જ્યારે શેરબ્રોકર હર્ષદ મહેતા પર આક્ષેપો થયા ત્યારે તત્કાલીન કોંગ્રેસના વડા પ્રધાન નરસિમ્હા રાવે અને જ્યારે કેતન પારેખ પર આક્ષેપો થયા ત્યારે તત્કાલીન ભાજપના વડા પ્રધાન અટલબિહારી વાજપેયીએ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) બેસાડી હતી. તો પછી મોદી સરકાર હિડનબર્ગ-અદાણી મુદ્દે જેપીસીથી કેમ ડરી રહી છે, તેવો સવાલ કોંગ્રેસના વરિષ્ટ નેતા માકને કર્યો હતો. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં એક કંપનીને એક એરપોર્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હતો, જેથી એક કંપનીને મોનોપોલી ન રહે, પરંતુ હાલમાં અદાણી જૂથને મોટા ભાગના એરપોર્ટ અને પોર્ટ આપવામા આવ્યા છે.
હિંડરબર્ગના અહેવાલ બાદ તેમની કંપનીમાં રોકાણ ક્યાંથી આવે છે તે જાણવું ખૂબ જરૂરી છે, આમ ન કરતા તેમને ઘણા એરપોર્ટ અને પોર્ટ તેમને આપી દીધા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. માકને જણાવ્યું હતું કે એક ભારતીય તરીકે મને સૌથી વધારે ગંભીર વાત એ લાગે છે કે જે કંપનીએ 37,000 કરોડ અને 1,23,000 કરોડ રૂપિયા વિદેશથી મેળવ્યા છે, તેને આવા મહત્વના કોન્ટ્રાક્ટ આપી દેશની સુરક્ષા-એકતા પર જોખમ ઊભું કરી દેવામાં આવ્યું છે. આ નાણાં ચીન કે પાકિસ્તાનથી આવ્યા છે કે પછી અન્ય જગ્યાએથી તે અંગે જાણવાની સરકારને જરૂર નથી લાગતી તે વાત સૌથી વધારે અકળાવનારી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે અદાણીને કોન્ટ્રાક્ટ આપવા માટે મોદી સરકારે સરકારી નિતિનિયમોમાં ફેરફાર કરી પૂંજીપતિ મિત્રને મદદ કરી રહ્યા છે. કોઈપણ સરકારી કોન્ટ્રાક્ટ ઓપન બીડ દ્વારા જ આપવો જોઈએ અને તેમાં એક જ કંપની કે જૂથની મોનોપોલી રહેતી નથી, તેનુ ખાસ ધ્યાન રાખવું જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું અને અગાઉ કોંગ્રેસે આ રીતે જ કામ કર્યું હોવાનો દાવો કર્યો હતો.