ્ઠી મેના બ્રિટનના કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેક કરવામાં આવશે આ રાજ્યાભિષેક સમારોહને લાગતા જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર પ્રમાણે એવું કહેવાય છે કે આ સમારોહમાં મહારાણી કેમિલા કોહિનૂર હીરો જડેલો મુગટ નહીં પહેરે. હવે મહારાણી કેમિલાએ કેમ આવી જાહેરાત કરી એ પાછળનું કારણ શું હોઈ શકે એ વિશે જાત જાતની અટકળો વ્યક્ત કરાઈ રહી છે અને એ જ વિષે આપણે અહીં વાત કરવાના છીએ. સૌથી પહેલી અને મહત્ત્વની વાત એટલે કે કેમિલાનું એવું માનવું છે બેનમૂન હીરાને પહેરવાનો સીધો સીધો અર્થ એવો થાય કે તેઓ ભારતના જખ્મો પર મીઠું ભભરાવવા માગે છે, કારણ કે આ આ હીરો ઈસ્ટ ઈન્ડિયા કંપની મહાજારા રણજિતસિંહના દીકરા દલિપ સિંહ પાસેથી પડાવી લીધો હતો અને મહારાણી વિક્ટોરિયાને ભેટમાં આપ્યો હતો. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આ લૂંટનો માલ ગણાય. આ સિવાય એક બીજું કારણ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે કેમિલા રાજ્યાભિષેક સમયે સાદગીનો દેખાવ કરવા માહે છ અને 40 કરોડ ડોલરના આ હીરાને તેઓ લોકોની નજરોથી બચાવીને શાહી ખજાનામાં સાચવીને રાખવા માગે છે. સાચું કારણ જે હોય તે પણ ભાઈસા’બ આપણને તો મહારાણી રાજ્યાભિષેકમાં આ બેનમૂન હીરો પહેરીને નહીં મહાલી શકે એ વાતમાં રસ પડ્યો. કોહિનૂર હીરો ભારતીયોને બ્રિટીશરોના અત્યાચાર અને મનમાનીની યાદ અપાવે છે અને આ હીરા વિશે એક બીજી વાયકા એવી પણ છે કે હીરો પાંડવોના સમયનો છે અને એક સમયે તે મહારાજ યુધિષ્ઠિરના મુગટની શોભા વધારતો હતો. બાદમાં તે દિલ્હીના શાસક મોહમ્મદ શાહ પાસે આવ્યો અને તે આ હીરાને પોતાની પાઘડીમાં છુપાવીને રાખતા હતા. આ વાતની જાણ ઈરાનથી આવેલા નાદિર શાહને થઈ હતી અને તેણે દિલ્હી પર કબજો કર્યા બાદ દોસ્તીનો દેખાડો કરીને મોહમ્મદ શાહને પાઘડીઓની અદલ બદલ કરવા મનાવી લીધા અને આ રીતે આ હીરો ભારતથી ઈરાન પહોંચ્યો. કાળાંતરે કોહિનૂર પાછો ભારત આવ્યો આ વખતે તે પંજાબના મહારાજા રણજિતસિંહ પાસે આવ્યો અને તેમણે આ હીરો આ રાજવી પરિવાર પાસેથી ચાલાકીથી પડાવી લીધો. અનેક વખત માગણી કરવામાં આવી હોવા છતાં બ્રિટેને ભારતને કોહિનૂર પાછો નહીં સોંપ્યો..