ઘરમાં રહેલી લોખંડની વસ્તુઓને કાટ લાગી જાય છે અને આવો અનુભવ આપણામાંથી ઘણા લોકોને થયો જ હશે, પણ ક્યારેય સવાલ થયો છે કે જે પાટા પર રોજે હજારો ટ્રેન દોડે છે એ પાટાને કેમ કાટ નથી લાગતો ક્યારેય? આ પાટા પણ તો લોખંડના જ હોય છે. મહત્ત્વની વાત તો એ છે કે આ રેલવે ટ્રેકને હંમેશા જ વરસાદ, સૂર્યપ્રકાશ અને કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં પણ કેમ આ પાટા કાટ નથી પકડતાં એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. આજે અમે અહીં તમારા આ સવાલનો જ જવાબ લઈને આવ્યા છીએ…
રેલવે ટ્રેકને કેમ કાટ નથી લાગતો એ જાણી લેવા માટે સૌથી પહેલાં તો આપણે એ જાણી લેવું પડે કે આખરે લોખંડને કાટ કેમ અને શા માટે લાગે છે. લોખંડ એ મજબૂત ધાતુ છે, પણ તેને કાટ લાગે એટલે તેનો કોઈ ઉપયોગ નથી રહેતો. જ્યારે લોખંડ કે લોખંડમાંથી બનાવવામાં આવેલી કોઈ પણ વસ્તુ ઓક્સિજન કે આર્દ્રતાના સંપર્કમાં આવે છે ત્યારે તેની સાથે રાસાયણિક ક્રિયા કરીને અવાંછિત કંપાઉન્ડ તૈયાર થાય છે અને ધીરે ધીરે તે ખરાબ થવા લાગે છે. આની સાથે સાથે જ તેનો રંગ પણ બદલાવવા લાગે છે અને આ જ ક્રિયાને લોખંડને કાટ લાગી ગયો એવું કહેવાય છે.
હવે પ્રશ્ન એવો થાય કે રેલવે ટ્રેક પણ છે તો લોખંડના જ તો પછી એને કેમ કાટ નથી લાગતો? અનેક લોકોને એવું લાગે છે કે રેલવે ટ્રેક પર પૈડાના ઘર્ષણને કારણે આ પાટાને કાટ નથી લાગતો. પણ એવું નથી. રેલવે ટ્રેક બનાવવા માટે એક ખાસ પ્રકારના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. પોલાદ અને મિક્સ ધાતુના મિશ્રણથી ટ્રેનના ટ્રેક તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણને મેગેનીઝ સ્ટીલ તરીકે ઓળખવામાં આવે છે. જેને કારણે ઓક્સિડેષશન થતું નથી અને વર્ષોના વર્ષો સુધી રેલવે ટ્રેકને કાટ લાગતો નથી.
રેલવે ટ્રેક સામાન્ય લોખંડના હોત તો શું થયું હોત? એવો સવાલ જો તમને થતો હોય તો હવામાં રહેલી આર્દ્રતાને કારણએ લોખંડને કાટ લાગવાની શક્યતા રહેલી છે જેને કારણે વારંવાર ટ્રેક બદલાવવા પડશે અને વારંવાર અકસ્માત થવાનું જોખમ વધી જાય છે. આ જ કારણ છેકે રેલવે ટ્રેક બનાવવા માટે રેલવે દ્વારા ખાસ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.