પેન તો આપણે બધા જ રોજિંદા જીવનમાં વાપરતા હોઈએ છીએ અને હવે તો બજારમાં જાત જાતની બોલપેન મળે છે. આપણામાંથી ઘણા લોકોએ નોટિસ કર્યું હશે કે જો બોલપેન ઢાંકણાવાળી હોય તો તેના પર એક કાણું હોય છે. હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે આખરે બોલપેનના ઢાંકણામાં આ કાણું કેમ હોય છે. આજે આપણે આ જ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. પરંતુ આ બાબતે સૌથી કોમન જવાબ એવો મળે છે કે પેનની સ્યાહી ના સૂકાઈ જાય એ માટે ઢાંકણા પર આ કાણું કરવામાં આવે છે. ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ લઈએ ઢાંકણા પર કરવામાં આવેલા આ કાણાનું કારણ…
આપણામાંથી ઘણા લોકોને એવી ટેવ હોય છે કે કામ કરતી વખતે પેન કે પેનનું ઢાંકણું મોઢામાં નાખી દેવાની. ઘણા લોકો તો એટલા વિચિત્ર હોય છે કે ન પૂછો વાત. ઢાંકણું મોઢામાં નાખીને તેને લિટરલી ચાવવાની કુટેવ પણ ઘણા લોકોને હોય છે. હવે બોલપેનના ઢાંકણા પર રહેલાં કાણા વિશે વાત કરીએ તો બાળકોથી લઈને મોટાલોકો પણ આ ઢાંકણું જાણતા-અજાણતાં મોઢામાં નાખે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આ ઢાંકણું જો મોઢામાં કે ગળામાં અટકી જાય તો શું થાય?
જો કોઈ વખત ભૂલથી પેનનું ઢાંકણું ગળામાં કે શ્વસનનળીમાં અટકી જાય તો તમારો શ્વાસ રૂંધાઈને જીવ જવાનું જોખમ પણ હોય છે. એવા સમયે જો પેનના ઢાંકણામાં કાણું હોય તો હવા આરપાર થઈ શકે. આ જ કારણસર બોલપેનના ઢાંકણામાં કાણું રાખવામાં આવે છે. જેથી જો તમારા ગળામાં ઢાંકણું અટકી જાય તો તમારો શ્વાસ રૂંધાય નહીં.
પણ આ બધાથી પણ મહત્ત્વની વાત એટલે એ કે જો તમને પણ આવી કુટેવ હોય તો તેને આજે જ બંધ કરી દો, કારણ કે દરેક વખતે પેનના ઢાંકણામાં રહેલાં કાણાને કારણે તમને મદદ મળશે, એવું પણ શક્ય નથી અને આમ પણ કોઈ પણ વસ્તુ મોઢામાં નાખવી એ ખરાબ જ છે અને એમાં પણ જો આ વસ્તુ ખુલી હોય તો તે તેના પર અસંખ્ય બેક્ટેરિયા, ધૂળ, માટી હોય છે અને તેને મોઢામાં લેવાથી આપણા શરીરમાં આ બેક્ટેરિયા અને ધૂળ-માટી પ્રવેશે છે, જેને કારણે બીમાર પડવાની શક્યતા પણ વધી જાય છે.