એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાં એ વાતને માંડ મહિનો થયો છે ત્યાં કેન્દ્રીય ચૂંટણી પંચે બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની તારીખોની જાહેરાત કરી નાખી. આ પૈકી ત્રિપુરામાં ૧૬ ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થશે. આ ત્રણેય રાજ્યોમાં ૨ માર્ચે મતગણતરી છે એટલે એક સાથે ૨ માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. આ ત્રણેય રાજ્યની વિધાનભામાં ૬૦-૬૦ ધારાસભ્યો છે તેથી ત્રણેય રાજ્યમાં બહુમતી મેળવવા માટે ૩૧ બેઠકો પર જીત મેળવનાર પક્ષ સરકાર રચશે.
ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં એક સમયે ભારે હિંસા થતી પણ છેલ્લા કેટલાક સમયથી હિંસા ઘટી ગઈ છે. આ કારણે ત્રણેય રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન કરાવાશે. પંચના કાર્યક્રમ પ્રમાણે ત્રિપુરામાં ૨૧ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી સુધી ઉમેદવારીપત્રો ભરાશે જ્યારે મેઘાલય-નાગાલેન્ડમાં ૩૧ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો ભરાશે.
આ વરસ દેશ માટે ચૂંટણીનું વરસ છે ને દેશમાં નવ ને જમ્મુ તથા કાશ્મીરને પણ ગણતરીમાં લઈએ તો ૧૦ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. તેની શરૂઆત આ ત્રણ રાજ્યોથી થશે. ફેબ્રુઆરીમાં આ ત્રણ રાજ્યોમાં ચૂંટણી થાય પછી એપ્રિલ-મે મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થાય એવી શક્યતા છે. જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી થશે એ અંગે અવઢવ છે પણ એ પછી મે મહિનામાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાશે એ નક્કી છે.
કર્ણાટક મોટું રાજ્ય છે પણ અસલી ખેલ એ પછી છે. નવેમ્બરમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં ચૂંટણી થશે. આ ચૂંટણી પતે પછી વર્ષના અંતે, એટલે કે ડિસેમ્બરમાં તેલંગાણા અને રાજસ્થાનમાં ચૂંટણી થશે. એ રીતે આ આખું વરસ ચૂંટણીમાં પસાર થવાનું છે. આ ચૂંટણીમાંથી પરવારીશું ત્યાં સુધીમાં લોકસભાની ચૂંટણી આવી જશે. લોકસભાની ચૂંટણીની સાથે ઓડિશા, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ તથા સિક્કિમ એ ચાર રાજ્યોમાં ચૂંટણી થશે તેથી દોઢ વર્ષના ગાળામાં અડધા ભારતમાં ચૂંટણીનો માહોલ રહેશે.
ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ એ ત્રણેય રાજ્ય ટચૂકડાં છે પણ ત્રણેય ભાજપ માટે મહત્ત્વનાં છે. લોકસભામાં ત્રણેય રાજ્યોની બધી મળીને પાંચ બેઠકો થાય છે તેથી તેમનાં પરિણામોની રાષ્ટ્રીયસ્તરે કોઈ અસર ના થાય પણ ત્રણેય રાજ્યોમાં ભાજપ કે તેના સાથી પક્ષોની સરકાર હોવાથી રાજકીયરીતે ભાજપ માટે આ રાજ્યોનાં પરિણામો મહત્ત્વનાં છે. આ પૈકી બે રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપની સરકારો નથી પણ ભાજપ સરકારમાં ભાગીદાર છે.
મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટીના કોનરાડ સંગમા અને નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેઈફુ રીયો મુખ્યમંત્રી છે. નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી સરકારમાં ભાજપ ભાગીદાર છે. બંને પક્ષોની પોતપોતાની તાકાત છે ને એ તાકાત જળવાય એ ભાજપ માટે મહત્ત્વનું છે કેમ કે ભાજપના સાથી પક્ષો ના જીતે તો તેનો ફાયદો કૉંગ્રેસને થાય. એક જમાનામાં આ રાજ્યોમાં કૉંગ્રેસનો દબદબો હતો પણ પ્રાદેશિક પક્ષોના પાવર સામે કૉંગ્રેસ નબળી સાબિત થઈ છે.
કૉંગ્રેસ આ રાજ્યોમાં ફરી બેઠી થાય કે તેના સાથી પક્ષો પણ જીતે તો લોકસભાની ચૂંટણી પહેલાં તેના કાર્યકરોનો આત્મવિશ્ર્વાસ વધી જાય. કૉંગ્રેસે હમણાં હિમાચલ પ્રદેશમાં જીત મેળવી જ છે. તેના કારણે કૉંગ્રેસ સાવ મરી પરવારી નથી એ સાબિત થયું છે. આ બે રાજ્યોમાં કૉંગ્રેસ જીતે તો કૉંગ્રેસ શાસિત રાજ્યોની સંખ્યા વધીને પાંચ પર પહોંચે ને કૉંગ્રેસીઓનો આત્મવિશ્ર્વાસ વધે જ.
ભાજપ માટે સૌથી મહત્ત્વનું રાજ્ય ત્રિપુરા છે ને વાસ્તવમાં ત્રિપુરાનાં પરિણામો રાષ્ટ્રીય રાજકારણને પણ અસર કરી શકે છે. ત્રિપુરામાં પાંચ વર્ષ પહેલાં ભાજપે અઢી દાયકાથી જામેલા ડાબેરી મોરચા અને બે દાયકાથી જામેલા સીપીએમના માણિક સરકારને ઉખાડી ફેંકીને સત્તા કબજે કરેલી. માણિક સરકાર માર્ચ ૧૯૯૯થી ત્રિપુરાના મુખ્યમંત્રી હતા. સરકાર સળંગ ૧૯ વર્ષ ને ૩૬૩ દિવસ એટલે કે ૨૦ વર્ષ સુધી સુધી ત્રિપુરાના મુખ્યમંત્રી રહ્યા.
ત્રિપુરામાં ૧૯૯૩થી સીપીએમનું શાસન હતું. પહેલીવાર ડાબેરી મોરચાની જીત થઈ પછી ૧૯૯૩થી ૧૯૯૮ સુધી દશરથ દેબ મુખ્યમંત્રી હતા. ૧૯૯૮માં ફરી સીપીએમની સરકાર આવી ત્રે માણિકદા સરકારને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને ત્યારથી માણિકદા મુખ્યમંત્રીપદે હતા. માર્ચ ૨૦૧૮ની ચૂંટણીમાં માણિકદાની હાર થઈ અને ભાજપની સરકાર રચાતાં તેમની સત્તાનો અંત આવ્યો હતો. માણિકદા સરકાર પાંચ-પાંચ વર્ષની ચાર સળંગ ટર્મ પૂરી કરનારા જ્યોતિ બસુ અને પવન ચામલિંગ પછી ત્રીજા મુખ્યમંત્રી હતા. માણિકદા સરકાર ચામલિંગ અને બસુની જેમ પોતાની પાર્ટીને સળંગ પાંચ ટર્મ જીતાડનારા મુખ્યમંત્રી ના બની શક્યા પણ છેલ્લાં પાંચ વર્ષથી એ ફરી ડાબેરી શાસનની સ્થાપના માટે મથ્યા કરે છે.
આ પ્રયત્નો ફળશે કે નહીં એ ખબર નથી પણ ભાજપ ભીંસમાં તો છે જ. ભાજપ પાંચ વર્ષ પહેલાં જીત્યો ત્યારે બિપ્લબ કુમાર દેબને મુખ્યમંત્રી બનાવેલા પણ દેબ પાંચ વર્ષ પૂરા કરે એ પહેલાં તેમને બદલીને કૉંગ્રેસમાંથી આવેલા માણિક સહાને મુખ્યમંત્રી બનાવવા પડ્યા છે. ત્રિપુરામાં ભાજપ માટે બધું સમૂસૂતરું નથી તેનો આ સ્પષ્ટ સંકેત છે. ભાજપે ગયા વરસે ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલીને સત્તા બચાવવામાં સફળતા મેળવી હતી. ત્રિપુરામાં પણ ભાજપે આ જ દાવ ખેલ્યો છે પણ બંને રાજ્યોમાં ફરક છે તેથી ભાજપની કસોટી છે. ત્રિપુરામાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ પણ લાંબા સમયથી પગ જમાવવા મથ્યા કરે છે તેના કારણે ચતુષ્કોણીય જંગ થવાની શક્યતા છે.
ત્રિપુરામાં તૃણમૂલ કૉંગ્રેસ જીતશે તો મમતાનો દબદબો વધશે ને તેની અસર લોકસભાની ચૂંટણી પર પડશે. ડાબેરી મોરચો જીતશે તો પણ રાષ્ટ્રીય રાજકારણ પર અસર પડશે. એક જમાનામાં પશ્ર્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરા એ ત્રણ ડાબેરીઓના ગઢ હતા. હવે ડાબેરીઓ પાસે કેરળ જ બચ્યું છે. ડાબેરીઓએ ફરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું વર્ચસ્વ સ્થાપવું હોય તો ત્રિપુરામાં જીતવું જરૂરી છે. ભાજપે હિંદુત્ત્વની લહેર ઊભી કરીને ત્રિપુરા જીતેલું પણ હિંદુત્ત્વના પોસ્ટર બોય જેવા બિપ્લબ કુમાર દેબને જ બદલી નંખાયા એ જોતાં ભાજપ જીતે છે કે નહીં એ પણ જોવાનું રહે છે.