મુંબઈગરાઓ લગભગ રોજ કોઈને કોઈ રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડતા હશે અને કોઈને કોઈ રેલ્વે સ્ટેશન પર ઉતરતા હશે. રેલ્વે સ્ટેશનના બોર્ડ પર તમે જોતા હશો કે રેલવે પ્લેટફોર્મ પર જે યલો કલરનું મોટું બોર્ડ જે તે સ્ટેશનના નામનું હોય છે તેના નીચે સમુદ્ર તટથી કેટલી ઊંચાઈ છે તે જણાવવામાં આવે છે. આ શા માટે જણાવવામાં આવે છે કોઈ દિવસ વિચાર્યું છે? નહીં ને ? આ માહિતી પ્રવાસીઓ માટે નહીં પરંતુ રેલવેના લોકો પાયલટ અને ગાર્ડ માટે અહીં લખવામાં આવી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક જગ્યાની સમુદ્ર તટથી ઊંચાઈ અલગ અલગ હોય છે. દિલ્હીની ઊંચાઈની વાત કરીએ તો એ સમુદ્ર તટથી 207 મીટર ઊંચું છે જ્યારે મુંબઈ માત્ર સાત મીટર. લોકો પાયલોટ જ્યારે ટ્રેન ચલાવતો હોય ત્યારે દરેક સ્ટેશન પરના બોર્ડ પર તે સમુદ્રની ઊંચાઈ જોતો હોય છે આનું કારણ એ છે કે તેણે એ ઊંચાઈને ધ્યાનમાં રાખીને રેલ્વે એન્જિનને પાવર અને ટોર્ક જનરેટ કરવા માટે કમાન્ડ આપવાની હોય છે જેથી ટ્રેન ઊંચી કે નીચી ધરતીની સપાટી પર સરળતાથી પોતાની ઝડપને યથાવત રાખીને ચાલી શકે. છે ને ઇન્ટરેસ્ટિંગ!