નિલેશ વાઘેલા
મુંબઇ: એસવીબી અને સિગ્નેચર બેન્ક બાદ ક્રેડિટ સૂઇસ ઓછી હોય તેમ તેના પછી ર્ફ્સ્ટ રિપબ્લિક બેન્ક પણ આફતમાં આવી હોવાના અહેવાલો વચ્ચે વિશ્વબજારના ઇક્વિટી માર્કેટનો ટોન પાછલા સપ્તાહે ધ્રુજરો થઇ ગયો હતો અને આમ છતાં સમીક્ષા હેઠળના સપ્તાહના અંતિમ બે સત્રમાં શેરબજારમાં તેજીનો મૂડ જોવા મળ્યો હતો. આની પાછળના કારણો જોઇએ તો, એસવીબી અને સિગ્નેચરને ફંડીંગનો ટેકો મળ્યા બાદ સ્વિસ નેશનલ બેન્ક ક્રેડિટ સૂઇસને આફતમાંથી ઉગારવા માટે લગભગ ૫૪ અબજનુ ફંડ પૂરૂ પાડશે એવા અહેવાલોની શાહી સૂકાય એ પહેલા ર્ફ્સ્ટ રિપબ્લિક બેન્ક મુશ્કેલીમાં મૂકાઇ હોવાના અહેવાલ આવ્યા હતા. જોકે, આ વખતે પણ અમેરિકાની ખાનગી બેન્કોના કોન્સોર્ટિયમ દ્વારા નાણાં સહાય મળવાના અહેવાલોને કારણે વૈશ્વિક બજારોના સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.

અમેરિકાની અગ્રણી ખાનગી બેંકોના કોન્સોર્ટિયમે ફર્સ્ટ રિપબ્લિક બેંક માટે ૩૦ અબજ ડોલરના રેસક્યુ પેકેજની જાહેરાત કરી હોવાથી તમામ નોશનલ રિસ્ક પર જાણે પરદો પડી ગયો હતો. જેપી મોર્ગન ચેઝ, મોર્ગન સ્ટેનલી અને અન્ય નવ દિગ્ગજો દ્વારા જાહેર કરાયેલ પેકેજમાં ૩૦ બિલિયન ડોલરની વીમા વિનાની થાપણોનો સમાવેશ થાય છે. હવે બેન્કિંગ સેક્ટરમાં આવેલા ફેરફારને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેન્ક ફુગાવા સામેની તેની લડાઈમાં કેવી રીતે આગળ વધશે તે જોવા માટે રોકાણકારો આ સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની મીટિંગની રાહ જોશે. વ્યાપક સ્તરે એવી આશા સેવવામાં આવે છે કે ફેડરલ રિઝર્વ હવે બેન્કિંગ સેકટરના સંકટને ધ્યાનમાં રાખીને ડોવીશ સ્ટાન્સ અપનાવશે.
યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ગુરૂવારે બેન્કિંગ સેક્ટરમાં તાજેતરની ઉથલપાથલ છતાં વધુ ૫૦ બેસિસ પોઈન્ટનો દર વધારવાની જાહેરાત કરી હતી અને બજારે આ આંચકો પચાવી લીધો હોવાથી રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો છે. ઉપરોક્ત કારણોસર બજાર અત્યાર સુધી અડીખમ રહ્યું છે. ભારતની વાત કરીએ તો અમેરિકા અને યૂરોપના બેન્ક સંકટની ભારત પર ખાસ અસર નહીં થાય તેવા આશાવાદ સાથે પાછલા બે સત્રમાં લેવાલીનો ટેકો મળ્યો હતો. જોકે, ફેડરલ રિઝર્વનું વલણ અપેક્ષા અનુસારનું રહે છે કે નહીં તેના પર ઘણો આધાર છે.