શનિવારે જ અક્ષય તૃતિયા ઊજવાઈ અને આ દિવસે સોના-ચાંદીના ઘરેણા ખરીદવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જોકે, પીળી ચળકતી આ સોનાની ધાતુ એટલી મોંઘી છે કે એને ખરીદવાનું દરેકનું ગજું નથી. પરંતુ, લોકો પોતાની યથાશક્તિ સોનું ખરીદે છે. આવી પરિસ્થિતિમાં મનમાં એક પ્રશ્ન અવશ્ય આવે છે કે આખરે શું કામ સોનું આટલું બધું મોંઘું હોય છે?
સોનાના ઈતિહાસ વિશે વાત કરીએ તો પ્રાચીન કાળથી સોનાનો ઉપયોગ થતો આવ્યો છે અને જૂના જમાનામાં રાજાઓ અને સમ્રાટોના મુગટ અને આભૂષણોથી માંડીને સિક્કાઓ સુધ્ધાં આ સોનામાંથી જ બનાવવામાં આવતા હતા. આજે પણ સોનામાંથી લોકોનો રસ જરાય ઓછો થયો નથી અને એમાં પણ ખાસ કરીને મહિલાઓનો. મહિલાઓને સોનું બચાવવામાં વધુ રસ હોય છે અને સોનું એ વિશ્વની સૌથી વધુ પસંદગીની ધાતુઓમાંથી એક છે. પરંતુ, આ સોનાની એક જ સમસ્યા છે અને એ એટલે તેની કિંમત… વાસ્તવમાં, સોનાની વધતી કિંમત પાછળ ઘણા કારણો છે. આવો જાણીએ શું છે આ કારણો…
સોનાની માંગ એ તેના મોંઘા થવાનું એક મહત્ત્વનું કારણ છે. જે વસ્તુઓ દુર્લભ છે કે પથી પ્રકૃતિમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે તે મોટે ભાગે મોંઘી જ હોય છે. સોનું પણ આવી જ એક ખૂબ જ ઉપયોગી ધાતુ છે, સાથે સાથે તે પ્રકૃતિમાં પણ ખૂબ ઓછી માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ સમગ્ર વિશ્વમાં તેની માંગણી વધારે છે આ જ કારણસર તેની કિંમત વધારે જોવા મળે છે.
સોનું પ્રકૃતિમાં મુક્ત અને સંયુક્ત સ્વરૂપે જોવા મળે છે. ગોલ્ડ ઓરમાંથી શુદ્ધ સોનું મેળવવાની પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે. તેથી જ સોનું ખૂબ મોંઘું બની જાય છે. ખૂબ જ ઓછા લોકોને ખ્યાલ હશે કે દરિયામાંથી પણ સોનું મળી આવે છે, પરંતુ દરિયામાંથી સોનું કાઢવાની પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ હોય છે. એટલે તેની ખાણ-કામની પ્રક્રિયા મોંઘી થવાનું મુખ્ય કારણ છે. આ સિવાય સોનું એ પીળા રંગની ચળકતી અને ખૂબ જ સુંદર ધાતુ છે. સુંદર વસ્તુઓની કિંમત હંમેશા વધુ હોય છે. આ રીતે, સોનાની ચમક અને સુંદરતા પણ તેના મોંઘા થવાનું એક મોટું કારણ છે.
આ સિવાય બીજા કારણો પણ છેઃ
ઉપર જણાવવામાં આવેલા કારણો સિવાય સોનાના એવા અનેક ઘણા ગુણો પણ છે અને એ જ અનુસાર તેને વધારે મોંઘું બનાવે છે, ચાલો જાણીએ કે તે ગુણો શું છે?
સોનાને કાટ લાગતો નથી, સોનામાં લોખંડ વગેરે જેવી અન્ય ધાતુઓની જેમ ઓક્સિડાઇઝ થવાની વૃત્તિ હોતી નથી.
ફેશન, ડેકોરેશનથી લઈને ઈન્ડસ્ટ્રીયલ વર્કમાં પણ તેનો ઉપયોગ થાય છે.
સોનાની કિંમત કોઈપણ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવતી નથી, પરંતુ તે તેના ખાણકામ અને શુદ્ધિકરણના ખર્ચ પર આધારિત છે.
ઊંઘ પર હવામાનની કોઈ અસર થતી નથી. તેની આ ગુણવત્તા તેને અન્ય ધાતુઓથી અલગ બનાવે છે, તે કોઈપણ સિઝનમાં એક જેવું જ રહે છે.