ગુજરાતમાં એક ટ્રેન આવે છે જેનું નામ તો ખૂબ પવિત્ર સ્થળ સાથે જોડાયેલું છે, પરંતુ અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) તેને એક અલગ નામ આપે તો કહેવાય નહીં. વાત છે ઓડિસાથી અમદાવાદ આવતી 12843 નંબરની પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનની. આ ટ્રેન ઓડીસાથી અમદાવાદ ગાંજો ઘુસાડવાનું માધ્યમ બની ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમા અમદાવાદ જીઆરપીએ અહીં એનડીપીએસ અંતર્ગત 23 કેસ રજિસ્ટર કર્યા છે, જેમાં કાં તો આ ટ્રેનમાંથી રેઢો મૂકાયેલો ગાંજો મળી આવ્યો છે અથવા ગાંજાની તસ્કરી કરતા મુસાફરો મળી આવ્યા છે. વર્ષ 2018થી 2022 સુધીમાં જીઆરપીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પુરી એક્સપ્રેસમાંથી કુલ 291.41 કિલો ગાંજો પકડ્યો છે. ચાર ટ્રેન એવી છે જેમાંથી સૌથી વધારે ગાંજાની તસ્કરી પકડાઈ છે, જેમાં પુરી-અમદાવાદ એક્સપ્રેસ મોખરે છે. અન્ય ટ્રેનમાં હાવરા-અમદાવાદ સુપરફાસ્ટ, ચેન્નઈ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અને કાકીનાડા-ભાવનગર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
જોકે જે ગાંજા સાથે પકડાઈ છે તે મુસાફરો ખૂબ જ ગરીબીમાં જીવતા હોવાથી તેઓ માલ લાવવાનું જોખમ લે છે. મુળ ગુનેગારો છે તે તેમને પેકેટ આપી તેમનો ફોટો પાડે છે અને જે સ્ટેશને પહોંચાડવાનો હોય ત્યાં જે તે સત્કરને મોકલી દે છે. મુસાફર તે સ્ટેશન પર ઊભો રાહ જુએ છે ને તેના બદલામાં ખૂબ જ સામાન્ય એવી રકમ તે મુસાફરને આપે છે. જોકે હવે ગાંજાને ટ્રેનમાં જ મૂકી દેવામાં આવે છે, કારણ કે સીસીટીવી કેમરા અને રેલવે પોલીસની ચાંપતી નજરથી બચી શકાય. આ ગાંજો ટ્રેનમાંથી ગમીવાર તસ્કર લઈ શકે છે. ઘણીવાર પોલીસને તે સામાન તરીકે ટ્રેનમાંથી જ મળી આવે છે.
ગુજરાતમાં આમ પણ ડ્રગ્સ આવવાની ઘટનાઓ વધી રહી છે. મોટાભાગનું દરિયાઈ માર્ગે આવતું પકડાયું છે જ્યારે કાર્ગો દ્વારા હવાઈ માર્ગે પણ પકડાઈ છે, પરંતુ ગાંજો મોટે ભાગે ટ્રેનમાર્ગે આવે છે. ગાંજો એક એવી વસ્તુ છે જે દેશમાં જ ઉગાડવામાં આવે છે અને એક રાજ્યથી બીજા રાજ્યો સુધી પહોંચાડવામાં આવે છે.